VADODARA : આજે પર્વનો 'ત્રિવેણી સંગમ', ભક્તિ-ભાવ સાથે ઠેર ઠેર ઉજવણી
VADODARA : આજે પર્વનો ત્રિવેણી સંગમ છે. આજથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે, સાથે જ મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા ગુડી પડવાની ઉજવણી કરવામાં આવી રહી છે, તથા સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે. સંસ્કારી નગરી વડોદરામાં ત્રણેય પર્વની ધામધૂમ અને ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવા માટે લોકો ભક્તિભાવ પૂર્વક જોડાયા છે. રવિવારની રજા હોવાથી મોટી સંખ્યામાં લોકો વિવિધ પર્વની ઉજવણીમાં જોડાયા છે. (CHAITRA NAVRATRI, CHETI CHAND AND GUDI PADWA CELEBRATION - VADODARA)
હવન, પૂજનનું પણ મોટા પાયે આયોજન કરવામાં આવશે
આજથી જપ, તપ અને સાધનાનું અનોખું મહાત્મય ધરાવતી ચૈત્ર નવરાત્રી પર્વનો આરંભ થઇ રહ્યો છે. વડોદરામાં વહેલી સવારથી જ માંઇ ભક્તો માતાજીના દર્શન કરવા પહોંચ્યા હતા. માંડવી સ્થિત પૌરાણિક મેલડી માતાનું મંદિર, સિટીનું અંબાજી મંદિર, કારેલીબાગ વિસ્તારનું જાણીતું બહુચરાજી માતાજીનું મંદિર તથા અન્યત્રે મોટી સંખ્યામાં ભક્તો જોવા મળ્યા હતા. આજથી લઇને 6 એપ્રીલ, રામનવમી સુધી માંઇ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જામશે. સાથે જ નવરાત્રી દરમિયાન હવન, પૂજનનું પણ મોટા પાયે આયોજન કરવામાં આવશે, જેનો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ લાભ લેશે.
તમામે એકબીજાને નવવર્ષની શુભકામનાઓ પાઠવી
આજે મહારાષ્ટ્રીય પરિવારો માટે ગુડી પડવાનો દિવસ છે. તે નિમિત્તે પૂર્વ કોર્પોરેટર અને સામાજીક અગ્રણી રાજેશ આયરે દ્વારા મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન પરિવારો તથા અતિથી વિશેષ તરીકે સાંસદ ડો. હેમાંગ જોષી હાજર રહ્યા હતા. તમામે એકબીજાને નવવર્ષની શુભકામનાઓ પાઠવી હતી. વડોદરામાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન પરિવારો છે. દિવસ દરમિયાન અનેક વિધ જગ્યાએ ગુડી પડવા નિમિત્તે કાર્યક્રમોનું આયોજન થનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
ભગવાન ઝુલેલાલના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ
આજે સિંધી સમાજના નવું વર્ષ ચેટીચાંદ પણ છે. તે નિમિત્તે ભગવાન ઝુલેલાલના મંદિરોમાં ઉત્સાહ પૂર્વક તેની ઉજવણી કરવામાં આવી રહી છે. સાથે જ ચેટીચાંદ નિમિત્તે સિંધી સમાજ દ્વારા અનેકવિધ જગ્યાઓ પર સેવાકાર્યો કરવામાં આવી રહ્યા છે. આજે વહેલી સવારથી જ ભગવાન ઝુલેલાલના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. દર્શન, પૂજનમાં ભાગ લીધા બાદ તમામ એકબીજાને પર્વની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.
આ પણ વાંચો --- VADODARA : કિન્નર અખાડાનાં મહામંડલેશ્વર એરપોર્ટ પર સલવાયા


