VADODARA : છાણીમાં ગેસ ચિતા મામલે ભાજપ-કોંગ્રેસ અગ્રણી સામસામે
VADODARA : વડોદરા (VADODARA) ના છાણી વિસ્તારમાં ગેસ ચિતા મુકવા મામલે પાલિકા (VMC - VADODARA) ની સ્ટેન્ડિંગ કમિટિમાં દરખાસ્ત મુકવામાં આવનાર છે. જેનો સ્થાનિક ભાજપ અગ્રણી વિરોધ કરી રહ્યો હોવાનો આરોપ કોંગ્રેસના કોર્પોરેટર હરીશ પટેલ દ્વારા મીડિયા સમક્ષ લગાડવામાં આવ્યો છે. હરીશ પટેલનું કહેવું છે કે, આ કામ ના થાય તે માટે ભાજપ અગ્રણી સતીષ પટેલ દ્વારા સ્ટેન્ડિંગ કમિટિના સભ્યોને ટેલિફોનીક રજુઆતો કરવામાં આવી છે. જો કે, સતીષ પટેલ દ્વારા આ વાતને સ્પષ્ટ રદ્દીયો આપવામાં આવ્યો હતો.
હારી ગયા એટલે શરૂઆતથી વિરોધ કરી રહ્યા છે
વોર્ડ નં - 1 ના કોંગ્રેસના કોર્પોરેટર હરીશ પટેલએ જણાવ્યું કે, આજે સવારે મને એક કાગળ મળ્યો છે, જે વિનુભાઇ પટેલ દ્વારા લખવામાં આવ્યો છે. જેમાં છાણી સ્મશાનમાં ગેસ ચિતાની જરૂર નહીં હોવા સહિતના મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે ભાઇને ખબર નથી. ખરેખર વડોદરામાં કોઇ પણ જગ્યાએ નવી સુવિધા ઉભી કરાતી હોય તો તેને આવકારવું જોઇએ. ગેસ ચિતા કરવાથી પર્યાવરણને ફાયદો થાય છે. પૂર્વ સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન સતીષ પટેલ દ્વારા હાલની સ્ટેન્ડિંગ કમિટિના મેમ્બર્સને ફોન કરીને ગેસ ચિતાનો વિરોધ કરવા જણાવાયું છે, તેવું જાણવા મળી રહ્યું છે. તેઓ ઇલેક્શન હારી ગયા, એટલે શરૂઆતથી વિરોધ કરી રહ્યા છે. સારા કામનો વિરોધ કરનારાઓની માનસિકતા તપાસવી જોઇએ. શૌચાલય, અને શાકમાર્કેટના વિરોધ તેઓ કરી ચુક્યા છે.
આવી વાતને હું રદ્દીયો આપું છું
તો બીજી તરફ સતીષ પટેલએ મીડિયાને જણાવ્યું કે, કોંગ્રેસના કોર્પોરેટરની બદનામ કરવાની વૃત્તિ છે. વિકાસના કામોમાં અમે વિરોધ કરતા નથી. છાણીનું સ્માશાન ક્યાં નહીં હોય તેવું છે, અમે બધી સુવિધાઓ મફત આપીએ છીએ. પોતાના પ્રલોભન લેવા માટે તે આવું કરી રહ્યા છે. છાણીનો વિકાસ અમે કેવો કર્ચો છે, તે તમે જોઇ શકો છો. આવી વાતને હું રદ્દીયો આપું છું.
આ પણ વાંચો --- VADODARA : વોર્ડ નં - 1 માં દુષિત પાણીને પગલે રોગચાળો વકર્યો


