હિંમતનગર પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષની આક્રમકતા સામે સત્તાધારી પક્ષ નત:મસ્તક
- હિંમતનગર પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષની આક્રમકતા સામે સત્તાધારી પક્ષ નતમસ્તક
- વિકાસ કામોને મુદ્દે વિપક્ષે ઉઠાવેલા જવાબ આપવામાં અસમર્થ
- પાલિકાના સત્તાધારી પક્ષમાં જુથવાદ ચરમસીમાએ
- પાલિકાના નવા ભવનનું લોકાર્પણ ન થાય તેમાં કોને રસ
- પક્ષના પાયાના કાર્યકરોએ પ્રદેશના મોવડીઓને વાકેફ કરવાની હિલચાલ આદરી
- હિંમતનગર વાસીઓ હવે વિકાસ કામોને લઈને નારાજ
સાબરકાંઠા જિલ્લામાં આવેલ વિધાનસભાની ત્રણ બેઠક, જિલ્લા પંચાયત અને કેટલીક નગરપાલિકામાં વર્ષોથી ભાજપ એક હથ્થુ શાસન ભોગવી રહયો છે ત્યારે હિંમતનગર નગરપાલિકાની વર્તમાન ટીમના શાસનમાં વિકાસકામોને લઈને કેટલાક જુથ પડી ગયા છે જોકે તેમાં અંગત સ્વાર્થ અથવા તો અગાઉના રાજકીય હિસાબો વ્યક્ત કરવાના હોય તેમ વિકાસકામોમાં શહેરીજનોને સંતોષ થાય તેવા કામ ન થતા હોવાની લાગણી ઉપસી રહી છે ત્યારે બુધવારે નિયમ મુજબ ટાઉન હોલમાં યોજાયેલ સામાન્ય સભામાં વિપક્ષના નેતાએ પ્રશ્નોતરી દરમ્યાન જે આક્રમકતા સાથે કરેલી ઉગ્ર રજુઆત અને સત્તાધારી પક્ષ પર આકરા પ્રહાર કર્યા હોવા છતાં સત્તાધારી પક્ષના હોદ્દેદારો અને કોર્પોરેટરોએ વિપક્ષના નેતાની સામે કોઈ જવાબ આપવાને બદલે નત:મસ્તક થઈને સાંભળી લીધુ હતું.
જે ખરેખર હિંમતનગર પાલિકાના પદાધિકારીઓને શોભાસ્પદ ન હોવાનો મત શહેરમાં વ્યક્ત થઈ રહયો છે.
આ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ બુધવારે ટાઉન હોલમાં યોજાયેલ નગરપાલિકાની સામાન્ય સભામાં એજન્ડાના કામો પર થયેલી ચર્ચા બાદ વિપક્ષના નેતા ઈમરાન બાદશાહે આક્રમક થઈને કેટલીક રજુઆતો કરી હતી જેમાં શહેરના વિવિધ સ્થળે આવેલા કાયદેસરના વાહન પાર્કીંગની હાલત અંગે ચિતાર રજુ કર્યો હતો. તો બીજી તરફ સામાન્ય સભામાં નગરપાલિકાના કરાર અધારીત 130 કર્મચારીઓના પગાર વધારાનો પ્રશ્ન પણ ચર્ચાયો હતો જેમાં સત્તાધારી પક્ષમાં જુથવાદ હોવાને કારણે અંતે બે કર્મચારીઓના પગાર વધારો સરકારના નિયમ મુજબ કરવાનું નક્કી કરાયું હતું જેના લીધે વર્ષોથી કરાર આધારીત ફરજ બજાવતા અન્ય કર્મચારીઓમાં નારાજગી પ્રસરી હતી.
વિપક્ષના નેતાએ અગાઉ ઉમિયા વિજય ટીપી રોડના પ્રશ્ને સત્તાધારી પક્ષના સદસ્યો વિરૂધ્ધ પ્રાદેશિક કમિશ્નરને કરેલી રજુઆત બાદ હિંમતનગર નગરપાલિકા સદસ્યોમાં છુપો ભય પેદા થયો હતો. દરમ્યાન નગરપાલિકાના સત્તાવાળાઓએ કેટલાક વોર્ડમાં પાર્કીંગ સહિત વેન્ડીંગ ઝોન બનાવીને કેટલાક પરિવારોને રોજી આપવા માટે જગ્યા ફાળવવામાં આવી હતી. જયાં આજે આવાસના મકાનો ઉભા છે. જોકે તે કામગીરી દરમ્યાન નગરપાલિકાના કેટલાક જાણકારોએ એક રહીશ પાસેથી સનદ લઈ લીધી હતી અને ત્યાં મકાનો બનાવી દેવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરાઈ રહયો છે. નગરપાલિકાના એક વિભાગ દ્વારા શહેરમાં બાંધકામ કરવા માટે જે પરવાનગી આપવામાં આવે છે તેના વડાએ સમારકામ કરાવાની મંજુરી આપી હતી. પરંતુ અત્યારે શહેરમાં અનેક ઠેકાણે સમારકામને બદલે નવુ બાંધકામ કરી દેવામાં આવ્યુ છે.
એટલુ જ નહીં પણ શહેરમાં આવેલા કેટલાક કોમ્પલેક્ષોમાં ભોયરામાં પાર્કીંગની વ્યવસ્થા કરવાની કાયદાકીય જોગવાઈ હોવા છતાં નગરપાલિકાના કેટલાક પદાધિકારીઓના આર્શિવાદથી આજે જો ગુપ્તરાહે તપાસ કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય તેમ હોવાનો મત શહેરના કેટલાક નાગરિકો વ્યક્ત કરી રહયા છે. એટલુ જ નહીં પણ હિંમતનગર પાલિકામાં ચાલતો જુથવાદ પરાકાષ્ટાએ પહોંચી ગયો છે ત્યારે ભાજપના પાયાના કેટલાક કાર્યકરોએ હિંમતનગર પાલિકાની કરણી અને કથનીની વિગતો પ્રદેશ સુધી પહોંચાડવા માટે હિલચાલ કરીને તૈયારી કરી દીધી છે. જોકે ભાજપ શાસિત સાબરકાંઠા સહિત રાજયમાં અન્ય સ્થળે આવેલી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં શું ચાલે છે તેની વિગતો રોજબરોજ પ્રદેશના મોવડીઓને મળી રહી છે.
હિંમતનગર પાલિકામાં વર્ષોથી એકહથ્થુ શાસન ભોગવી રહેલા અનેક પદાધિકારીઓએ ભુતકાળમાં શહેરના વિકાસ માટે કરેલા કાર્યોને આજે પણ અનેક હિંમતનગરવાસીઓ યાદ કરી રહયા છે. પરંતુ વર્તનમાન શાસનમાં ચાલતા જુથવાદે હદ વટાવી દીધી છે ત્યારે શહેરમાં રહેતા અનેક લોકોએ આગામી ચુંટણી આવે ત્યારે ખાસ કરીને ભાજપે નવા ચહેરાઓને તક આપવી જોઈએ તેવી ચર્ચાએ જોર પકડયું છે. છતાં એવું મનાઈ રહયુ છે કે શહેરીજનોએ જે ધાર્યુ હોય તે ન થાય, અને ન ધારેલું થાય તે તેને રાજકારણ તરીકે માને છે.
સ્વભંડોળની રકમનો વિવાદ
હિંમતનગર પાલિકાના સદસ્યોએ અગાઉ સ્વભંડોળમાંથી રૂ.૧.૯ર કરોડનો ખર્ચ નિયમ વિરૂધ્ધ કર્યો હોવાથી વિપક્ષ દ્વારા પ્રાદેશિક કમિશ્નરમાં લેખિત રજુઆત કરતાં વિવાદ શરૂ થયો હતો દરમ્યાન હવે પ્રાદેશિક કમિશ્નર દ્વારા આગામી તા.૪ ઓગસ્ટના રોજ સુનાવણી થનાર છે ત્યારે તેમાં હિંમતનગર પાલિકાના સદસ્યોને જાતે અથવા તો અધિકૃત પ્રતિનિધિ મારફતે રજુઆત કરવા માટેની તક અપાઈ છે. તે પછી ગમે ત્યારે મ્યુનિસીપલ પ્રાદેશિક કમિશ્નર અભ્યાસ કર્યા બાદ અંતિમ નિર્ણય કરી શકે છે.
પાલિકાના નવા ભવનનું લોકાર્પણ ઘોંચમાં
હિંમતનગરના ટાવર રોડ પર પાલિકાનું નવું અધતન ભવન તૈયાર થઈ ચુકયું છે ત્યારે તેના લોકાર્પણ માટે શહેરીજનો રાહ જોઈ રહયા છે પરંતુ સૂત્રોનું માનીએ તો જુથવાદે કારણે કાર્યક્રમ યોજાતો નથી. અગાઉ દૂધ ઉત્પાદકોનું આંદોલન ચાલતુ હતું ત્યારે લોકાર્પણ માટે મુખ્યમંત્રીને બોલાવવાના આશયથી કેટલાક અગ્રણીઓએ મુલાકાત કરી હતી. પરંતુ મુખ્યમંત્રીએ સમય આપ્યો ન હોવાનું મનાઈ રહયું છે. તો બીજી તરફ હિંમતનગર તાલુકામાં પણ હોદ્દો ભોગવતા પદાધિકારીનો સુર જુદો છે તેવું સૂત્રોનું કહેવું છે.
નગરપાલિકા સંચાલિત વાહન પાર્કીંગ પર દબાણો, કોની રહેમ નજર
હિંમતનગરના વિવિધ વિસ્તારોમાં અંદાજે ૧૬ જગ્યાએ વાહન પાર્કીંગ માટે જગ્યા ફળવવામાં આવી છે પરંતુ અત્યારે મોટાભાગના તમામ સ્થળે વાહન પાર્કીંગને બદલે કેટલાક પરિવારો દ્વારા દબાણ કરીને રોજબરોજ ધંધો કરાઈ રહયો છે જેથી આ વિસ્તારમાં આવતા વાહન ચાલકોને તેમના વાહન પાર્ક કરવાની જગ્યા મળતી નથી.
વિપક્ષની આક્રમકતા અંગે પ્રમુખ શું કહે છે ?
બુધવારે મળેલી સામાન્ય સભામાં વિપક્ષના નેતાએ મારે નહીં અને ભણાવે નહી તેવા કટાક્ષ અંગે પાલિકા પ્રમુખ વિમલ ઉપાધ્યાયએ જણાવ્યું હતું રાજકારણમાં આવું તો ચાલે. સાથો સાથ ચીફ ઓફિસરનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ કોઈ સંપર્ક થયો નથી.
અહેવાલ - યશ ઉપાધ્યાય, સાબરકાંઠા
આ પણ વાંચો- Ahmedabad: Bavla નાં પાણી પર ધારાસભ્યને ચાલુ શો દરમિયાન કોલ, “કોંગ્રેસનાં કારણે ભરાય છે પાણી”


