VADODARA : ભાયલી ગેંગ રેપ કેસમાં પોલીસનું સોગંદનામું, વાંચો વિગતવાર
VADODARA : નવરાત્રીમાં સંસ્કારી નગરીને કલંકિત કરતી ગેંગ રેપની ઘટના ભાયલી (VADODARA - BHAYLI GANG RAPE CASE) વિસ્તારમાં ઘટી હતી. આ ઘટનાના પાંચ આરોપીઓ હાલ જેલ હવાલે છે. તે પૈકી બે આરોપીઓ દ્વારા પોતાની જામીન અરજી અત્રેની કોર્ટમાં મુકવામાં આવી છે. જેની સામે પોલીસ દ્વારા જામીન અરજી નામંજૂર કરવા માટેનું સોગંદનામું રજુ કરવામાં આવ્યું છે. જે મામલે ટુંકા ગાળામાં વધુ સુનવણી હાથ ધરવામાં આવશે, તેવું સુત્રોએ જણાવ્યું છે.
ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પાંચેય આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા
નવરાત્રીમાં મોડી રાત્રે સગીરા પોતાના મિત્ર સાથે ભાયલી વિસ્તારમાં બેઠી હતી. દરમિયાન બે બાઇક પર પાંચ લોકોએ આવીને તેમની સાથે બદસલુકી શરૂ કરી હતી. અને ત્યાર બાદ એક બાઇક પર આવેલા બે શખ્સો ત્યાંથી જતા રહ્યા હતા. જે બાદ ત્રણ નરાધમો દ્વારા સગીરા પર ગેંગ રેપ આપચરવામાં આવ્યું હતું. અને ત્યાર બાદ તેઓ ત્યાંથી નાસી છુટ્યા હતા. આ ઘટનામાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પાંચેય આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા. અને બાદમાં વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલ પાંચેય આરોપીઓ જેલ હવાલે છે.
બે આરોપીઓ દ્વારા અત્રેની કોર્ટમાં જામીન અરજી મુકવામાં આવી
તાજેતરમાં આરોપીઓ પૈકી સૈફઅલી મહેંદીહસન બનજારા અને અજમલ સત્તારભાઇ બનજારા (રહે. કાળી તલાવડી, તાંદલજા, વડોદરા) દ્વારા અત્રેની કોર્ટમાં જામીન પર મુક્ત થવા માટેની અરજી કરવામાં આવી છે. જેની સામે પોલીસ દ્વારા અરજી નામંજુર કરવા માટે સોગંદનામું રજુ કરવામાં આવ્યું છે. જ્યારે સ્પેશિયલ પબ્લીક પ્રોસીક્યુટર એસ. એચ. પટેલ દ્વારા આરોપીઓની જામીન અરજી નામંજુર કરવા માટે રજુઆતો કરવામાં આવી છે. ટુંકા ગાળામાં જામીન અરજી પર વધુ સુનવણી હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : ગેરકાયદેસર દબાણો પર UP વાળી, પાલિકાનું લશ્કર ત્રાટક્યું


