VADODARA : ગુનાખોરીમાં અડધી સદી વટાવી ચૂકેલા રીઢા આરોપીને દબોચતી ક્રાઇમ બ્રાન્ચ
VADODARA : ગુનાખોરીમાં અડધી સદી વટાવી ચૂકેલા એટલેે કે 50 થી વધુ ગુનાઓમાં પકડાયેલા આંતર જિલ્લામાં હાથફેરો કરવા માટે જાણીતા રીઢા ચોરને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે (VADODARA CRIME BRANCH) દબોચી લીધો છે. આ ચોર પાસેથી ક્રાઇમ બ્રાન્ચે 31 જેટલી ચોરીની બાઇક રીકવર કરી છે. આ મુદ્દામાલ ક્રાઇમ બ્રાન્ચની કચેરીએ જોતા પહેલી નજરે તો કચેરી બાઇકના શોરૂમ જેવી ભાસતી હતી.
કેટલાક સમયથી પોતાના ઘરે આવતો ના હોવાનું ધ્યાને આવ્યું
ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નજર રાખવામાં આવતી હોય છે. દરમિયાન વિતેલા કેટલાક મહિનાઓમાં વાહનચોરીની ઘટનાઓ વધતા અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલો વાહનચોરી અરવિંદ જયંતિભાઇ વ્યાસ (રહે. લુણવા, મહેસાણા) શંકાસ્પદ જણાઇ આવ્યો હતો. બાદમાં તપાસ કરતા તે કેટલાક સમયથી પોતાના ઘરે આવતો ના હોવાનું ધ્યાને આવ્યું હતું. બાદમાં ક્રાઇમ બ્રાન્ચે તેની ભાળ મેળવવા પર ભાર મુક્યો હતો. બાદમાં બાતમી મળી કે, તે ગોલ્ડન ચોકડી વિસ્તારમાં અવર-જવર કરી રહ્યો છે.
પેટ્રોલ ખુટતા તેને જ્યાં ત્યાં મુકી રાખવામાં આવી
જે બાદ ક્રાઇમ બ્રાન્ચે તે વિસ્તારમાં પેટ્રોલીંગ વધારી દીધું હતું. દરમિયાન શંકાસ્પદ વ્યક્તિ જણાતા તેની બાઇકને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાદમાં ચાલકે બાઇક ભગાડી હતી. બાદમાં તેનો પીછો કરીને તેને હરણી લેકઝોન રોડ ખાતેથી પકડી પાડવામાં આવ્યો હતો. આરોપીએ પોતાનું નામ અરવિંદ વ્યાસ જણાવ્યું હતું. તેની પાસેથી બાઇકની માલિકી અંગેના કોઇ પણ પુરાવા હાથ લાગ્યા ન્હતા. તે અલગ અલગ વિસ્તારોમાંથી બાઇક ચોરી કરીને જુદા જુદા લોકોને આપતો હતો. તેનું પેટ્રોલ ખુટતા તેને જ્યાં ત્યાં મુકી રાખવામાં આવી હતી.
એક સાથે 29 ગુનાઓ ઉકેલાઇ જવા પામ્યા
રીઢા વાહનચોરને પકડતા વડોદરા શહેર તથા રેલવે પોલીસ મથકમાં નોંધાયેલા 29 ગુનાઓ ઉકેલાઇ જવા પામ્યા છે. આરોપી પાસેથી કુલ 31 ચોરીની બાઇક રીકવર કરવામાં આવી છે. જે તમામની કિંમત રૂ. 6.85 લાખ આંકવામાં આવી રહી છે.
આરોપીનો ગુનાહિત ઇતિહાસ
રીઢા આરોપી અરવિંદ વ્યાસ સામે અમદાવાદ, સુરત, દાહોદ, ગોધરામાં બાઇક અને જીપ ચોરીને 50 થી વધુ ગુનાઓ નોંધાયા છે. તેને ગોધરામાં નોંધાયેલા ગુના સંબંધે 2 - 2 વર્ષની સજા પણ થઇ છે. છતાં તેણે ચોરીનું કામ ચાલુ રાખ્યું હતું. આખરે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે તેને દબોચીને તેના વિરૂદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો -- 31st Celebration : MD ડ્રગ્સ સાથે એકની ધરપકડ, Addl. CP, DCP, ACP સહિત 4500 પો. જવાન ખડેપગે


