VADODARA : જિલ્લા પંચાયત કચેરીને મળ્યું અત્યાધુનિક સુવિધાઓથી સુસજ્જ સભાખંડ
VADODARA : વડોદરા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા મહિડાએ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આજે જિલ્લા પંચાયત કચેરીના નવીન આધુનિક સુવિધાઓથી સુસજ્જ સભાખંડનું લોકાર્પણ કર્યું હતું. રૂ. ૧.૬૦ કરોડના ખર્ચે રિનોવેશન થયેલા સભાખંડના લોકાર્પણ ઉપરાંત વડોદરા જિલ્લાના વિવિધ ગામોમાં ઘનકચરાના વ્યવસ્થાપન માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત ઈ-રીક્ષાને પણ મહાનુભાવોએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. (VADODARA DISTRICT PANCHAYAT NEW HALL INAUGRATED)
જિલ્લાના વિકાસની ચર્ચા અને ઠરાવો માટેનું માધ્યમ બનશે
જિલ્લા પંચાયત ટીમને અભિનંદન પાઠવી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા મહિડાએ જણાવ્યું હતું કે, અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ સભાખંડ વડોદરા જિલ્લાના વિકાસની ચર્ચા અને ઠરાવો માટેનું માધ્યમ બનશે. તેમણે સભાખંડમાં હકારાત્મક વાતાવરણ હોવાનું જણાવી જિલ્લામાં થતા વિકાસકાર્યોની વાત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગ્રામવિકાસ કેન્દ્રમાં છે તેમજ ગામડાના લોકોની સુખાકારીમાં મહત્તમ વધારો કરવો, એ જ લક્ષ્યને લઈને જિલ્લા પંચાયતની ટીમ સતત આગળ વધી રહી છે. તેમણે જિલ્લા પંચાયતની બિલ્ડીંગના ઈતિહાસની પણ વાત કરી હતી.
સ્વચ્છતા જાળવવા અનુરોધ કર્યો
જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરાએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જિલ્લા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવીને સ્વચ્છતા જાળવવા અનુરોધ કર્યો હતો. તેમજ કર્મશીલતા થકી જિલ્લા પંચાયતને સતત આગળ ધપાવવા જણાવ્યું હતું.
જૂની કચેરી અને નવી કચેરીના સંસ્મરણો વાગોળ્યા
તો, આ પ્રસંગે અગ્રણી સતિષભાઈ નિશાળીયા, ડભોઈના ધારાસભ્યશ્રી શૈલેષભાઈ મહેતા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ, કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ તેમજ જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષના નેતા એમ. આઈ. પટેલે જિલ્લા પંચાયતની જૂની કચેરી અને નવી કચેરીના સંસ્મરણો વાગોળ્યા હતા. સભાખંડની તેમની સ્મૃતિઓ તેમજ કેટલીક યાદગાર ક્ષણોને તાજી કરી નવા સભાખંડ માટે હર્ષની લાગણી અનુભવી હતી.
અધિકારીઓ અને કર્મચારીઓને પ્રશસ્તિપત્ર અપાયા
આ પ્રસંગે વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર જિલ્લા પંચાયતના કર્મનિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એચ. કે. પરીખે સૌનું શાબ્દિક સ્વાગત કરી રિનોવેટેડ સભાખંડ અંગે વિગતો આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, રિનોવેટેડ સભાખંડ સંપૂર્ણ વાતાનુકૂલિત તેમજ સાઉન્ડ પ્રૂફ છે. તેમજ સભાખંડમાં નવા ફર્નિચર અને લાઇટિંગની વ્યવસ્થા સાથે દરેક સભાસદ પોતાની રજૂઆત મંચ સુધી પહોંચાડી શકે તે માટે દરેક બેઠક પર માઈકની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
જિલ્લા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા
આ લોકાર્પણ કાર્યક્રમમાં વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના અધ્યક્ષશ્રીઓ અને સભ્યો, પૂર્વ જિ. પં. પ્રમુખ અશોકભાઈ પટેલ અને સુધાબેન પમાર, તાલુકા પંચાયતના પ્રમુખઓ તેમજ જિલ્લા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો --- VADODARA : આરટીએસના કેસોના નિકાલ માટે ખાસ રેવન્યુ કોર્ટનો પ્રારંભ


