કોળી સમાજે છેડેલું આંદોલન સમેટાયું, પોલીસે મૃતકના પિતાને કરાવ્યા પારણા
અહેવાલ - હરેશ ભાલિયા
જેતપુરમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ દયાબેન સરીયાના આત્મહત્યા પ્રકરણમાં કોળી સમાજે છેડેલું આંદોલન આજે પોલીસની સમજાવટ વચ્ચે સમેટાઈ ગયું હતું. સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા યોગ્ય તપાસ કરવાની અને આ બનાવમાં હજુ પણ જેઓના નામ ખુલશે તેમની સામે પગલાં ભરવા જેતપુર પોલીસ સદા તૈયાર રહેશે તેવી ખાતરી આપીને સ્વ. દયાબેનના પિતા શંભુભાઈને પારણા કરાવ્યા હતા. બીજીબાજુ દયાબેનને મરવા મજબુર કરવા સબબ જેમની સામે ગુનો નોંધાયો છે તે પોલીસમેન અભયરાજસિંહ ગઈકાલે રાત્રે ગોંડલ સીટી એ ડીવીઝનમાં સામેથી હાજર થઇ જતા કહેવાય છે કે ગોંડલ પોલીસે તેમની વિધિવત ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગતો મુજબ જેતપુર શહેર પોલીસમાં ફરજ બજાવતા દયાબેન શંભુભાઈ સરિયા નામના મહિલા પોલીસ કોન્સ્ટેબલે પોતાના કવાર્ટરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાં આ પ્રકરણ ચગ્યું હતું. બીજીબાજુ મૃતક દયાબેનના પિતા શંભુભાઈ અને મામા તેમજ સમગ્ર કોળી સમજે એક છત નીચે આવીને દયાબેનના પગલાને શંકાશ્પદ ગણાવી કોઈ સાથી પોલીસ કર્મચારીઓનો ત્રાસ કારણભૂત હોવાના આક્ષેપો સાથે લડી લેવાની તૈયારી બતાવી હતી. ત્યારે રાજકોટ જીલ્લા ભરની પોલીસમાં એક ચર્ચા શરુ થઇ હતી કે આ પ્રકરણ કેટલા કર્મચારીઓના રોટલા અભડાવશે ? અને બન્યું પણ એવું કે ત્રણ પોલીસમેનના ચર્ચાતા નામો પછી માત્ર એક પોલીસમેન અભયરાજસિંહ સામે જ ગુનો નોંધાતા મૃતકના વાલીઓ અને કોળી સમાજમાં ફરી રોષ સાથે અસંતોષ ઉભો થયો હતો કે માત્ર એક પોલીસમેનને જ કેમ બલીને બોકડો બનાવાયો ?
આવી રજુઆતો, આવેદનો અને મૌન રેલી બાદ પણ કઈ ન થતા કોળી સમાજે ગઈકાલે તીનબત્તી ચોક ખાતે ભૂખ હડતાલ શરુ કરી હતી. જેમાં સ્વ. દયાબેનના પિતા સહિતના પરિવારજનો પણ જોડાયા હતા. તે વાત સામે પોલીસ ઝુંકી હોય તેમ આજે બીજે દિવસે જ સીટી પોલીસના પીઆઈ સહિતના પોલીસ અધિકારીઓએ તીનબત્તી ચોક ખાતે દોડી જઈને સમગ્ર મામલે પરિવારજનોને સમજાવી, પોલીસ ખરેખર યોગ્ય તપાસ કરશે અને કસુરવાર કોઈના નામ ખુલશે તો આકરી કાર્યવાહી કરવાની ખાતરી અપાતા ભૂખ હડતાલની આગેવાની લેનાર કોળી સમાજના આગેવાન ચંદુ મકવાણા અને દયાબેનના પિતા શંભુભાઈ સહિતના પરિવારજનો, આગેવાનોએ પારણા કરી આંદોલન સમેટી લીધું છે.
દયાબેન સરીયાએ પગલું ભરી લીધાના ૮ દિવસ સુધી કહેવાય છે કે છટકવાના રસ્તા શોધતા આરોપીઓના રસ્તા અંતે ટૂંકા થઇ ગયા હોય તેમ સીટી પોલીસમાં આખરે ગુનો નોંધાયો હતો. જેમાં આરોપી તરીકે અભયરાજસિંહ અને તપાસમાં ખુલે તે બતાવીને વિધિવત એફઆઈઆર દાખલ થઇ હતી. દરમિયાન હવે પોલીસ ડીપાર્ટમેન્ટમાં છીએ ત્યાર મુફ્લીશ આરોપીઓની જેમ ભાગતા ફરવાને બદલે સામેથી હાજર થઈને તંત્રને સાથ અને સહકાર આપવાનું વિચારીને અભયરાજસિંહ ગઈકાલે રાત્રે જેતપુર પોલીસને બદલે ગોંડલના એ ડીવીઝન પોલીસ સ્ટેશને હાજર થઇ જતા તેઓની વિધિવત અટક કરીને આગળની કાર્યવાહી કરાઈ હોવાનું જાણવા મળે છે.
હાજર થયેલા આરોપીના રિમાન્ડ મંગાશે કે કેમ ? કોળી સમાજમાં સવાલો શરુ
ગોંડલ પોલીસમાંથી આજે જાણવા મળ્યું હતું કે જેતપુર પોલીસમાં દાખલ થયેલ આઈપીસી ૩૦૬ મુજબના ગુનામાં સંડોવાયેલા પોલીસમેન ગોંડલ પોલીસમાં સામેથી ભલે હાજર થયા પણ સત્ય બહાર લાવવું જોઈએ તેવી માંગ સાથે કોળી સમાજમાં તરેહ તરેહના સવાલ ઉઠ્યા છે કે આરોપીના રીમાંગ મંગાશે કે ઘીના ઠામમાં ઘી ઢોળી દેવાશે ? તે સમય જ બતાવશે.
અમોને પોલીસ પર વિશ્વાસ છે : મૃત મહિલાના પિતા શંભુભાઈ
આજે પારણા કરી આંદોલન સમેટી લેવાનું કારણ આપતા સ્વર્ગીય મહિલા પોલીસ કોન્સ્ટેબલ દયાબેનના પિતા શંભુભાઈએ પોલીસ પર વિશ્વાસ છે અને અમોને પોલીસે ખાતરી આપી છે કે આ બનાવમાં ૧૦ વ્યક્તિ નીકળશે તો દસેય સામે ગુનો નોંધાશે. આવી ખાતરીથી અમોએ ભૂખ હડતાલ સમેટી લીધી છે. તેઓએ સાથ આપનારા સૌ તેમજ કોળી સમાજનો આભાર પણ માન્યો હતો.
બચેલા બંને પોલીસમેનોને જીલ્લા બહાર બદલી કરી મોકલી દો : ચંદુ મકવાણા
ભૂખ હડતાલના પ્રણેતા કોળી સમાજના આગેવાન ચંદુ મકવાણા એ પત્રકારોને કહ્યું કે, તેઓના સમાજ ઉપરાંત સ્થાનિક ધારાસભ્ય જયેશ રાદડીયાનો સાથ અને સહકાર મળ્યો છે. તેમજ 5 દિવસમાં જ યોગ્ય તપાસની ખાતરી આપવામાં આવી છે એટલે ભૂખ હડતાલ પૂરી કરીએ છીએ. પણ આ બનાવમાં બચેલા મનદીપસિંહ અને વિપુલ ટીલાળા એમ બંને પોલીસમેનોને રાજકોટ જીલ્લા બહાર બદલી કરી નાખો, કારણ કે તેઓને જેતપુરમાં હરતા ફરતા જોઈએ તો અમોને દુઃખ થાય તેમ છે. તેવું ચંદુ મકવાણાએ કહ્યું હતું. તમણે એવી પણ ચીમકી આપી હતી કે 5 દિવસમાં આ બંને પોલીસમેનોની બદલી નહિ થાય તો હતા ત્યાં ને ત્યાં તીનબતી ચોકમાં ફરી ભૂખ હડતાલ શરુ કરાશે. અને ગુજરાત કોળી ઠાકોર સમાજના પ્રમુખ જયેશ ઠાકોરે પણ એવું જણાવ્યું હતું કે પોલીસને અમો સમય આપી છીએ અને પાંચ દિવસમાં જે સાચા ગુનેગારો હોય તેની સામે જ પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી હતી. તેમજ ફરી આંદોલનની પણ તેમણે ચીમકી ઉચ્ચારી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે





