Surendranagar: થાન નગરપાલિકાની ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો, સિરામિક ઉધોગકારોમાં ભારે નારાજગી
- સિરામિક ઉધોગકારોમાં પ્રાથમિક સુવિધાઓના અભાવથી રોષ
- ભાજપે સિરામિક ઉધોગના પ્રશ્નો હલ કરવાની આપી છે ખાત્રી
- ભાજપના આગેવાનો અને સિરામિક ઉધોગકારોની એક બેઠકનું આયોજન
Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લામાં થાન નગરપાલિકાની આગામી દિવસોમાં ચૂંટણી યોજાવાની છે, ત્યારે થાનમાં સિરામિક ઉધોગકારોમાં પ્રાથમિક સુવિધાઓના અભાવથી રોષ જોવા મળી રહ્યો છે. ભાજપ દ્વારા ડેમેજ કન્ટ્રોલ માટે સિરામિક ઉધોગકારો સાથે બેઠક યોજી સિરામિક ઉધોગના પ્રશ્નો હલ કરવાની ખાત્રી આપી નારાજ સિરામિક ઉધોગકારોને મનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: Bhavnagar: ‘તું મારી છોકરી સાથે કેમ વાત કરે છે’ કહી છોકરીના પિતાએ વિદ્યાર્થી પર કર્યો હુમલો
અહીં છેલ્લા 25 વર્ષ કરતા વધુ સમયથી ભાજપની સત્તા છે
સુરેન્દ્રનગર જિલ્લાનું થાન સિરામિક ઉધોગનું હબ ગણાય છે અને થાનમાં અંદાજે 350થી વધુ સિરામિકના યુનિટ આવેલા છે. હાલ થાન નગરપાલિકાની ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. થાન નગરપાલિકામાં છેલ્લા 25 વર્ષ કરતા વધુ સમયથી ભાજપની સત્તા હતી, પરંતુ થાનના સિરામિક ઉધોગોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં ભાજપના સત્તાધીશો સદંતર નિષ્ફળ નિવડતા હાલ સિરામિક ઉધોગકારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જેની સીધી અસર આગામી ચૂંટણીમાં જોવા મળે તેવી શક્યતાઓ છે. જેને લઇને ભાજપના આગેવાનો આ ડેમેજ કન્ટ્રોલ કરવા દોડી આવ્યા હતાં. જેમાં થાન સિરામિક એસોસિએશનની ઓફીસ ખાતે ભાજપના આગેવાનો અને સિરામિક ઉધોગકારોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: ChhotaUdepur નગરપાલિકાની ચૂંટણીમાં 99 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી, જીત વિશે શું કહે છે નેતાઓ?
ભાજપના આગેવાનોએ તમામ પ્રશ્નોના નિરાકરણ માટે આપી ખાત્રી
આ બેઠકમાં કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા, ચોટીલા થાનના ધારાસભ્ય શામજીભાઇ ચૌહાણ, લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઇ વરમોરા સહીતના ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આ બેઠકમાં સિરામિક ઉધોગકારો દ્વારા સિરામિક ઉધોગમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાવાના, ગેસમાં સતત ભાવ વધારો, રસ્તા સહીતની પ્રાથમિક સુવિધાઓ બાબતના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. હાલ તો ભાજપના આગેવાનોએ આ તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ખાત્રી આપી છે, પરંતુ નારાજ સિરામિક ઉધોગકારો ભાજપને સમર્થન કરે છે કે, કેમ તે તો ચૂંટણીના પરિણામ બાદ જ ખબર પડશે.


