પંચમહાલ : ગોધરા કનેલાવ તળાવ બન્યો બિસ્માર, પિકનિક પોઇન્ટની થઇ ખરાબ દુર્દશા
ગોધરા શહેરના છેવાડે આવેલા પિકનિક પોઇન્ટ કનેલાવ તળાવની હાલ દુર્દશા થઈ રહી છે, જેથી તેની જાળવણી કરી પિકનિક પોઇન્ટ તરીકે વિકસાવવા માટે શહેરીજનોમાં ઉગ્ર માંગ ઉઠી છે. અગાઉ કનેલાવ તળાવ ખાતે વહીવટી તંત્રના સથવારે બોટીંગ વ્યવસ્થા અને રોટરી ક્લબ દ્વારા નાના બાળકો માટે સ્વિમિંગ પૂલ, બેસવા માટે રેન બસેરા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી હતી, પરંતુ જાળવણીના અભાવે આ તમામ વસ્તુઓ હાલ ખંડેર બની ગઈ છે.
આ ઉપરાંત અહીં પૂરતા પ્રમાણમાં સ્ટ્રીટ લાઇટનો પણ અભાવ જોવા મળી રહ્યો છે, જેથી મોડી સાંજે અને વહેલી સવારે વોકિંગ માટે આવતા શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કનેલાવ તળાવ ખાતે હાલ કેટલાક અસામાજિક તત્વો પણ અડ્ડો જમાવી વ્યસન કરવા સહિતની પ્રવૃત્તિઓ કરતા જોવા મળી રહ્યા છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા આ રમણીય તળાવનો પુનઃ વિકાસ કરી શહેરીજનો માટે અગાઉના વર્ષોમાં જે પ્રમાણે ફરવા લાયક એક સ્થળ હતું એવી જ રીતે ફરી એકવાર ફરવા લાયક સ્થળ બની રહે એવી શહેરીજનોમાં હાલ માંગણી ઉઠી છે. ગોધરા શહેરના છેવાડે આવેલા વિશાળ કનેલાવ તળાવમાં બારેમાસ પાણી ભરચક રહેતું હોય છે, જેથી આજુબાજુના વિસ્તાર ખૂબ જ રમણીય અને ખુશનુમા વાતાવરણવાળો રહેતો હોય છે. જેને લઈ અહીં વર્ષોથી શહેરીજનો વહેલી સવારે અને મોડી સાંજે તેમજ રવિવારે નિરાંતની પળો માણવા માટે આવતાં હોય છે, પરંતુ વર્ષો અગાઉ ઊભી કરવામાં આવેલી તમામ સુવિધા દિન પ્રતિદિન જાળવણીના અભાવે ખંડેર અવસ્થામાં ફેરવાઈ ગઈ છે. જેથી અહીંયા આવતા સહેલાણીઓની સંખ્યામાં ઘટાડો થયો છે.
અગાઉ વહીવટી તંત્ર દ્વારા જ અહીં નૌકા વિહાર સુવિધા શરૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત રોટરી ક્લબ અને લાયન્સ ક્લબ દ્વારા પણ નાના બાળકો માટે તેમજ સહેલાણીઓને બેસવા માટેની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી હતી. આ તમામ વ્યવસ્થા હાલ જર્જરિત બની જતા શહેરીજનો અહીંયા હવે ફરવા જવાનું ટાળી રહ્યા છે જેનો ગેરલાભ હાલ કેટલાક અસામાજિક તત્વો ઉઠાવી રહ્યા હોય તેવું સર્જિત સ્થિતિ થકી જોવા મળી રહ્યું છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા કનેલાવ તળાવને પિકનિક પોઇન્ટ તરીકે ફરીથી વિકસાવવામાં આવે તો શહેરીજનોને અન્ય સ્થળે ફરવા જવા માટેની ઝંઝટમાંથી મુક્તિ મળી શકે એમ છે. તેમજ સ્થાનીય લોકોને વ્યવસાયરૂપી રોજગાર પણ ઉપલબ્ધ થાય તેમ છે. જોકે, કનેલાવ તળાવને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે અગાઉ કલેક્ટર કક્ષાએથી પ્રવાસન વિભાગને 18 કરોડના ખર્ચે સુવિધાઓ ઉપલબ્ધ કરવા દરખાસ્ત કરવામાં આવી હતી. ત્યારબાદ હજી કોઈપણ પ્રકારની પ્રક્રિયા થઈ નથી પરંતુ જિલ્લા કલેક્ટર જણાવી રહ્યા છે. સ્થળ મુલાકાત લઈ આગામી દિવસોમાં એક સમિતિની રચના કરી પ્રવાસન વિભાગ અને સરકારમાં ફોલોઅપ કરીશું. આમ આગામી સમયમાં કનેલાવ તળાવ પિકનિક પોઇન્ટ તરીકે ચોક્કસ આકાર લેશે એવો આશાવાદ હાલ તો કલેક્ટર પણ વ્યક્ત કરી રહ્યા છે.
આ પણ વાંચો - શંકરભાઈ ચૌધરી અને ગેનીબેન ઠાકોર એક ગાડીમાં, એક જ મંચ પર આવતા અનેક અટકળો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ


