Porbandar : બારદાન બન્યુ ચણા ખરીદીમાં વિઘ્ન : માર્કેટીંગ યાર્ડે ખેડૂતોના ધરમના ધક્કા !
પોરબંદર જિલ્લાના ઘેડ પંથકમાં ખૂબ મોટા પ્રમાણમાં ચણાનું વાવેતર થાય છે. જેના લીધે ઉત્પાદનનું પ્રમાણ તેનાથી પણ વધુ જોવા મળે છે. સરકાર દ્વારા દર વર્ષે ટેકાના ભાવે ખરીદીનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ટેકાના ભાવે ખરીદીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તા. 10 માર્ચથી ટેકાના ભાવે ખરીદી શરૂ થઇ હતી. હાલ આ ખરીદી ગુજકોમાસોલ-નાફેડ દ્વારા કરવામાં આવી રહી છે. પરંતુ સંકલનના અભાવે બારદાન ખાલી થવાના લીધે ખેડૂતો દર વર્ષે મુશ્કેલીમાં મુકાય છે. આ વર્ષે 11,648 ખેડૂતોએ રજીસ્ટે્રશન કરાવ્યું છે. જે અંતર્ગત કુતિયાણા 5868, પોરબંદર 4555, પોરબંદર શહેર 28, રાણાવાવ 1197 જેટલા ખેડૂતોનો સમાવેશ થાય છે.
બે દિવસથી ચણા ખરીદી બંધ : તુટલા બારદાન સીવાયા !
પોરબંદર, રાણાવાવના ખેડૂતો માટે ખરીદીનું સેન્ટર માર્કેટીંગ યાર્ડ નક્કી કરાયું છે.તો કુતિયાણાના ખેડૂતો માટે બે સેન્ટરો કાર્યરત કરાયા છે. ત્રણે તાલુકાની ખરીદીમાં બારદાનનું વિધ્ન વારંવાર બની રહ્યું છે. તા. 20 મેના રોજ પણ આ સ્થિતીનું નિર્માણ થયું છે. પોરબંદર માર્કેટીંગ યાર્ડ ખાતે બે દિવસથી ચણાની ખરીદી બંધ થઇ છે. કુતિયાણા તાલુકાના બે સેન્ટર પૈકી સેન્ટર નં.ર માં લગભગ ખરીદી પુર્ણ થઇ છે અને સેન્ટર-1માં હજુ ચાલી રહી છે. પરંતુ પોરબંદરના માર્કેટીંગ યાર્ડ ખાતે બારદાન ખાલી થતા ખેડૂતો બે દિવસથી પોતાનો માલ માર્કેટીંગ યાર્ડ ખાતે ટે્રકટરમાં રાખી રહ્યાં છે જેના લીધે તેના ભાડા પણ ચડી રહ્યાં છે. જેથી સમયસર બારદાન આવે તેવી માગ ખેડૂતો કરી રહ્યાં છે.
2.80 લાખથી વધુ ગુણી ચણાની ખરીદી
પોરબંદર જિલ્લામાં ચણાની ટેકાના ભાવે ખરીદીના સેન્ટર પર હાલની સ્થિતીરે 2.80 લાખ કરતા વધુ ગુણીની ખરીદી થઇ ગઇ છે. આંકડાકીય માહિતી પર જોઇએ તો પોરબંદર-રાણાવાવમાં કુલ 5780 ખેડૂતોએ રજીસ્ટે્રશન કરાવ્યું હતું. જેમાથી 1100 રિપીટ અને 427 ખેડૂતો પાસે ખરીદી બાકી છે. કુલ આ સેન્ટર પરથી 1,71,527 ગુણી ચણાની ખરીદી થઇ છે. જેની કિંમત 45 કરોડથી વધુ થાય છે. તો કુતિયાણા તાલુકામાં કુલ 5868 ખેડૂતોએ રજીસ્ટે્રશન કરાવ્યું હતું. તેમાં સેન્ટર નં.ર ખાતે ખરીદી પુર્ણ કરી છે. 1,09,197 ગુણીની આવક થઇ છે જેની કિંમત 29 કરોડ કરતા વધુ છે અને સેન્ટર નં.1માં પણ હજુ ખરીદી ચાલી રહી છે એટલે કે અંદાજીત જિલ્લામાં 80 કરોડ કરતા વધુ ચણાની ખરીદી થઇ ચુકી છે.
અહેવાલ : કિશન ચૌહાણ, પોરબંદર
આ પણ વાંચો : ગુજરાત સાયન્સ સિટી ખાતે વિશ્વ મધમાખી દિવસની અનોખી ઉજવણી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.



