Parsi society : પારસી સમાજનું યોગદાન-સખાવતથી રાષ્ટ્રનિર્માણ સુધી
- Parsi society : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ * રાષ્ટ્રનિર્માણમાં પારસીઓનું મહામૂલું યોગદાન રહ્યું છે
* મેડમ ભિખાઈજી કામા, હોમી ભાભા, તાતા, વાડિયા, ગોદરેજ પરિવારો, ફિલ્ડ માર્શલ સામ માણેકશા વગેરે પારસીઓનું મોટું યોગદાન રહ્યું છે
* સખાવતનું બીજું નામ પારસી છે
Parsi society: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel) આજે અમદાવાદમાં યોજાયેલા એક વિશેષ સમારંભમાં પારસી ધર્મગુરુઓનું સન્માન કર્યું હતું. અરીઝ ખંભાતા બનેવોલન્ટ ટ્રસ્ટ (AKBT) દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ પારસી સમુદાયના ભારતના રાષ્ટ્રનિર્માણ અને સાંસ્કૃતિક યોગદાનની સરાહના કરી હતી.
Parsi society: ગીતા જયંતી નિમિત્તે 'સ્વધર્મ'ના સંદેશને યાદ કર્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત સૌને ગીતા જયંતીની શુભકામનાઓ પાઠવીને જણાવ્યું હતું કે, ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં આપેલા 'સ્વધર્મ'ના સંદેશને પારસી સમાજના પૂર્વજોએ ભારતમાં આવીને સાકાર કર્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, ૧૩૦૦ વર્ષ પહેલાં ઈરાનથી સ્થળાંતરણ કરીને આવેલા પારસીઓએ ગુજરાતમાં સાકરની જેમ ભળી જઈને પણ કદી પોતાના ધર્મને છોડ્યો નથી.
Parsi society: : 'વિકાસ ભી, વિરાસત ભી'ના મંત્રને ચરિતાર્થ કરતી ટાઈમ કેપ્સ્યુલ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી(PM Narendra Modi)ના 'વિકાસ ભી, વિરાસત ભી'ના મંત્રનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, જે રીતે ગીતાનું જ્ઞાન સચવાયું છે, તેમ નવસારીમાં પવિત્ર આતશની રક્ષાની ગાથાને યુગો સુધી ટકાવી રાખવા માટે પારસી સમુદાય દ્વારા ટાઈમ કેપ્સ્યુલ મૂકવામાં આવી છે, જે ઇતિહાસને અમર બનાવશે.
વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલી પીએમ જીઓ પારસી યોજનાનો પણ મુખ્યમંત્રીશ્રીએ ઉલ્લેખ કર્યો હતો, જે 'સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ, સૌના પ્રયાસ'ની વિભાવનાને પારસી સમુદાયમાં સાકાર કરે છે.
સખાવતનું બીજું નામ: પારસીઓ
સમુદાયના દાનવીર સ્વભાવની પ્રશંસા કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે જ્યાં જ્યાં આ સમુદાય વસ્યો ત્યાં સખાવતના બીજ રોપાયા છે અને એટલે જ કહેવાય છે કે સખાવતનું બીજું નામ પારસીઓ છે. તેમણે જણાવ્યું હતું કે અરીઝ ખંભાતા બનેવોલન્ટ ટ્રસ્ટ (AKBT) આ દાનવીરતાની પરંપરાને આગળ વધારી રહ્યું છે. આ ટ્રસ્ટ હેલ્થકેર, એજ્યુકેશન અને સમાજ કલ્યાણ સહિત HIV ગ્રસ્ત લોકોના કલ્યાણ માટે નોંધપાત્ર કાર્યો કરી રહ્યું છે.
દેશના મહાનુભાવોને યાદ કર્યા
મુખ્યમંત્રીશ્રીએ આઝાદી કાળથી લઈને આજ સુધી દેશના વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપનારા પારસી અગ્રણીઓ જેવા કે મેડમ ભિખાઈજી કામા, હોમી ભાભા, તાતા, વાડિયા, ગોદરેજ પરિવારો, ફિલ્ડ માર્શલ સામ માણેકશા વગેરેને યાદ કરીને તેમના સંસ્કારો, મૂલ્યો અને કુનેહને બિરદાવ્યા હતા.
ટ્રસ્ટની પ્રવૃત્તિઓ અને શિષ્યવૃત્તિની જાહેરાત
કાર્યક્રમમાં AKBTના ફાઉન્ડર ટ્રસ્ટી શ્રી પીરુઝ ખંભાતાએ સૌનું સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પારસી પ્રિસ્ટ્સનું સન્માન 'વિકાસ વિથ વિરાસત'ના મંત્રને સાકાર કરે છે. તેમણે AKBTની કામગીરીની જાણકારી આપી હતી અને ભવિષ્યમાં પારસી સમાજમાં ધાર્મિક શિક્ષણમાં આગળ વધતા યુવાનો માટે શિષ્યવૃત્તિ શરૂ કરવાની જાહેરાત કરી હતી. તેમણે વિકસિત ભારતના નિર્માણમાં પારસી સમાજના સક્રિય યોગદાનની તત્પરતા વ્યક્ત કરી હતી.
ધાર્મિક અગ્રણી વડા દસ્તુરજી શ્રી ખુર્શીદ દસ્તુરે AKBTની કામગીરીની પ્રશંસા કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સૌ સમાજને સાથે લઈને ચાલવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
બે દિવસીય આ કાર્યક્રમમાં પારસી સમાજની નવી પેઢી તેમની પરંપરા અને સંસ્કૃતિ પ્રત્યે જાગૃત થાય તેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશભરમાંથી પારસી સમાજના લોકો ઉપસ્થિત રહેનાર છે. આ પ્રસંગે વડા દસ્તુરજી શ્રી ટેમટન મિર્ઝા, વડા દસ્તુરજી શ્રી સાયરસ દસ્તુર સહિત પારસી સમાજના અગ્રણીઓ અને સામાજિક સંસ્થાઓના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ પણ વાંચો : SLBC : 2 ડિસેમ્બરે ગાંધીનગરમાં SLBCની 187મી બેઠક


