VADODARA : ભાજપના મહિલા કોર્પોરેટરે છુટ્ટા હાથે ટ્રેક્ટર હાંક્યું
VADODARA : વડોદરાના વહીવટી વોર્ડ નં - 16 ના ભાજપના કોર્પોરેટર સ્નેહલ બેન પટેલ દ્વારા છુટ્ટા હાથે ટ્રેક્ટર રોડ પર હાંકવામાં આવ્યું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે. એક તરફ પોલીસ દ્વારા ટ્રાફીકના નિયમોઅંગે જાગૃતિ લાવવા માટે તનતોડ મહેનત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ ચૂંટાયેલા નેતા જ ટ્રાફીકના નિયમોના ખુલ્લેઆમ ધજાગરા ઉડાડી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવતા પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.
હાથ સ્ટીયરીંગ પર હોવાની જગ્યાએ એક હાથમાં ઝંડો છે
વડોદરા પોલીસ દ્વારા આયોજિત સડક સુરક્ષા માસની ઉજવણી તાજેતરમાં જ સંપન્ન થઇ છે. આ દરમિયાન ટ્રાફીકના નિયમોનું લોકો પાલન કરે તે માટે અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જો કે, આ વાત ચૂંટાયેલા પ્રતિનિધીઓ સુધી નહીં પહોંચી હોવાની સાબિતી આપતો કિસ્સો સામે આવ્યો છે. તાજેતરમાં વડોદરાના સોશિયલ મીડિયા વર્તુળમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં વડોદરાના વહીવટી વોર્ડ નં - 16 ના ભાજપના મહિલા કોર્પોરેટર સ્નેહલબેન પટેલ છુટ્ટા હાથે રોડ પર ટ્રેક્ટર હાંકી રહ્યા છે. તેમના હાથ સ્ટીયરીંગ પર હોવાની જગ્યાએ એક હાથમાં ઝંડો છે. અને બીજો હાથ ઉંચો કરીને રાખવામાં આવ્યો છે.
વીડિયો વાયરલ થાય તો પોલીસ કાર્યવાહી કરતી હોય છે
સામાન્ય સંજોગોમાં જો કોઇ વ્યક્તિ ટ્રાફીકના નિયમોનું ઉલ્લંઘન કરે, અને તેનો વીડિયો વાયરલ થાય તો પોલીસ કાર્યવાહી કરતી હોય છે. તેવું આ કિસ્સામાં થાય છે કે નહીં તે જોવું રહ્યું. ઘણા લોકોનું માનવું છે કે, ચૂંટાયેલા પ્રતિનિધીએ કાયદાનું પાલન કરવું જોઇએ. જો તેઓ જ છડેચોક ઉલ્લંઘન કરશે, તો અન્ય સુધી કેવો સંદેશો પહોંચશે ?. જો કે, આ વીડિયો વર્ષ 2017 નો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. અને તેને ઇરાદાપૂર્વક વાયરલ કરવામાં આવી રહ્યો હોવાનો ગણગણાટ છે.
આ પણ વાંચો --- Gujarat Lok Adalat : લોક અદાલતમાં ગુજરાત રાજ્યને મળી અભૂતપૂર્વ સફળતા


