Startup Conclave-2025 : ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને ડિજિટલ ઇકોસિસ્ટમ બની
- Startup Conclave-2025 : સ્ટાર્ટઅપ કોન્ક્લેવ-૨૦૨૫ સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
- કેન્દ્રીય ગૃહ મંત્રી
* છેલ્લા એક દાયકામાં સ્ટાર્ટઅપ્સમાં ૩૮૦ ટકાની વૃદ્ધિ સાથે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસીસ્ટમ બની
* દેશમાં આજે ૧.૯૨ લાખથી વધુ સ્ટાર્ટઅપ્સ અને ૧૨૦થી વધુ યુનિકોર્ન છે, જેની કુલ વેલ્યુ ૩૫૦ બિલિયન ડોલરથી પણ વધુ છે
* આગામી ત્રણ વર્ષમાં ભારતને ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્ષમાં ટોચના ૧૦ દેશોમાં સ્થાન અપાવવાનો સંકલ્પ
- વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની ડેમોક્રેસી, ડેમોગ્રાફી અને સ્કીલ્ડ વર્કફોર્સના મહત્તમ ઉપયોગથી ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરીંગ હબ બનાવવા ‘મેક ઇન ઇન્ડિયા-મેડ ફોર ધ વર્લ્ડ’નું વિઝન આપ્યુઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
- મુખ્યમંત્રીશ્રી
* વડાપ્રધાનશ્રીએ આપેલા મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત જેવા મોટા અભિયાનોની સફળતાને કારણે ઇન્ડસ્ટ્રી, ઇકોનોમી અને સ્ટાર્ટઅપ્સ સહિતના સેક્ટર્સને વેગ મળ્યો છે - મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે બે દિવસીય “સ્ટાર્ટઅપ કોન્કલેવ અને એક્ઝિબિશન-૨૦૨૫” "Startup Conclave and Exhibition-2025” નો પ્રારંભ
Startup Conclave-2025 : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે (Union Home Minister Amit Shah)ગાંધીનગર ખાતે “સ્ટાર્ટઅપ કોન્કલેવ-૨૦૨૫”નો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, આ કોન્કલેવ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ સાબિત થશે. વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ છેલ્લા એક દાયકામાં સ્ટાર્ટઅપ્સની સંખ્યામાં ૩૮૦ ટકાથી વધુના વૃદ્ધિ દર સાથે આજે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને ડિજિટલ ઇકોસિસ્ટમ બની છે.
ગાંધીનગર ખાતે આયોજિત બે દિવસીય “સ્ટાર્ટઅપ કોન્કલેવ અને એક્ઝિબિશન-૨૦૨૫”નો આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ની પ્રેરક ઉપસ્થિતિમાં શુભારંભ કરાવ્યો હતો. સ્ટાર્ટઅપ એક્ઝિબિશનનો પ્રારંભ કરાવીને કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ વિવિધ સ્ટાર્ટઅપ સ્ટોલ્સની પ્રત્યક્ષ મુલાકાત લઇ ઉદ્યમીઓ સાથે સંવાદ કરીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. આ વેળાએ ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત પણ ઉપસ્થિત રહ્યા હતા.
Startup Conclave-2025 : ભારતનો યુવાન જોબ સીકર મટી, જોબ ગીવર
દેશના યુવા ઉદ્યમીઓને સ્ટાર્ટઅપ ક્ષેત્રે થયેલી ક્રાંતિનો યશ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૪ પહેલા દેશમાં માત્ર ૫૦૦ જેટલા સ્ટાર્ટઅપ્સ અને ચાર જ યુનિકોર્ન હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના યુવાનોમાં રહેલી ક્ષમતાને ઉજાગર કરવા સ્ટાર્ટઅપ્સને આપેલા પ્રોત્સાહનોના પરિણામે આજે દેશમાં ૧.૯૨ લાખથી પણ વધુ સ્ટાર્ટઅપ્સ અને ૧૨૦થી વધુ યુનિકોર્ન કાર્યરત છે, જેની કુલ વેલ્યુ ૩૫૦ બિલિયન ડોલરથી પણ વધુ થાય છે. પરિણામે આજે ભારતનો યુવાન જોબ સીકર મટી, જોબ ગીવર બની રહ્યો છે. તેમણે યુવાનોમાં રહેલી આ ક્ષમતાનો લાભ લેવા ઉદ્યોગકારો અને રોકાણકારોને પણ અપીલ કરી હતી.
સ્ટાર્ટઅપ કોન્કલેવની આ બીજી આવૃત્તિ અંગે તેમણે કહ્યું હતું કે, સતત બે દિવસ ચાલનારા આ કોન્કલેવમાં ભારતને દરેક ક્ષેત્રે સર્વોચ્ચ બનાવવા અને દરેક નાગરિકના જીવનમાં સમયાનુકુળ પરિવર્તન માટે ચિંતા અને ચિંતન થકી સમસ્યાના સમાધાન માટે સાત સત્રોમાં વિચાર-વિમર્શ કરવામાં આવશે. વર્ષ ૨૦૨૩માં સ્ટાર્ટઅપ કોન્કલેવની પ્રથમ આવૃત્તિની સફળતા બાદ આ બીજી આવૃત્તિ દેશ-પ્રદેશના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં વધુ મદદરૂપ પૂરવાર થશે.
કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી કહ્યું હતું કે, "વર્ષ ૨૦૧૪ના ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્ષમાં ભારત ૯૧માં ક્રમે હતું, જે વડાપ્રધાનશ્રીની નિર્ણાયક અને દૂરંદેશી નીતિઓના પરિણામે તાજેતરમાં જ રીલીઝ થયેલા વર્ષ ૨૦૨૫ના ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્ષમાં ભારત સીધું જ ૩૮માં ક્રમે પહોંચ્યું છે, જે દેશના યુવાનોમાં રહેલી ક્ષમતા બતાવે છે. યુવાનોની આ જ ક્ષમતાને પ્રોત્સાહન આપીને આગામી ત્રણ વર્ષમાં ભારતને ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્ષમાં ટોચના ૧૦ દેશોમાં સ્થાન અપાવવામાં પણ આ કોન્કલેવ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે."
ભારતીય જ્ઞાનપ્રણાલીમાં આરોગ્ય, વિજ્ઞાન, ગણિત, દર્શનશાસ્ત્ર સહિત વિવિધ વિષયોનું શ્રેષ્ઠ જ્ઞાન સંચિત થયેલું પડ્યું છે. ત્યારે જ્ઞાનનો આ ખજાનો યુવાનોના નવા સ્ટાર્ટઅપ્સનો મજબૂત પાયો બનશે, તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
Startup Conclave-2025 : દેશના યુવાનોની ક્રિયેટીવીટીને પ્લેટફોર્મ મળશે
વડાપ્રધાનના શબ્દોને દોહરાવતા કહ્યું હતું કે, "ભારતમાં મિલિયન્સ ઓફ પ્રોબ્લમ્સ હશે, પણ તેની સામે બિલિયન્સ ઓફ પ્રોબ્લમ સોલ્વર્સ પણ છે. આ પ્રકારના આયોજનોથી દેશમાં ઇનોવેશનને વેગ અને દેશના યુવાનોની ક્રિયેટીવીટીને પ્લેટફોર્મ મળશે. જેના પરિણામે યુવાનો પ્રોફિટથી આગળ વધીને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સિદ્ધ કરવામાં મહત્તમ યોગદાન આપશે. વર્ષ ૨૦૧૪ પહેલા દેશના ટીઅર-૨ અને ટીઅર-૩ શહેરોમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યા નગણ્ય હતી. આજે દેશના કુલ સ્ટાર્ટઅપ્સ પૈકી ૩૭ ટકા સ્ટાર્ટઅપ્સ આ શહેરોમાંથી આવે છે."
કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ ગૌરવ સાથે કહ્યું હતું કે, દેશના કુલ સ્ટાર્ટઅપ્સ પૈકી ૪૮ ટકા સ્ટાર્ટઅપ્સ બહેનોએ તૈયાર કર્યા છે. માતૃ શક્તિ-મહિલા ઉદ્યમીઓ પાસે હંમેશા લક્ષ્મીજીનો વાસ હોય છે. ઉત્તર -પૂર્વમાં અંદાજે ૯૦૦ મહિલા સંચાલિત સ્ટાર્ટઅપ છે જે આત્મનિર્ભર ભારત માટે કાર્યરત છે. સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમના માધ્યમથી અત્યાર સુધીમાં ગૌરવ સમાન અંદાજે ૧૭.૯૦ લાખને રોજગારી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ટુ ટાયર અને થ્રી ટાયર સિટીમાં પ્રતિ વર્ષ અંદાજે ૯,૦૦૦ જેટલા સ્ટાર્ટઅપ શરૂ થાય છે, જે દેશનો વિકાસ દર્શાવે છે.
રોકાણકારોની સરળતા માટે દેશમાં ૩૪૦૦થી વધુ કાયદાઓમાં ફેરફાર
તેમણે કહ્યું હતું કે, "વડાપ્રધાન શ્રી મોદીજીના નેતૃત્વમાં દેશભરમાં વર્ષ ૨૦૧૪થી સ્ટાર્ટઅપને નાણાકીય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નીતિગત અને બેન્કિંગ સહયોગ ઉપલબ્ધ થઈ રહ્યો છે. આ માટે રૂ ૧૦ હજાર કરોડના ફંડ ઓફ ફંડની રચના કરવામાં આવી છે. સ્ટાર્ટ અપને પ્રોત્સાહન આપવા માટે મહત્તમ લોન મર્યાદા રૂ. ૧૦ કરોડથી વધારીને રૂ. ૨૦ કરોડ કરવા ઉપરાંત વિવિધ ટેક્સમાં પણ છૂટછાટ આપવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત સરકાર પણ સ્ટાર્ટઅપને અનેક પ્રકારે સહાય કરી રહી છે.જેના પરિણામે દરેક સર્જક પોતાનું અલગ સ્ટાર્ટઅપ બનાવી રહ્યો છે. મેઇક ઈન ઇન્ડિયા અને ૧૪ મુખ્ય ક્ષેત્રમાં The Production Linked Incentive (PLI) લાવીને વિવિધ પ્રકલ્પોને પ્રોત્સાહન આપવા કરોડો રૂપિયાની સહાય સરકાર દ્વારા કરવામાં આવે છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં શરૂ કરવામાં આવેલ મેક ઇન ઇન્ડિયા અને PLIના માધ્યમથી વિશ્વભરના રોકાણકારો ભારતમાં રોકાણ કરી રહ્યા છે. રોકાણકારોની સરળતા માટે દેશમાં ૩૪૦૦થી વધુ કાયદાઓમાં ફેરફાર કરવામાં આવ્યો" તેમ તેમણે ઉમેર્યું હતું.
જીએસટી રીફોર્મ કરદાતા અને સરકાર વચ્ચે એક સેતુરૂપ સાબિત થયું
વધુમાં અમિત શાહે ઉમેર્યું કે, "હાલમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જીએસટીનું સરળીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે દેશભરમાં જીએસટીનો નવો કાયદો લાગુ કરવામાં આવ્યો હતો, ત્યારે વિવિધ ૧૬ ટેક્સને ભેગા કરીને એક ટેક્સ અમલમાં લાવવો એ એક સ્વપ્નની વાત હતી. દેશના તમામ રાજ્યોએ ભેગા મળીને રૂ. ૮૦ હજાર કરોડથી જીએસટી કરની શરૂઆત કરી હતી. નવા જીએસટી કાયદાના પરિણામે આજે રૂ. ૮૦ હજાર કરોડથી ૨ લાખ કરોડ સુધી જીએસટી કલેક્શન પહોચ્યું છે. જેથી દેશની અર્થવ્યવસ્થા વધુ મજબૂત બની છે. શોષણ માટે નહી, પરંતુ દેશના વિકાસ માટે ટેક્સ જરૂરી છે."
"આ જીએસટી રીફોર્મ કરદાતા અને સરકાર વચ્ચે એક સેતુરૂપ સાબિત થયું છે. જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર આવી હતી ત્યારે રૂ.૨.૫ લાખ સુધી કરમાં છુટછાટ હતી. આજે દેશના નાગરિકની આવક રૂ.૧૨ લાખ સુધી થાય તો પણ તેણે કોઈ પણ પ્રકારનો ટેક્સ ભરવાનો થતો નથી. જ્યારે દેશની જનતાએ પ્રમાણિકતાથી ટેક્સ ભર્યો છે, ત્યારે-ત્યારે વડાપ્રધાનશ્રીએ ટેક્સ ઓછો કરવાનું કામ કર્યું છે. ઇન્ફ્રાસ્ટ્રકચર સપોર્ટ, ડિજિટલ ઇન્ડિયા, જેમ ટ્રિનીટી આ બધું સ્ટાર્ટઅપ ક્ષેત્રને આગળ વધારવામાં મદદરૂપ હોય છે. ભારત નેટ પરિયોજના અંતર્ગત ૨ લાખ ગ્રામ પંચાયતોને ભારત સરકારે ઈન્ટરનેટથી જોડ્યા છે."
વધુમાં તેમણે કહ્યું કે, છેલ્લા ચાર વર્ષોથી ગુજરાત સ્ટાર્ટઅપ ક્ષેત્રે આગેવાની સાથે કામ કરીને સમગ્ર દેશમાં પ્રથમ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિચારને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમની ટીમના મંત્રીઓ તથા સરકારી અધિકારીઓએ સાથે મળીને ગુજરાતને સ્ટાર્ટઅપ ક્રાંતિનું કેન્દ્ર બનાવ્યું છે. દેશમાં ટોપ પાંચ રાજ્યોમાં ૧૬,૦૦૦ સ્ટાર્ટઅપ ગુજરાતમાં છે. માત્ર અમદાવાદ શહેરમાં ૬,૬૫૦ સ્ટાર્ટઅપ સાથે ટોપ-૪માં સ્થાન ધરાવે છે. સતત ચાર વર્ષથી સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં ગુજરાત બેસ્ટ પર્ફોમન્સ કરતુ રાજ્ય બન્યું છે."
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટાર્ટઅપ્સ અને યુવાનોને પ્રેરણાદાયી સંબોધન કર્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટાર્ટઅપ કોન્ક્લેવ-૨૦૨૫માં નવા સ્ટાર્ટઅપ્સ અને યુવાનોને પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, "વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની ડેમોક્રેસી, ડેમોગ્રાફી અને સ્કીલ્ડ વર્કફોર્સના મહત્તમ ઉપયોગથી ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરીંગ હબ Global Manufacturing Hub બનાવવા ‘મેક ઇન ઇન્ડિયા-મેડ ફોર ધ વર્લ્ડ’નું વિઝન આપ્યું છે. ભારત આજે ગ્લોબલ સ્ટાર્ટઅપ સ્પેસમાં એક નવી આશા તરીકે ઉભરી આવ્યું છે તેની પાછળ આદરણીય વડાપ્રધાનશ્રીનું આ આગવું વિઝન રહેલું છે."
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, "વડાપ્રધાનશ્રીના આ વિઝનના પરિણામે મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત જેવા મોટા અભિયાનો સફળ થયા છે. તેના કારણે ઇન્ડસ્ટ્રી, ઇકોનોમી અને સ્ટાર્ટઅપ્સ સહિતના સેક્ટર્સને વેગ મળ્યો છે."
ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, "વડાપ્રધાનશ્રીના આત્મનિર્ભર ભારતને વેગ આપતા ડિફેન્સ સેક્ટરમાં મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સ-ની વિશ્વના અન્ય દેશમાં માંગ વધી છે અને ભારતમાં બનેલા શસ્ત્રો અને સબ-સિસ્ટમ્સ સહિતની વસ્તુઓ ગયા વર્ષે ૮૦ દેશોમાં નિકાસ થઈ છે."
UPIથી ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં પણ ભારત અગ્રેસર
તેમણે કહ્યું કે, "એક સમયે રમકડાં ઉદ્યોગ ઇમ્પોર્ટ પર નિર્ભર હતો. વડાપ્રધાનશ્રીએ મન કી બાતમાં સ્વદેશી રમકડાને પ્રોત્સાહન આપવા હાકલ કરી હતી. તેના પરિણામે દેશનો રમડકા ઉદ્યોગ હવે વૈશ્વિક બજારમાં ચમકી રહ્યો છે અને ૧૫૩ દેશોમાં રમકડાં એક્સપોર્ટ થાય છે" તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ કહ્યું કે, UPIથી ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં પણ ભારત અગ્રેસર છે. આજે નાનામાં નાનો ધંધો-રોજગાર કરતી વ્યક્તિ પણ યુ.પી.આઈ.થી ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરે છે. સ્ટાર્ટઅપ્સને પણ યુપીઆઈ આધારિત ડિજિટલ ટ્રાન્ઝેક્શન સહાયરૂપ બની છે.
શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈએ કરેલા વિકસિત ભારત ૨૦૪૭ના સંકલ્પની દિશામાં દેશ ત્રીજી આર્થિક મહાસત્તા બનવા માટે આગળ વધી રહ્યો છે તેમાં સ્ટાર્ટઅપ્સ મોટી ભૂમિકા ભજવી શકે છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, "રાજ્યમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વધુ વેગ મળે અને નવા સ્ટાર્ટઅપ્સ માટે પ્રોગ્રેસીવ પાથ માટેની ચર્ચા થાય તે માટે આ સ્ટાર્ટઅપ કોન્ક્લેવમાં મહત્વની ભૂમિકા ભજવશે. ૧૧ વર્ષ પહેલાં દેશમાં સ્ટાર્ટઅપ્સનું કોઈ નામ લેતુ નહોતું અને સ્ટાર્ટ-અપ મિટના આયોજનનો વિચાર કરવો તો શક્ય જ ન હતો. "
"મુખ્યમંત્રીએ રાજ્યમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને રાજ્ય સરકારે આપેલા પ્રોત્સાહનની ભૂમિકા પણ રજૂ કરી હતી. ગુજરાતમાં ૧૨ હજાર ૫૦૦થી વધારે સ્ટાર્ટઅપ્સ કાર્યરત છે તેની અને ગુજરાત યંગ એન્ટરપ્રિન્યોર્સ વેન્ચર ફંડ” દ્વારા રાજ્ય સરકારે સ્ટાર્ટઅપ્સ માટે ૩૫૦ કરોડનું ફંડ ઊભું કર્યું છે તેની પણ વિગતો આપી હતી."
ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ- સ્ટાર્ટઅપ કોન્ક્લેવમાં સ્વાગત પ્રવચન
ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે (Rushikesh Patel) સ્ટાર્ટઅપ કોન્ક્લેવમાં સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, "વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહ વિકસિત ભારતના નિર્માણ માટે દેશના સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપી રહ્યાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે સ્ટાર્ટઅપ ક્ષેત્રે અનેકવિધ નવા આયામો હાથ ધરીને યુવા સાહસિકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. દેશને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા સ્ટાર્ટઅપ અને વિદ્યાર્થીઓના ઈનોવેટીવ આઇડિયા ચાલકબળ સાબિત થશે.
વિવિધ સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરતા રોકાણકારોએ ચેક અર્પણ
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહની ઉપસ્થિતિમાં વિવિધ 7 MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી તથા ઉપસ્થિત સૌ મહાનુભાવોના હસ્તે NEP-2020 ડેશબોર્ડનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કોફી ટેબલ બુક, ΝΕΡ-2020 પાંચ વર્ષનું અમલીકરણ પુસ્તક તથા ભારતીય જ્ઞાન પ્રણાલી સંગ્રહનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાયબર રક્ષક નાટ્ય ઉત્સવ વિજેતાઓને પુરસ્કાર એનાયત કરાયા હતા. જ્યારે, વિવિધ સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરતા રોકાણકારોએ ચેક અર્પણ કર્યા હતા.
કાર્યક્રમના અંતે શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ સુનયના તોમરે આભાર વિધિ કરી હતી.
આ કાર્યક્રમમાં સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા(Jagadish Vishwakarma), શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા, ધારાસભ્યશ્રીઓ, મુખ્ય સચિવ પંકજ જોશી, શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મુકેશ કુમાર તેમજ ઉદ્યોગકારો, શિક્ષણ સાથે સંકળાયેલા ઉચ્ચ અધિકારીઓ-કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં યુવા ઉદ્યોગ સાહસિકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : Rajkot : પોતાનાં નિવેદનોથી અનેક વખત વિવાદમાં રહેલા રમેશ ફેફરે કરી આત્મહત્યા!


