શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત 11 સપ્ટેમ્બરે ભાવનગર જિલ્લામાં નવા 4 કડીયાનાકા ખાતે ભોજન કેન્દ્રો શરૂ કરાશે
અહેવાલ - સંજય જોશી
શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત બાંધકામ શ્રમિકો માટે રાજ્યના ભાવનગર જિલ્લામાં ચાર કડિયાનાકા ખાતે આગામી તા. ૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ સવારે ૮.૦૦ કલાકે ભોજન કેન્દ્રોનો શુભારંભ કરવામાં આવશે. આ ભોજન કેન્દ્રો ખાતે માત્ર રૂ. ૫/-ના ટોકન દરે બાંધકામ શ્રમિકોને પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવશે તેમ, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ-અમદાવાદની યાદીમાં જણાવાયું છે.
વધુમાં જણાવ્યાનુસાર તા. ૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ ભાવનગર જિલ્લામાં રાજકોટ રોડ ખાતે આવેલી આર.ટી.ઓ ઓફિસની સામે, લીમડીયું-ઘોઘાજી સર્કલ પાસે આવેલી પોલીસ ચોકીની બાજુમાં, ૧૫૦ રીંગ રોડ પર આવેલા ઘોઘા રોડ ખાતે અને બોરડી ગેટ પોલીસ ચોકી સામે એમ નવા કુલ ૪ ભોજન કેન્દ્રો શરૂ કરવામાં આવશે, જેથી મોટા પ્રમાણમાં બાંધકામ શ્રમિકોને પૌષ્ટિક ભોજનનો લાભ મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યના મકાન અને અન્ય બાંધકામ શ્રમિકો માટે જૂન-૨૦૧૭થી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ કરાયો હતો. આ યોજના અંતર્ગત ૧૨ જિલ્લાના ૩૬ શહેરોમાં કુલ ૧૧૯ કડીયાનાકા પર ભોજન વિતરણ કેન્દ્રો શરુ કરવામાં આવ્યા હતા. કોરોના મહામારી સમયે આ યોજનાને સ્થગિત કરાઈ હતી. ત્યારબાદ ઓક્ટોબર-૨૦૨૨માં અમદાવાદ અને ગાંધીનગરના મળી કુલ ૨૨ કડીયાનાકાથી આ યોજનાને પુનઃ કાર્યરત કરવામાં આવી હતી. યોજના પુનઃ કાર્યરત થયા બાદ અત્યારસુધીમાં નવા ૧૦૮ જેટલા કડીયાનાકા ખાતે ભોજન કેન્દ્રો શરુ કરાયા છે.


