Plane crash in Ahmedabad : એક એવું દંપત્તિ જેને મોત પણ અલગ ન કરી શક્યું
Plane crash in Ahmedabad : અશોક, ઘરે એકલા નથી જવાનું, જીવતાં હોય કે મૃત્યુ પછી, હું હંમેશની જેમ તારી સાથે જ આવીશ, મારા માતૃશ્રીના આત્માએ પિતાજીના આત્માને આટલું જરૂર કહ્યું હશે : મિતેન પટેલ, બ્રિટિશ નાગરિક
.....
ફાધર્સ ડે ના દિવસે માત્ર પિતાનો મૃતદેહ લઈને લંડન પરત ફરવાનું નક્કી કર્યું. પરંતુ નિયતિને કંઈક અલગ જ મંજૂર હતું
.......
અશોક અને શોભના જેઓ જીવનભર એકબીજાની સાથે હતા, સાથે મૃત્યુ પામ્યા અને મૃત્યુ પછી પણ વિજ્ઞાનની પ્રક્રિયામાં એકબીજાની બાજુમાં જ રહ્યા
.........
Plane crash in Ahmedabad : અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનાના સમાચારે સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે.
આ ગોઝારી ઘટનામાં ભારતીય અને વિદેશી નાગરિકો સહિત અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. આ હૃદયદ્રાવક ઘટનામાં મૂળ ગુજરાતી અને 1978થી બ્રિટનમાં સ્થાયી થયેલા પટેલ દંપતી, અશોકભાઈ અને શોભનાબેન પટેલનું પણ અવસાન થયું હતું. આ ગાથા એક એવા દંપતીની છે જેઓ જીવનભર એકબીજાની સાથે રહ્યા અને મૃત્યુ પણ તેમને અલગ ન કરી શક્યું.
ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા મૃતદેહોની ઓળખ માટે ડીએનએ(DNA) ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પ્રક્રિયા અંતર્ગત હોસ્પિટલના કંટ્રોલ રૂમમાંથી અશોકભાઈના દીકરા મિતેન પટેલને લંડનથી અમદાવાદ બોલાવવામાં આવ્યા. મિતેન તેમના ભાઈ હેમેન સાથે અમદાવાદ પહોંચ્યા અને ડીએનએ સેમ્પલ આપ્યા.
પિતાના મૃતદેહની ઓળખ
હોસ્પિટલે જણાવ્યું કે રિપોર્ટ 72 કલાકમાં આવશે, પરંતુ ફાધર્સ ડેના દિવસે જ મિતેનને સમાચાર મળ્યા કે તેમના પિતા અશોકભાઈના મૃતદેહ સાથે ડીએનએ સેમ્પલ મેચ થઈ ગયા છે. આ સમાચાર મિતેન માટે એક લાગણીશીલ ક્ષણ હતી, જેમાં દુઃખની સાથે પિતાના મૃતદેહની ઓળખ થવાનો સંતોષ પણ હતો.
મિતેન અને હેમેન પિતાના મૃતદેહ લેવાની જરૂરી પ્રક્રિયા પૂરી કરીને લંડન પરત ફરવાની તૈયારીમાં હતા, પરંતુ તેમના મનમાં એક પ્રશ્ન હજુ અકબંધ હતો - "મમ્મીનો મૃતદેહ ક્યારે મળશે?"
ડીએનએ સેમ્પલ મેચ થવામાં સામાન્ય રીતે લાંબો સમય લાગે છે, તેથી તેઓએ હાલ પિતાનો મૃતદેહ લઈને પરત ફરવાનું નક્કી કર્યું. પરંતુ નિયતિને કંઈક અલગ જ મંજૂર હતું.
સિવિલ હોસ્પિટલના કંટ્રોલ રૂમમાં કુલ 98 ડીએનએ સેમ્પલ મેચ થયા તેની વિગતો બોર્ડ પર લખેલી જોઈ હતી, જેમાં છેલ્લું ૯૮મુ અશોકભાઈનું સેમ્પલ હતું.
આશ્ચર્યજનક સંયોગ એ હતો કે 98 અને 99મા ક્રમે મેચ થયેલા સેમ્પલ એક જ પતિ-પત્નીના
જ્યારે બંને ભાઈઓ મૃતદેહ લઈને નીકળવાની તૈયારીમાં હતા, ત્યાં હોસ્પિટલમાંથી ફોન આવ્યો. તેમને જણાવવામાં આવ્યું કે 99મું સેમ્પલ, જે મેચ થયું છે, તે તેમના માતા શોભનાબેનનું છે.
બંને ભાઈઓ તરત કંટ્રોલ રૂમ પહોંચ્યા અને બુલેટિન બોર્ડ (Bulletin Board ) પર પોતાની માતાનું નામ જોઈ આંખોમાં આંસુ સાથે હૈયું ભરાઈ ગયું. એક આશ્ચર્યજનક સંયોગ એ હતો કે 98 અને 99મા ક્રમે મેચ થયેલા સેમ્પલ એક જ પતિ-પત્નીના હતા, જે જીવનભર સાથે રહ્યા અને મૃત્યુ પછી પણ એકબીજાની નજીક જ રહ્યા.
આ ઘટનાએ મિતેન અને હેમેનના હૃદયને ઊંડો આઘાત આપ્યો, પરંતુ સાથે જ તેમને એક કુદરતી કરિશ્માનો અનુભવ થયો. તેમના માતા-પિતા, જેઓ જીવનભર એકબીજાની સાથે હતા, મૃત્યુ પછી પણ વિજ્ઞાનની પ્રક્રિયામાં એકબીજાની બાજુમાં જ રહ્યા.
મિતેન પટેલનો લાગણીસભર સ્વરે કહ્યું કે, અમારા માતા-પિતા હંમેશા સાથે રહ્યા. ન મૃત્યુ તેમને અલગ કરી શક્યું, ન વિજ્ઞાનની પ્રક્રિયાઓ. જ્યારે પિતાજીનું ડીએનએ મેચ થયું અને અમે તેમનો મૃતદેહ લઈને જવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે મારા માતૃશ્રીના આત્માએ પિતાજીના આત્માને કહ્યું હશે, 'અશોક, ઘરે એકલા નથી જવાનું. જીવતાં હોય કે મૃત્યુ પછી, હું હંમેશની જેમ તારી સાથે જ આવીશ.' આ દુઃખની સૌથી મોટી ઘડી છે.
અમે ક્યારેય વિચાર્યું નહોતું. કે આ દિવસ જોઈશું. અમારી જિંદગી ઉથલપાથલ થઈ ગઈ છે.
મમ્મી-પપ્પા આપણી યાદોમાં હંમેશા જીવતા રહેશે
પણ અમારે અમારા પરિવારને કહેવું છું કે રડવું આવે તો રડી લો, પણ મમ્મી-પપ્પા આપણી યાદોમાં હંમેશા જીવતા રહેશે.
ગુજરાત સરકાર, સિવિલ હોસ્પિટલ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના સહયોગથી અમે તેમના પાર્થિવ દેહ લંડન લઈ જઈ રહ્યાં છીએ. આ પ્રક્રિયા ઝડપી અને સુવ્યવસ્થિત હતી, જેનો હું હૃદયપૂર્વક આભાર માનું છું.
મિતેન અને હેમેનએ બ્રિટિશ એમ્બેસી-British Embassyનો પણ આભાર વ્યક્ત કર્યો, જેમણે આ પ્રક્રિયામાં સહયોગ આપ્યો .
બંને ભાઈઓ હવે તેમના માતા-પિતાના મૃતદેહ લઈને લંડન પરત ફરશે, જ્યાં સગા સ્વજનો તેમના અગ્નિ સંસ્કારની રાહ જોવાઇ રહ્યા છે.
આ પણ વાંચો : Ahmedabad Plane Crash : અમદાવાદની વિમાની દુર્ઘટનામાં DNA મેચ મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આપી માહિતી