પાવગઢની ખીણમાંથી મહિલા અને યુવકનું રેસક્યૂ, પ્રતિબંધિત વિસ્તારમાં શા માટે ગયા તે અંગે તર્ક-વિતર્ક
અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ
Panchmahal : યાત્રાધામ પાવાગઢની તળેટી વિસ્તારમાંથી યુવક અને મહિલાનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મોડી રાત્રીથી ઊંડી ખીણમાં ખાબકેલા યુવક અને મહિલાનું વહેલી સવારે લોકેશન ટ્રેસ થતા સ્થાનિક પોલીસ અને ફાયર ફાઈટરની ટીમો દ્વારા વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે દિલધડક રેસ્ક્યુ હાથ ધરી બંને ને બચાવી લેવા માં આવ્યા છે. રેસ્ક્યુ કરી બચાવી લેવાયેલા બંને ઇજાગ્રસ્તને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
પગ લપસી જતાં ખીણમાં ખાબક્યા
યાત્રાધામ પાવાગઢ ખાતે સાથે દર્શનાર્થે આવેલા એક યુવક અને પરણિત સ્ત્રીને ડુંગર પર ચડી મજા માણવા જવી ભારે પડી છે. દર્શન બાદ સાંજના સમયે તળેટી વિસ્તારમાં આવેલ હેલિકલ વાવના પાછળના ભાગે ડુંગર પર ચઢી કુદરતી સૌંદર્યની મજા માણી રહેલા યુવક અને મહિલાનો પગ લપસી જતા અંદાજીત 100 ફૂટ ઊંડી ખીણમાં પાણી અને કાદવ વચ્ચે ગરકાવ થઈ ગયા હતાં. આટલી ઊંચાઈ એ થી નીચે પટકાતા બંને ને કમ્મર અને પગ ના ભાગે ગંભીર ઇજાઓ થતા પોતના સ્થળે થી ખસી શકે તેવી પણ સ્થિતિ નહોતી.
આખી રાત ખીણમાં પડી રહ્યાં
યુવક સાથે રહેલો મોબાઈલ પણ રાત્રીના અંધકારમાં ક્યાંક ખોવાઇ ગયો હતો.આખી રાત ભારે વેદનાઓ અને ડર વચ્ચે પસાર કર્યા બાદ વહેલી સવારે માટી માં ગરકાવ થયેલ મોબાઈલ શોધી યુવકે 108 ને કોલ કર્યો હતો.108 ના કર્મચારીઓ 2 કલાક જેવી મહેનત કરવા છતાં લોકેશન ટ્રેસ ન થતા આખરે પાવાગઢ પોલીસ ને જાણ કરતા યુવક અને મહિલા ને શોધવા માટે પોલીસ ફોરેસ્ટ વિભાગ કામે લાગ્યું હતું.
દિલધડક રેસ્ક્યુ હાથ ધરાયું
આખરે વહેલી સવાર ના 7 વાગ્યાથી હાથ ધરાયેલ સર્ચ ઓપરેશનમાં 5 કલાક બાદ વિષમ પરિસ્થિતિ વચ્ચે સફળતા મળતા ખીણમાં પડેલા યુવક અને મહિલાને શોધી કાઢવામાં સફળતા મળી હતી. અંદાજીત 100 ફૂટ ઊંડી ખીણમાં ગરકાવ થયેલ યુવક અને મહિલાને રેસ્ક્યુ કરી બહાર કાઢવા માટે હાલોલ ફાયર ફાઈટરની ટીમ પોલીસ જવાનો સાથે ખીણમાં ઉતરી હતી. યુવક અને મહિલાને સ્ટ્રેચર સાથે બાંધીને ખૂબ જ દુર્ગમ કહી શકાય તેવા સ્થળેથી બહાર કાઢવામાં આવ્યા હતાં. દિલધડક રેસ્ક્યુ હાથ ધરતા ફાયર અને પોલીસના જવાનોએ જીવની પરવા કર્યા વિના બંનેને બહાર કાઢી જીવ બચાવ્યો હતો.
બંને પ્રેમી હોવાની યુવકની કબુલાત
ખીણમાં પડેલ યુવકનું નામ કિસન રમેશ ઠાકોર છે.જ્યારે મહિલાનું નામ પાર્વતીબેન અજમેર મકવાણા છે. બંને ગાંધીનગર નજીક કલોલ તાલુકાના હોવાનું સામે આવ્યું છે. યુવક અપરણિત છે જ્યારે મહિલા પરણિત છે. ઇજાગ્રસ્ત યુવકે કબુલ્યું છે કે તેઓ બંને પ્રેમી છે અને માનતા પુરી કરવા માટે પાવાગઢ ખાતે આવ્યા હતા.જો કે ડુંગર પર આટલે દૂર અને દુર્ગમ સ્થળે કેવી રીતે પહોંચ્યા તે અંગે નાટકીય જવાબ આપતા યુવકે નાસ્તો કરવા ગયા હોવાનું જણાવ્યું હતું. હાલ બંને ઇજાગ્રસ્તને હાલોલની રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને આવા પ્રતિબંધિત વિસ્તારમાં કેવી રિતે અને શા માટે પહોંચ્યા તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : AHMEDABAD : જાહેર આરોગ્ય જેવા ગંભીર મુદ્દા પર આરોગ્ય તંત્રની આવી બેદરકારી! વાંચો આ અહેવાલ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


