Shala Praveshotsav 2025:શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની જ્વલંત સફળતા
- Shala Praveshotsav 2025 : શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની જ્વલંત સફળતા
- શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫-૨૬ દરમિયાન બાલવાટિકામાં રાજ્યના ૮.૭૩ લાખથી વધુ બાળકોને પ્રવેશ અપાવવાનું આયોજન
- નામાંકન સુનિશ્ચિત કરવા આરોગ્ય વિભાગના ડેટાના આધારે પ્રવેશપાત્ર બાળકોની ઓળખ કરી તેમનો પ્રવેશ સુનિશ્ચિત કરવાનો નવીન અભિગમ અપનાવ્યો
Shala Praveshotsav 2025: ગુજરાતમાં શિક્ષણનું પ્રમાણ અને ગુણવત્તા વધે, બાળકોનો શાળા પ્રવેશનો નામાંકન દર વધે અને ડ્રોપ આઉટ રેશિયો ઘટે તે માટે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી(Narendra Modi)એ વર્ષ ૨૦૦૩થી રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ Shala Praveshotsav કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. ઇતિહાસની આ પ્રથમ એવી ઘટના હતી, જેમાં મુખ્યમંત્રી સહિતના પદાધિકારીઓ અને રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓએ ગામડે-ગામડે જઈ શાળા પ્રવેશોત્સવ થકી નાના ભૂલકાઓને શાળામાં ભણવા આવવા માટે આવકાર્યા હતા. વડાપ્રધાનશ્રીએ શરૂ કરેલી શિક્ષણની આ પરંપરાને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સફળતાપૂર્વક આગળ ધપાવી રહ્યા છે.
ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ
શાળા પ્રવેશોત્સવની જ્વલંત સફળતાના પરિણામે ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ આવી છે. શાળા પ્રવેશોત્સવ શરૂ થયો તે પહેલા વર્ષ ૨૦૦૩-૦૪માં ગુજરાતમાં નેટ એનરોલ્મેન્ટ રેટ એટલે કે, ધોરણ-૧માં વિદ્યાર્થીઓનો નામાંકન દર ૭૫ ટકા હતો. ધોરણ-૧માં વિદ્યાર્થીઓના નામાંકન દરને ૧૦૦ ટકા સુધી પહોંચાડવા માટે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જેના પરિણામે બીજા જ વર્ષે ૨૦૦૪-૦૫માં નામાંકન દર વધીને ૯૫ ટકા સુધી પહોંચ્યો હતો. ત્યારથી છેલ્લા ૨૨ વર્ષ દરમિયાન ધોરણ-૧માં વિદ્યાર્થીઓનો નામાંકન દર ૯૯ ટકાથી વધુ જ રહ્યો છે.
વર્ષ ૨૦૦૪-૦૫ સુધી રાજ્યમાં કન્યાઓનો નામાંકન દર પણ ખૂબ જ ઓછો હતો, જેના પરિણામે શાળાના વર્ગોમાં કુમાર અને કન્યાના પ્રમાણમાં અસમાનતા જોવા મળતી હતી. આ સમસ્યાના સમાધાન માટે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી(Narendra Modi)એ દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા શાળા પ્રવેશોત્સવની સાથે કન્યા કેળવણી મહોત્સવ અને સાથે જ દીકરીઓને શિક્ષણમાં આર્થિક સહાય કરતી કેટલીક યોજનાઓની શરૂઆત કરાવી હતી.
ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમની પહેલ
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ના અમલીકરણના ભાગરૂપે રાજ્ય સરકારે બાલવાટિકા શરૂ કરી છે. રાજ્ય સરકારે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ-Child tracking system સાથે આરોગ્ય વિભાગના બાળકોના રસીકરણ (ટેકો/ઈમમતા) ડેટાને જોડવાની પહેલ કરીને યોગ્ય ઉમર ધરાવતા બાળકોને ઓળખી તેમને પ્રવેશ આપવાનો નવીન અભિગમ અપનાવ્યો છે. પ્રવેશપાત્ર દરેક બાળકનો ડેટા તેમના માતા-પિતાના સંપર્ક નંબર સાથે શાળાઓને ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જે તે વિસ્તારની શાળા અ યોગ્યતા ધરાવતા બાળકોનો શાળા પ્રવેશ સુનિશ્ચિત કરે છે.
ડ્રોપ-આઉટ રેશિયોમાં નોંધપાત્ર ઘટાડો
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendra Patel)ના નેતૃત્વ હેઠળ આગામી તા. ૨૬, ૨૭ અને ૨૮મી જૂનના રોજ સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાશે. આ પ્રવેશોત્સવ દરમિયાન બાલવાટિકામાં રાજ્યભરના આશરે ૮.૭૩ લાખથી વધુ નાના ભૂલકાઓને પ્રવેશ અપાવવાનું રાજ્ય સરકારનું આયોજન છે. રાજ્ય સરકારના આ તમામ પ્રયાસોના પરિણામે રાજ્યમાં નામાંકન દરમાં વધારો અને ડ્રોપ-આઉટ રેશિયો-Drop out Raio માં વધુ ઘટાડો આવશે.
તમામ બાળકો ધોરણ-૧૧માં પ્રવેશ મેળવે તે માટે વિદ્યા સમીક્ષા કેન્દ્રના માધ્યમથી તેમનું સઘન મેપિંગ કરવામાં આવે છે. આવા તમામ વિદ્યાર્થીઓને નજીકની સરકારી કે અનુદાનિત માધ્યમિક શાળામાં પ્રવેશ અપાવવા માટેના પ્રયાસો કરવામાં આવે છે.
આ વર્ષે ધોરણ-૮ થી ધોરણ-૯માં પ્રવેશ માટે પાત્રતા ધરાવતા ૧૦.૫૬ લાખથી વધુ વિદ્યાર્થીઓ તેમજ ધોરણ-૧૦ થી ધોરણ-૧૧માં પ્રવેશ માટે પાત્રતા ધરાવતા ૬.૫૦ લાખથી વધુ વિદ્યાર્થીઓનો પ્રવેશ સુનિશ્ચિત કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે.
આ પણ વાંચો: Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 140 તાલુકામાં વરસાદ, આગામી 7 દિવસ સાર્વત્રિક મેઘની આગાહી


