આજે છે ત્રણ પવિત્ર દિવસનો ત્રિવેણી સંગમ, જાણો તેના વિશે
આજે અષાઢ માસની અમાસ જે હરીયાળી અમાસ કહેવાય છે સાથે સોમવાર અને અમાસ એટલે સોમવતી અમાસ સાથે દિવાસો એટલે આજના દિવસે ત્રણ પવિત્ર તિથિનો ત્રિવેણી સંગમ સમાન દિવસ છે, હરીયાળી અમાસ હોવાથી ભગવાન દામોદરજીને આજે લીલા રંગના વસ્ત્રો અને શ્રૃંગાર સજવામાં આવ્યા હતા તો પવિત્ર દામોદર કુંડમાં આજના દિવસે સ્નાન કરી પિતૃ તર્પણનું મહત્વ રહેલું છે. મોટી સંખ્યામાં ભાવિકોએ દામોદર કુંડમાં સ્નાન કરીને પિતૃ તર્પણ કર્યું હતું.
હિન્દુ પંચાગ અનુસાર આજે ત્રણ પવિત્ર તિથિનો ત્રિવેણી સંગમ છે, અષાઢ માસની અમાસ એટલે હરીયાળી અમાસ, સાથે સોમવાર અને અમાસ એટલે સોમવતી અમાસ અને દિવાસો પણ છે આમ ત્રણેય પર્વ પોતાની રીતે એક અલગ ધાર્મિક મહત્વ ધરાવે છે, હરીયાળી અમાસનું ખાસ કરીને પુષ્ટીસંપ્રદાયમાં વિશેષ મહત્વ છે, કારણ કે ચોમાસાને લઈને પ્રકૃતિ લીલીછમ બની જાય છે અને પ્રભુ પણ આ હરીયાળી પ્રકૃતિને માણવા હિંડોળામાં પધારતાં હોય છે, વળી આવતીકાલથી અધિક માસનો પ્રારંભ થઈ રહ્યો છે જેના વ્રતનો પ્રારંભ પણ અમાસ થી જ શરૂ થઈ જાય છે આમ હરીયાળી અમાસ ઈશ્વર અને પ્રકૃતિના મિલન સમો પર્વ છે.
આજે સોમવાર અને અમાસ સાથે છે એટલે તેને સોમવતી અમાસ કહેવાય છે આપણાં શાસ્ત્રોમાં સોમવતી અમાસનું વિશેષ મહત્વ છે, ખાસ કરીને અમાસ એ પિતૃઓનો દિવસ છે અને દામોદર કુંડ તિર્થક્ષેત્ર મોક્ષ ક્ષેત્ર પૈકીનું એક તિર્થક્ષેત્ર છે તેથી સોમવતી અમાસના દિવસે પવિત્ર દામોદર કુંડમાં સ્નાન કરીને પિતૃ તર્પણ કરવાનું વિશેષ મહત્વ છે, આજે સોમવતી અમાસને લઈને મોટી સંખ્યામાં ભાવિકોએ દામોદર કુંડમાં સ્નાન કરી પીપળે જલ અર્પણ કરીને પિતૃ કાર્ય કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું.
આજે દિવાસો પણ છે દિવાસો એટલે સ્ત્રીઓનું વ્રત ખાસ કરીને પરણિત સ્ત્રીઓ પોતાના સૌભાગ્ય માટે આ વ્રત કરતી હોય છે પ્રથમ પાંચ વર્ષ તેના સૌભાગ્ય માટે અને બાદમાં તેમના પરિવાર માટે આ વ્રત કરવામાં આવે છે જેની શરૂઆત પણ તિર્થક્ષેત્રમાં સ્નાન અને પિતૃ તર્પણ થી થાય છે. કારણ કે કોઈપણ શુભ કાર્ય કરતાં પહેલા પિતૃ કાર્ય કરવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે અને પિતૃ કાર્ય બાદ કોઈ શુભ કાર્ય કરવામાં આવે તો તે નિશ્ચિતપણે સફળ થાય છે, દિવાસાનો દિવસ એવો દિવસ છે કે આજના દિવસ થી આગામી સો દિવસ સુધી નાના મોટા ઉત્સવો આવે છે તેથી તે દિવાસો કહેવાય છે એટલે આ સમયગાળો દિવાસાના દિવસ થી દેવ દિવાળી સુધીનો હોય છે જ્યાં હિન્દુ પંચાગ અનુસાર સો દિવસ સુધી કોઈને કોઈ વ્રત કે ઉત્સવનો દિવસ હોય છે જેને લોકો શ્રધ્ધા અને ભક્તિભાવ પૂર્વક ઉજવે છે. આમ આજના પુણ્યશાળી દિવસની જૂનાગઢમાં દામોદર કુંડ તિર્થક્ષેત્રમાં ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી હતી.
આ પણ વાંચો – Junagadh માં વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિનું કૌભાંડ, 12 સંસ્થાઓએ સરકારને કરોડોનો ધૂંબો માર્યો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
અહેવાલ - સાગર ઠાકર



