Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઈકો ગાડી અને ટ્રેક્ટર લેવા માટે રાજ્ય સરકાર ઓછા વ્યાજે આપશે ધિરાણ

અનુસૂચિત જાતિના નાગરીકોને આ વર્ષે ચાર યોજના હેઠળ ઓછા વ્યાજ દરે ધિરાણ અપાશે
ઈકો ગાડી અને ટ્રેક્ટર લેવા માટે રાજ્ય સરકાર ઓછા વ્યાજે આપશે ધિરાણ
Advertisement
  • અનુસૂચિત જાતિના નાગરીકોને આ વર્ષે ચાર યોજના હેઠળ ઓછા વ્યાજ દરે ધિરાણ અપાશે
  • ધિરાણ લેવા ઈચ્છુક નાગરીકો આગામી તા.૨૩ જુલાઈથી ૧૭ ઓગષ્ટ સુધી www.sje.gujarat.gov.in/gscdc વેબસાઈટ પર અરજી કરી શકશે

ગાંધીનગર: ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ દ્વારા રાજ્યના અનુસૂચિત જાતિના નાગરીકોને સ્વરોજગારીની તકો આપવા માટે વિવિધ ચાર યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓ હેઠળ અનુ. જાતિના લાભાર્થીઓને પોતાનો વ્યાપાર-ધંધો શરૂ કરવા અથવા વાહન ખરીદવા માટે ઓછા વ્યાજ દરે ધિરાણ આપવામાં આવે છે. આ ધિરાણ યોજનાઓમાં લાભ મેળવવા ઈચ્છુક નાગરિકોએ આગામી તા. ૨૩ જુલાઈથી તા. ૧૭ ઓગષ્ટ સુધીમાં www.sje.gujarat.gov.in/gscdc પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાના માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૨૫-૨૬ માટે અનુસૂચિત જાતિના નાગરીકોને ધિરાણ આપવા માટે સ્વરોજગારલક્ષી યોજના, થ્રી વ્હીલરની યોજના, મારુતી સુઝુકી ઇકો યોજના તેમજ ટ્રેક્ટર અને યાંત્રિક સાધનો માટેની યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેમાં સ્વરોજગારલક્ષી યોજના હેઠળ લાભાર્થીઓને રૂ. બે લાખ સુધીની મર્યાદામાં ધિરાણ આપવામાં આવે છે. જેમાં મહિલાઓ માટે ૧ ટકા અને પુરુષો માટે ૨ ટકા વ્યાજ દર નિયત કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ લાભાર્થીઓએ નિયત કરેલા ૬૦ માસિક હપ્તામાં ધિરાણની રકમની ચૂકવણી કરવાની રહેશે.

Advertisement

આ ઉપરાંત વાહન માટેના ધિરાણની અન્ય ત્રણ યોજનાઓ - થ્રી વ્હીલરની યોજના, મારુતી સુઝુકી ઇકો યોજના તેમજ ટ્રેક્ટર અને યાંત્રિક સાધનો માટેની યોજના અંતર્ગત લાભાર્થીઓને ત્રણ ટકાના વ્યાજ દરે અનુક્રમે રૂ. ૩ લાખ, રૂ. ૬.૫૦ લાખ અને રૂ. ૭.૫૦ લાખની રકમનું ધિરાણ આપવામાં આવે છે. આ યોજના હેઠળ લાભાર્થીઓએ નિયત કરેલા ૯૬ માસિક હપ્તામાં ધિરાણની રકમની ચૂકવણી કરવાની રહેશે.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે, અરજદાર કે અરજદારના કુટુંબમાંથી કોઇ પણ સભ્યએ અગાઉ ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ, કોઇપણ સરકારી-અર્ધ સરકારી કચેરી અથવા બેંક પાસેથી વાહન ખરીદવા કે અન્ય ધંધા માટે લોન લીધેલી હશે, તો તેવા લાભાર્થીઓ આ યોજનાને પાત્ર રહેશે નહી. આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારના કુટુંબની કુલ વાર્ષિક આવક રૂ. ૬ લાખ કે તેથી ઓછી તથા અરજદારની ઉંમર લઘુત્તમ ૧૮ વર્ષ અને મહત્તમ ૫૦ વર્ષની હોવી જરૂરી છે.

આ યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક નાગરીકો સંબંધિત ગ્રામ પંચાયતો ખાતે ઇ-ગ્રામ કેન્દ્રો ખાતેથી જરૂરી સાધનીક કાગળો સાથે ઓનલાઇન અરજી કરાવી શકશે. આ યોજના સંબંધિત વધુ વિગતો ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમની વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આ પણ વાંચો- Vadodara : માતા-પિતાએ 5 વર્ષીય પુત્રને ઝેરી દવા પીવડાવી, પછી પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો!

Tags :
Advertisement

.

×