VADODARA : બોમ્બ થ્રેટ બાદ નવરચના સ્કુલ સંચાલકોનું પ્રથમ નિવેદન સામે આવ્યું
VADODARA : આજે સવારે શહેરની જાણીતી નવરચના સ્કુલના પ્રિન્સિપાલને શાળામાં બોમ્બ થ્રેટ હોવા અંગેનો (Bomb Threat At Navrachana Schools In Vadodara ) ઇમેલ મળ્યો હતો. ઇમેલ મળતા જ તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. મામલાની સંવેદનશીલતાને ધ્યાને રાખીને બોમ્બ સ્કવોર્ડ સહિત સ્થાનિક પોલીસ અને સ્પેશિયલ બ્રાન્ચના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને તપાસ શરૂ કરી હતી. આજના દિવસે વિદ્યાર્થીઓ શાળાએ ના આવે તે માટે શાળા સંચાલકો દ્વારા ઇમેલ તથા શાળાની એપ્લીકેશન મારફતે વાલીઓને આ અંગેની જાણ કરી હતી. આજે વિદ્યાર્થીઓની એક બેચ પ્રવાસે જનાર હોવાથી તેમની બસોનું પણ બોમ્બ સ્કવોર્ડ દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું. જો કે, નવરચના સ્કુલ અને યુનિ.માં અત્યાર સુધીની તપાસમાં કંઇ પણ વાંધાજનક મળી આવ્યું નથી.
તેઓ આવી ગયા હતા. અને બધે ચેકીંગ કર્યું
નવરચના સ્કુલમાં તપાસ અધિકારીઓ દ્વારા ચેકીંગ બાદ શાળાના એડમિનિસ્ટ્રેટર બીજુ કુરીયનનું પ્રથમ નિવેદન સામે આવ્યું છે. જેમાં તેઓ જણાવે છે કે, નવરચના ઇન્ટરનેશનલ સ્કુના પ્રિન્સિપાલને એક ઇમેલ આવ્યો હતો. જે બાદ પ્રિન્સિપાલે બાકી શાળાઓને પણ જાણ કરી હતી. અને આજે તમામ શાળાઓને બંધ રાખવામાં આવી છે. અમે તમામ વાલીઓને શાળા બંધ હોવાનો મેસેજ મોકલી આપ્યો હતો. બાદમાં અમે પોલીસને જાણ કરી હતી. અમે પોલીસના પ્રયાસોની સરાહના કરીએ છીએ. તુરંત તેઓ આવી ગયા હતા. અને બધે ચેકીંગ કર્યું હતું. કોઇ ઇશ્યું થયો નથી. બધુ બરાબર છે. તેમણે ક્લાસરૂમ, પાઇપલાઇ, ખૂણેખૂણા તપાસ્યા છે. ઇમેલમાં એવું લખ્યું હતું કે, પાઇપમાં બોમ્બ છે, તમે શાળાને ખાલી કરાવી દો.
આવતી કાલથી શાળા રાબેતામુજબ શરૂ થઇ જશે
વધુમાં તેમણે જણાવ્યું કે, અમને કોઇ પર શક નથી. ઇમેલ અંગ્રેજીમાં લખવામાં આવ્યો હતો. તેમાં તમીલનાડું લખ્યું હતું. અમે તમામ વિગતો પોલીસને સોંપી દીધી છે. પરિસ્થિતી સામાન્ય છે. અને આવતી કાલથી શાળા રાબેતામુજબ શરૂ થઇ જશે. અમે બધા સુરક્ષિત છીએ.
આ પણ વાંચો --- VADODARA : હરણી બોટકાંડમાં મૃતક શિક્ષિકાઓના બનાવટી દસ્તાવેજો ઉભા કરાતા ચકચાર