Surat News : લસણ ચોરી કેસમાં પોલીસને મળી સફળતા, બે આરોપીઓની કરી ધરપકડ
સુરતના લીંબાયત વિસ્તારમાં ત્રણ દિવસ અગાઉ થયેલી લસણ ચોરીની ઘટનામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી 836 કિલો લસણનો જથ્થો કબજે કર્યો છે. જ્યારે મહિલા સહિત ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસને સીસીટીવી ફૂટેજ ના આધારે ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં સફળતા મળી છે. જો કે સુરતમાં બનેલી લસણ ચોરીની આ ઘટનાનો કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.મહિલા વેપારી અને પાડોશમાં રહેતી મહિલા વચ્ચે ઝઘડો ચાલી આવ્યો છે.જે ઝઘડાની અદાવતમાં પાડોશી મહિલા દ્વારા આરોપીઓને ચોરી માટેની ટીપ આપવામાં આવી હતી.
સુરતના લીંબાયત પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર,લીંબાયતના શિવદર્શન સોસાયટીમાં સુમનબેન અને તેનો પરિવાર રહે છે.સુમનબેન લસણના વેપારી છે.જ્યાં માર્કેટ વિસ્તારમાં લસણ વેચી પરિવારનું ગુજરાન ચલાવે છે. દરમિયાન ત્રણ દિવસ અગાઉ તેણીના ઘર બહાર મુકેલા લસણનો જથ્થો અજાણ્યા શખ્સો ટેમ્પોમાં ભરી ફરાર થઇ ગયા હતા.
ઘટના અંગે સુમનબેનની ફરિયાદના આધારે લીંબાયત પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.પોલીસ તપાસમાં સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં ટેમ્પો કેદ થયો હતો.જે ટેમ્પો નંબરના આધારે પોલીસે આરોપી ગોવિંદ ચુનારા અને રાજકુમાર આહિરેની ધરપકડ કરી હતી.જે આરોપીઓ પાસેથી 836 કિલો લસણનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
આરોપીઓ પાસેથી એક ઓટો રીક્ષા,લસણનો જાતઘો મળી 2.91 લાખની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે,વેપારી સુમનબેનના ઘરની બાજુમાં શીલા નામની મહિલા રહે છે. જે શીલા નામની મહિલા અને સુમનબેન વચ્ચે કોઈક કારણોસર ઝઘડો ચાલી આવ્યો હતો. સુમનબેન પોતાના ઘર બહાર જ લસણનો જથ્થો ગુણીમાં ભરી રાખી મૂકે છે. જે લસણનો જથ્થો ચોરી કરવા શીલા નામની મહિલાએ અન્ય આરોપીઓને ટીપ આપી હતી. જે મહિલા સહિત અન્ય ત્રણ આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.
અહેવાલ : આનંદ પટણી, સુરત
આ પણ વાંચો : Ahmedabad Accident : તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશે જામીન અરજી દાખલ કરી, આ મુદ્દાઓ અંગે કરી રજૂઆત



