VADODARA : રીઢા આરોપીને ત્યાંથી ચોરીના મુદ્દામાલ સાથે પિસ્તોલ-કારતુસ રિકવર
VADODARA : વડોદરા (VADODARA) માં રાત્રીના સમયે ઘરફોડ ચોરી અને વાહન ચોરીના ગુનામાં સામેલ આરોપીને ઘરેથી તસ્કરીના મુદ્દામાલ સાથે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) ની ટીમોએ પિસ્તોલ અને કારતુસ જપ્ત કર્યા છે. માથાભારે આરોપી સામે 18 જેટલા ગુનાઓ નોંધાયા બાદ પણ તેણે ગુનાખોરી ચાલુ રાખી હતી.
કંઇ મોટું કામ કરવાનો છે
વડોદરામાં ચોરોનો પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમો સતત પ્રયત્નશીલ હોય છે. તેવામાં ટીમને બાતમી મળી કે, અગાઉ ઘરફોડ ચોરીમાં સંડોવાયેલો અને રણોલી ગામે રહેતો કબીર સિંગ ઉર્ફે છોટા કબીર જોગીંગરસિંગ સીકલીગરે ચોરીના સોના ચાંદીના ઘરેણા સાથે દેશઈ પિસ્તોલ અને કારતુસ પોતાના ઘરમાં સંતાડેલા છે. અને તેના વડે કંઇ મોટું કામ કરવાનો છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ કબીરસિંગને દબોચી લીધો હતો. અને તેની પુછપરછ શરૂ કરી હતી.
કુલ મળીને રૂ. 4.54 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો
પુછપરછમાં તેણે જણાવ્યું કરે, બે મહિના પહેલા દેશી પિસ્તોલ લાવીને તેણે ઘરમાં સંતાડી રાખી હતી. તે ઉપરાંત તેણે 15 દિવસ પહેલા ત્રણ જગ્યાઓએ રાત્રીના સમયે હાથફેરો કર્યો હતો. તેનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે તેણેચોરી કરેલી કાર પણ શોધી કાઢવામાં આવી હતી. તેની સામે આર્મ્સ એક્ટ અંતર્ગત ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉપરોક્ત કાર્યવાહીમાં આરોપી કબીરસિંગ જોગીંદરસિંગ ભોંડ (સિકલીગર) (રહે. સત્યનારાયણ સોસાટયી, રણોલી, એકતાનગર) ની ધરપકડ કરીને તેને વધુ કાર્યવાહી અર્થે જવાહરનગર પોસીસ મથકમાં સોંપવામાં આવ્યો છે. તેની પાસેથી કુલ મળીને રૂ. 4.54 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
ત્રણ વખત પાસા અંતર્ગત જેલમાં પણ ધકેલાયો
આરોપીને પકડતા ત્રણ અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાઓ ઉકેલાયા છે. આરોપી કબીરસિંગ સામે ચેઇન સ્નેચીંગ, રાત્રી ઘરફોડ ચારી, વાહનચોરી, મારામારી સહિતના 18 ગુનાઓ નોંધાયેલા છે. તે ત્રણ વખત પાસા અંતર્ગત જેલમાં પણ ધકેલવામાં આવ્યો છે.
આ પણ વાંચો -- VADODARA : રીક્ષામાં બેઠેલા મહિલા પેસેન્જરના દાગીના સેરવતી ગેંગ ઝબ્બે


