VADODARA : ભક્તે 111 ફૂટની અગરબત્તી તૈયાર કરી, બાવળિયાળીમાં મહેંકશે
VADODARA : વડોદરાના ઠાકરબાપાના ભક્તે 111 ફૂટની લાંબી અગરબત્તી તૈયાર કરી છે. આ અગરબત્તી આવતા મહીને અમદાવાદના ધોલેરા ખાતે યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ સ્થળને મહેંકાવશે. અગરબત્તીના સર્જક દ્વારા અગાઉ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમયે 108 ફૂટની અગરબત્તી વડોદરાથી અયોધ્યા મોકલી હતી. જેનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ હવે તેમણે 111 ફૂટની અગરબત્તી તૈયાર કરી છે. જેમાં હવન સામગ્રી સહિતની વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. (HUGE AGARBATTI FOR THAKARBAPA - VADODARA)
111 કુંડી અને 52 કુંડી યજ્ઞ રૂપી આ અગરબત્તી છે
વિહા ભરવાડે મીડિયાને જણાવ્યું કે, તા. 14, માર્ચના રોજ ધોલેરા તાલુકા, અમદાવાદમાં બાવળિયાળી ગામે અમારા ઇષ્ટદેવ ઠાકર મહારાજનું મંદિર આવેલું છે. જેમાં ભારતનો ગૌ પાલક સમાજ અને ઠાકરબાપામાં આસ્થા રાખતા લોકો જોડાયેલા છે. અને ત્યાં ઠાકરબાપાની પ્રાણપ્રતિષ્ઠાનું આયોજન છે, ભાગવત કથાનું આયોજન છે, 51 હજાર દિકરા-દિકરીઓ ગોપરાસ કરવાના છે. આટલા મોટા ભવ્ય પ્રોગ્રામને વધુ દિપાવવા માટે 111 ફૂટ લાંબી અગરબત્તી તૈયાર થવાની આરે છે. એક-બે દિવસમાં કામ પૂર્ણ થઇ જશે. આ અગરબત્તી 4500 કિલોની છે. તેની બનાવટમાં જવ, તલ,ગુગળ, 52 પ્રકારની હવન સામગ્રી વાપરવામાં આવી છે. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે, જ્યારે કોઇ દેવી-દેવતાની પ્રાણપ્રતિષ્ઠા થાય ત્યારે યજ્ઞ-હવન કરવો પડે છે. આ 111 કુંડી અને 52 કુંડી યજ્ઞ રૂપી આ અગરબત્તી છે. એક કુંડલ્યા ધામ જવાની છે, અન્ય બાવળિયાળી ધામા જવાની છે. અગરબત્તીમાં 33 કરોડ આહુતીઓને સમાવેશ કરવામાં આવ્યો છે. જેનાથી 33 કરોડ દેવને આહુતી લાગશે.
ગાયને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે
વધુમાં જણાવ્યું કે, આમાં દેવદારનું લાકડું ઉપયોગમાં લેવામાં આવ્યું છે. 17 - 18 ફૂટનો ટુકડો વચ્ચે મુકવામાં આવ્યો છે. તેને જોડવામાં આવ્યું છે. અને બાદમાં તેના પર અગરબત્તીની સામગ્રી લગાડવામાં આવી છે. ગાયને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે, જનતાનું કલ્યાણ થાય, તેવી આસ્થા સાથે અમે આ કાર્ય કરી રહ્યા છીએ. ગત વર્ષે વડોદરાથી 108 ફૂટ લાંબી અગરબત્તી અયોધ્યા ગઇ હતી. આ અગરબત્તી બનાવવા માટે અમે નિમિત્ત માત્ર બન્યા છીએ, આ અગરબત્તી દેશની જનતા તરફથી તૈયાર કરવામાં આવી છે.
આ પણ વાંચો --- VADODARA : શહેરને UNESCO creative city of design નો દરજ્જો અપાવવાની તૈયારી


