VADODARA : બગીખાનામાં હાથ વડે રોડનો ડામર ઉખડે તેવું તકલાદી કામ કરાયું
VADODARA : વડોદરાના બગીખાનામાં હાથ વડે રોડનો ડામર ઉખડી જાય તેવું બોદું કામ કરવામાં આવ્યું છે. સામાજિક કાર્યકર કમલેશ પરમારે સ્થળ પર પહોંચીને સત્ય ઉજાગર કર્યું છે. આ તકે સ્થળ પર એકત્ર થયેલા સ્થાનિકોએ જણાવ્યું કે, આ રોડ ગણતરીના મહિના પણ નહીં ટકેે. અગાઉ પણ રોડ બનાવ્યો હતો, તે મહિનાઓમાં જ ખખડી ગયો હતો. ગતરોજ ભીમપુરા પાસે નવો બનાવેલો આરસીસીના રોડનો ભાગ બેસી ગયો હતો. શહેર-જિલ્લામાં એક પછી એક રોડ તુટવાની ઘટનાઓ સામે આવી રહી છે. જે રોડ બનાવવાના કામમાં થતી ગોબાચારી ખુલ્લી પાડવા માટે પુરતું છે.
વિજીલન્સ તપાસ થવી જોઇએ
વડોદરાના બગીખાના વિસ્તારમાં નવાપુરા તરફ જતો રસ્તો તાજેતરમાં બનાવવામાં આવ્યો છે. આ રસ્તા પરનો કેટલોક ભાગ ઉખડી ગયો હોવાનું ધ્યાને આવતા સામાજિક કાર્યકર કમલેશ પરમાર સ્થળ પર પહોંચ્યા હતા. કમલેશ પરમારે પોતાના હાથ વડે રોડનો ડામર ઉખાડી શકે તેવું તકલાદી કામ થયું હોવાનો અનુભવ તેમને થયો હતો. જેને પગલે સામાજિક કાર્યકરે રોડ બનાવવાનું કામ કરનાર કોન્ટ્રાક્ટર સામે કડક હાથે કાર્યવાહી કરવાનું, તથા થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન સામે સવાલો ઉઠાવ્યા છે. એટલું જ નહીં રોડ મામલે વિજીલન્સ તપાસ થવી જોઇએ તેવી આકરી માંગણી પણ કરી છે.
રોડ એક તરફ નમેલો હોવાથી અકસ્માત થવાની શક્યતાઓ
આ તકે સ્થાનિકો પણ એકત્ર થઇ ગયા હતા. અને સ્થાનિક સર્વેનું કહેવું છે કે, હું મારા અનુભવથી કહું છું, આ રોડ જેવો હતો તેવોનો તેવો જ થઇ જવાનો છે. અત્યારે નવી વસ્તુ દેખાઇ રહી છે. રોડ એક તરફ નમેલો હોવાથી અકસ્માત થવાની શક્યતાઓ રહેલી છે. અહિંયા ડિવાઇડરનું કામ જૂના સર્વે પ્રમાણે કરવામાં આવ્યું નથી. કારપેટીંગ કરી દીધું છે.
આ પણ વાંચો --- VADODARA : ભાજપના પૂર્વ કોર્પોરેટરનો કટાક્ષ, 'નેતાઓને વિચાર સુદ્ધાં આવ્યો નહીં હોય'


