VADODARA : બ્રાઇટ સ્કુલ દ્વારા એપ્લીકેશન મારફતે વધુ ફી માંગતા વિવાદ
VADODARA : વડોદરાના વાસણા ભાયલી રોડ પર આવેલી બ્રાઇટ સ્કુલ (BRIGHT SCHOOL FEES CONTROVERSY - VADODARA) દ્વારા એપ્લીકેશન મારફતે વાલીઓ પાસેથી વધુ પૈસાની માંગણી કરતા આજે વડોદરા પેરેન્ટ્સ એસો.ના હોદ્દેદારો શાળાએ પહોંચ્યા (VPA OPPOSE FEES HIKE - VADODARA) છે. અને પોતાનો વિરોધ નોંધાવ્યો છે. અગ્રણીનું કહેવું છે કે, એફઆરસી પ્રમાણે જ ફી લેવી હિતાવહ છે. શાળા દ્વારા બોર્ડ પર એફઆરસી મુજબની ફી નું માળખું દેખાય તેમ મુકવામાં આવ્યું ન્હતું. જે અમારી રજુઆત બાદ મુકી દેવામાં આવ્યું છે. શાળા સંચાલકો દ્વારા 23 તારીખ સુધીમાં પ્રશ્ન ઉકેલવાની બાંહેધારી આપવામાં આવી છે. બીજી તરફ શાળા સંચાલકોનું કહેવું છે કે, અમે એફઆરસીના નિયમોનું પાલન કરી રહ્યા છીએ.
23, ફેબ્રુઆરી સુધીમાં ઉકેલવામાં આવશે તેવી બાંહેધારી આપવામાં આવી
વડોદરા પેરેન્ટ્સ એસો.ના અગ્રણી કિશોરભાઇ પિલ્લાઇ એ મીડિયાને જણાવ્યું કે, વડોદરાના વાસણા-ભાયલી રોડ પર આવેલી બ્રાઇટ સ્કુલ દ્વારા વિદ્યાર્થી દીઠ રૂ. 7,600 વધારાના એપ્લીકેશન મારફતે માંગવામાં આવી રહ્યા હોવાનો મામલો અમારા સુધી પહોંચ્યો હતો. તે વધારાની ફી ભરપાઇ કરવા માટે 28, ફેબ્રુઆરીની તારીખ આપવામાં આવી છે. આજે અમે શાળાના સંચાલકોને મળીને રજુઆત કરી છે કે, વધારાની ફીની માંગણીને તાત્કાલિક પરત ખેંચવામાં આવે. અને જેના પાસેથી વધુ ફી વસુલમાં આવી હોય તેને તુરંત પરત કરવામાંઆવે. સાથે જ અમે એફઆરસી કમિટિ દ્વારા નિર્ધારીત ફી ને નોટીસ બોર્ડ પર લગાડવામાં આવે. જેથી વાલીઓને ખબર પડે કે એફઆરસી દ્વારા કેટલી ફી નિર્ધારિત કરવામાં આવી છે. આજે તેમણે આ માહિતી નોટીસ બોર્ડ પર મુકીને ડિસ્પ્લે કરી દીધી છે. બાકીની માંગણી 23, ફેબ્રુઆરી સુધીમાં ઉકેલવામાં આવશે તેવી બાંહેધારી આપવામાં આવી છે. જો ત્યાં સુધી મામલાનો ઉકેલ નહીં આવે તો અમારે નાછુટકે આગળ વધીને DEO અને FRC સમક્ષ ફરિયાદ કરવી પડશે.
અમે એફઆરસી ઓર્ડર અનુસાર જ ફી વસુલી રહ્યા છીએ
બીજી બાજુ શાળાના એડમીનીસ્ટ્રેટર સાયરસ કુપરે મીડિયાને જણાવ્યું કે, મને મામલાની કોઇ ખાસ જાણકારી નથી. હું તેમને પહેલીવાર મળી રહ્યો છું. તેઓ શાળા સાથે ખુશ છે. તેમણે તેમની રજુઆત કરી છે. તે મામલો હું શાળાના મેનેજમેન્ટ સુધી પહોંચાડીશ. અમે એફઆરસી ઓર્ડર અનુસાર જ ફી વસુલી રહ્યા છીએ. ફી નો ઓર્ડર બોર્ડ પર લગાડવામાં આવ્યો છે. જેટલી ફી જણાવી છે, તેટલી જ લઇ રહ્યા છીએ. એફઆરસીના ઇન્ટરીમ ઓર્ડર પ્રમાણે જ અમે ફી લઇ રહ્યા છીએ. અમે સરકારના નિયમોને અનુસરી રહ્યા છીએ. જે કોઇ મામલો હશે તે અંગે અમે વાલીઓ સાથે વાત કરીશું.
આ પણ વાંચો --- VADODARA : VMC ના હોદ્દેદારોએ સરકારી વાહનો પરથી સાયરન હટાવ્યા


