VADODARA : 'જમવાનું ઓછું કેમ આપ્યું' કહી ચાકુના ઉપરા-છાપરી ઘા ઝીંક્યા
VADODARA : વડોદરા ગ્રામ્યના જરોદમાં જમવાનું ઓછું કેમ આપ્યું કહીને ચાકુના ઉપરા-છાપરી ઘા ઝીંકવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. નજીવી બાબતે બબાલ બાદ આરોપીએ હિંસક હુમલો કરી દીધો હતો. આખરે ઇજાગ્રસ્ત હાલતમાં આરોપીને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે. અને આ મામલે જરોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. (COMPANY WORKER ATTACK WITH KNIFE OVER NEGLIGIBLE ISSUE - VADODARA)
ભગવાન રામદેવ ચૌહાણ સાથે ઝઘડો કર્યો
જરોદ પોલીસ મથકમાં મૃત્યુંજય બલીરામ સિંઘ એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ ખાનગી કંપનીમાં ગ્રેન્ડીંગનું કામ કરે છે. ધૂળેટી પર્વ નિમિત્તે કંપનીમાં રજા હતી. તે દરમિયાન કંપનીના કોન્ટ્રાક્ટરે સાથે કામ કરતા માણસો માટે જમણવારનો કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં રાજારામ રામાઅહિર ચૌધરી જમવા આવ્યા હતા. દરમિયાન તું મને જમવાનું કેમ ઓછું આપે છે, તેમ કહીને ભગવાન રામદેવ ચૌહાણ સાથે ઝઘડો કર્યો હતો. બાદમાં અન્યએ વચ્ચે પડીને મામલો શાંત કરાવ્યો હતો. તે બાદ રાજારામ તેના રૂમમાં જતો રહ્યો હતો. થોડોક સમય વિત્યા બાદ તે પાછો આવ્યો હતો. અને અગાઉની વાતને લઇને બોલાચાલી કરી હતી.
પરિચીતો અને કોન્ટ્રાક્ટરના માણસો દોડી આવ્યા
આ વચ્ચે એકદમ તેણે ઘરના રસોડામાંથી ચાકુ લાવીને ભગવાન ચૌહાણને મારી દીધું હતું. જેથી તેઓ પડી ગયા હતા. બાદમાં પણ આરોપીએ ચાકુના ઘા ઝીંકવાનું ચાલુ રાખ્યું હતું. જેમાં તેમને પેટ અને ગરદનના ભાગે ઇજાઓ પહોંચી હતી. એક પછી એક ઘા વાગતા ભગવાન ચૌહાણને લોહી નીકળવાનું શરૂ થઇ ગયું હતું. ઘટનામાં બુમાબુમ થતા બાજુના રૂમમાં રહેતા પરિચીતો અને કોન્ટ્રાક્ટરના માણસો દોડી આવ્યા હતા. બાદમાં આરોપી ત્યાંથી જતો રહ્યો હતો. અને તમામે ઇજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સ મારફતે એસએસજી હોસ્પિટલ સારવાર અર્થે મોકલી આપ્યા હતા. આખરે ઉપરોક્ત મામલે આરોપી રાજારામ રામાઅહિર ચૌધરી (હાલ રહે. શિવનંદન સોસાયટી, જરોદ, વાઘોડિયા, વડોદરા) સામે જરોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે.
આ પણ વાંચો --- VADODARA : હિટ એન્ડ રન કેસનો આરોપી એક દિવસના રિમાન્ડ પર


