VADODARA : હીટ વેવ સામે તંત્ર સજ્જ, ટાસ્ક ફોર્સની રચના કરાઈ
VADODARA : વડોદરા (VADODARA) સહિત સમગ્ર રાજ્યમાં હીટવેવ (HITWAVE - VADODARA) ની શક્યતાઓને ધ્યાને લઈ બચાવ અને રાહતના આગોતરા પગલા લઈ શકાય તેમજ હીટવેવ સંભવિત અસરોથી રક્ષણ મેળવી શકાય તે માટે આજની જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં હીટવેવ એક્શન પ્લાનના અમલીકરણ અંગેની સમીક્ષા કરવામાં આવી હતી.
જરૂરી સૂચનાઓ બહાર પાડશે
વડોદરા જિલ્લામાં હીટવેવથી થતી વિપરીત અસરો નિવારી શકાય તે માટે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ તકેદારીના પગલા લેવા સૂચના આપવામાં આવી છે. આ સાથે જ જિલ્લા કક્ષાએ હીટ એક્શન ટાસ્ક ફોર્સ (DHATF) ની રચના કરવામાં આવી છે. આ ટાસ્ક ફોર્સ હીટ એક્શન પ્લાનના અમલીકરણ પર દેખરેખ રાખશે તેમજ તેના પાલન અંગે જરૂરી સૂચનાઓ બહાર પાડશે. ટાસ્ક ફોર્સના અધ્યક્ષ તરીકે જિલ્લા કલેક્ટર અને સભ્ય સચિવ તરીકે જિલ્લા વિકાસ અધિકારી છે તેમજ અન્ય તમામ વિભાગોના પ્રતિનિધિઓને આ સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા છે. ‘ઝીરો કેઝ્યુઅલ્ટી એપ્રોચ’ સાથે માનવજીવન અને પશુધનની સંપૂર્ણ રક્ષા થાય તેવા અભિગમ સાથે આ સમિતિ એક્શન પ્લાનનો અમલ કરશે અને કરાવશે.
સિવિલ સોસાયટી ઓર્ગેનાઈઝેશન/દાતાઓને પ્રોત્સાહિત કરશે
ડિસ્ટ્રિક્ટ હીટ એક્શન ટાસ્ક ફોર્સ સંવેદનશીલ વિસ્તારોની યાદી તો બનાવશે, તદુપરાંત જિલ્લામાં આવેલા જાહેર સ્થળો, બસ સ્ટેન્ડ, પ્રવાસન સ્થળો પર પીવાના પાણીની વ્યવસ્થા સાથે જરૂરી દવાઓ તથા કૂલ રેસ્ટિંગ શેડની વ્યવસ્થા કરશે. મનરેગા સાઈટ/બાંધકામ સાઈટ્સ પર મજૂરી કામમાં રોકાયેલા તમામ કામદારો માટે આરામના શેડ્સ, પીવાનું સ્વચ્છ પાણી, ઓઆરએસ, સમર કેપ્સ પૂરી પાડવામાં આવે તે અર્થે સિવિલ સોસાયટી ઓર્ગેનાઈઝેશન/દાતાઓને પ્રોત્સાહિત કરશે. આ ઉપરાંત જિલ્લા કલેક્ટરશ્રી ગરમીની ઋતુ દરમિયાન મૃત્યુના તમામ કારણો અને હોસ્પિટલમાં દાખલ થવા પર દેખરેખ રાખશે.
અમલીકરણ સાથે તકેદારીના તમામ પગલાઓ લેશે
આવી જ રીતે તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારી અને ગ્રામ્ય કક્ષાએ સરપંચ હીટવેવ સંબંધિત તૈયારીઓની ખાતરી કરશે તેમજ હીટવેવ એક્શન પ્લાનના અમલીકરણ સાથે તકેદારીના તમામ પગલાઓ લેશે. તદુપરાંત રાજ્ય સરકારશ્રીના અલગ અલગ વિભાગ દ્વારા જાહેર કરાયેલ ‘આટલું કરો’ અને ‘આટલું ના કરો’ની અમલવારી સુનિશ્ચિત કરાવશે.
સાવચેતીના પગલાં માટે જરૂરી પ્રબંધ કરાયો
મહત્વનું છે કે, રાજ્ય સરકાર દ્વારા મલ્ટીપર્પઝ સાયકલોન સેન્ટર કાર્યરત કરવા, સેવાભાવી સંગઠનોને છાશ અને ઓઆરએસ વિતરણ જેવા રાહત કાર્યમાં જોડવા, હીટ સ્ટ્રોકના દર્દી માટે હોસ્પિટલમાં સ્પેશ્યલ બેડ તૈયાર કરવા, પ્રવાસન સ્થળોને બપોરના સમયમાં બંધ રાખવા સહિતના સલામતી અને સાવચેતીના પગલાં માટે જરૂરી પ્રબંધ કરવામાં આવી રહ્યો છે. તેમજ હીટવેવની પરિસ્થિતિમાં નાગરિકોએ શું કરવું અને શું ન કરવું તે અંગેની માર્ગદર્શિકા અને એક્શન પ્લાન અંગેની વિગતો તમામ જિલ્લાઓના વહીવટીતંત્રને પૂરી પાડવામાં આવી છે.
આ પણ વાંચો --- VADODARA : કોટણા અને દિવેર બીચનું બ્યુટીફિકેશન કરવા સરકારમાં દરખાસ્ત મોકલાઈ


