VADODARA : લોહીલુહાણ હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર
VADODARA : વડોદરા ગ્રામ્યમાં આવતા ડભોઇ (VADODARA - DABHOI) તાલુકાના પૂડા ગામની સિમમાંથી યુવકનો લોહીલુહાણ હાલતમાં મૃતહેદ મળી આવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ જોતા યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા છે. અને મામલાની તલસ્પર્શી તપાસ હાથ ધરી છે. યુવક ખેત શ્રમિક હોવાની પ્રાથમિક ઓળખ થઇ છે.
યુવકના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી
વડોદરા ગ્રામ્યમાં ચકચારી ઘટના સામે આવી છે. આજે સવારે ડભોઇના પૂડા ગામની સીમમાં ખેતરમાં જવાની પગદંડી પર યુવકનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. ઘટનાની વાત વાયુવેગે પ્રસરતા સ્થાનિકો અને પોલીસ દોડી આવી હતી. મૃત્યું પામેલા યુવકના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિે જોવા મળી રહ્યું છે. જે જોતા યુવકની હત્યા કરવામાં આવી હોવાની આશંકા પ્રબળ બની રહી છે.
ડીવાયએસપી, પીઆઇ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો
ડભોઇ તાલુકાના અંબાવથી પૂડા જવાના માર્ગ પર ખેતર નજીક મૃતદેહ મળી આવ્યો છે. મૃતકની ઓળખ હસમુખ ભુવણભાઇ ચૌહાણ કરવામાં આવી છે. યુવક ખેત શ્રમિક હતો. રાત્રીના સમયે કામ પરથી પરત ફરતી વેળાએ આ ઘટના ઘટી હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. ઘટના અંગે જાણ થતા જ સ્થાનિક પોલીસ, ડીવાયએસપી આકાશ પટેલ, પીઆઇ સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરી હતી.
ઘટનાના મુળ સુધી પહોંચવા માટે પોલીસે વિવિધ દિશામાં તપાસ
હાલ આ હત્યા પાછળનું કારણ અકબંધ છે. પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાના મુળ સુધી પહોંચવા માટે પોલીસે વિવિધ દિશામાં તપાસનો દૌર લંબાવ્યો છે.
આ પણ વાંચો --- VADODARA : પાલિકાએ ખોદેલા ખાડામાં બાઇક ચાલક ઉંધા માથે પટકાયો


