રંગકામ કરતા બાપની ઝિંદગી બેરંગ થતા અટકાવી અમદાવાદની કિડની હોસ્પિટલે! ગરીબ પિતાના પુત્રને મળ્યું નવજીવન
- રંગકામ કરતા બાપની ઝિંદગી બેરંગ થતા અટકાવી અમદાવાદની કિડની હોસ્પિટલે ! ગરીબ બાપના પુત્રને આપ્યું નવજીવન
- અમદાવાદના કાર્તિક પાટિલનું સફળ લીવર પ્રત્યારોપણ - 'શાળા આરોગ્ય કાર્યક્રમ' હેઠળ મળ્યું નવું જીવન
અમદાવાદ સિવિલ મેડિસીટીની સરકાર સંચાલિત કિડની હોસ્પિટલ- ઈન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝીસ એન્ડ રિસર્ચ સેન્ટરે રંગકામ કરતા એક બાપની ઝિંદગી બેરંગ થતા અટકાવી છે. અમદાવાદના કઠવાડા વિસ્તારમાં ઔડાના મકાનમાં રહેતા બબલુભાઈ પાટિલના ૧૮ વર્ષીય દિકરા કાર્તિકને રાજ્ય સરકારના 'શાળા આરોગ્ય કાર્યક્રમ' હેઠળ સફળતાપૂર્વક લીવર પ્રત્યારોપણ થતાં નવું જીવન મળ્યું છે.
કાર્તિક જ્યારે માત્ર ૫ વર્ષનો અને ધોરણ ૧ માં હતો, ત્યારથી તેને લીવરની બીમારી હતી. શરૂઆતમાં દવાઓથી સારવાર ચાલતી હતી, પરંતુ ધોરણ ૪ માં આવતા તેની તબિયત વધુ બગડી. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં તપાસ કરાવતા તેમને કિડની હોસ્પિટલ ખાતે બતાવવાની સલાહ આપવામાં આવી. ૨૦૧૪ થી, શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત સંદર્ભ કાર્ડ અને મંજૂરી મેળવીને કિડની હોસ્પિટલમાં કાર્તિકને 'વિલ્સન ડિસીઝ' (લીવર બીમારી) ની સારવાર ચાલી રહી હતી.
ગયા વર્ષે, ૩૧ ઓક્ટોબર, ૨૦૨૪ ના રોજ કાર્તિકની તબિયત અત્યંત કથળી અને તેને લોહીની ઉલટી થવા લાગી. દિવાળીના દિવસે જ ઉલટીઓ થવા લાગતા તાત્કાલિક કાર્તિકને કિડની હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોકટરોએ જણાવ્યું કે હવે લીવર પ્રત્યારોપણ કરાવવું પડશે અને 'કેડેવર લીવર' માટે નોંધણી કરાવવી પડશે.
આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે કાર્તિકના પરિવારે ચિંતા વ્યક્ત કરી. જોકે, IKDRC ના ડીરેક્ટર ડૉ. પ્રાંજલ મોદી અને તેમની ટીમના ડોકટરોએ તેમને શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ લીવર પ્રત્યારોપણ વિનામૂલ્યે થશે અને લીવરનું દાન મળતા જ તુરંત પ્રત્યારોપણ થશે તેવી માહિતી મળતા પરિવારને આશા બંધાઈ હતી.
કાર્તિકને ૧૮ વર્ષ પૂરા થવામાં પાંચ-છ મહિના બાકી હતા ત્યારે જ, તાજેતરમાં હોસ્પિટલમાંથી ડોકટરોનો ફોન આવ્યો કે કેડેવર લીવર ઉપલબ્ધ છે અને જો પ્રત્યારોપણ કરાવવાની ઈચ્છા હોય તો કાર્તિકને તાત્કાલિક એડમિટ કરો. ફોન આવતાની સાથે જ કાર્તિકનો પરિવાર કિડની હોસ્પિટલ પહોંચી ગયો અને થોડા સમય પહેલા જ કાર્તિકનું કેડેવર લીવર પ્રત્યારોપણ સફળતાપૂર્વક કરવામાં આવ્યું.
કાર્તિકના પરિવારે રાજ્ય સરકાર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ IKDARC સંસ્થાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે જો આ યોજના ન હોત તો તેમના બાળકનું લીવર પ્રત્યારોપણ કઈ કરાવવું તેમના માટે અશક્ય હતુ. ૨૦૧૪ થી સતત તબીબી ખર્ચમાં સરકારે મદદ કરી છે, અને તેના માટે પણ સરકારના આભારી છીએ. આ સફળ ઓપરેશન પાછળ ડોકટરોની ભૂમિકા પણ અતિ મહત્વની રહી છે.
અમદાવાદના એક મજૂરના દીકરાને થયેલી લીવરની ગંભીર બીમારીથી પરિવારનું જીવન બેરંગ બન્યું હતું, પરંતુ સિવિલ હોસ્પિટલમાં થયેલા સફળ લીવર પ્રત્યારોપણથી કાર્તિકના પરિવારમાં ફરી ખુશીઓના રંગો ભરાઈ ગયા છે.
અહેવાલ: સંજય જોષી, અમદાવાદ


