VADODARA : DLSS ખેલાડી રાષ્ટ્રીય બધિર સ્વિમીંગ ચેમ્પિયનશિપમાં ઝળક્યો
VADODARA : વડોદરાના 16 વર્ષિય તરવૈયા આરુષ લાંજેવારે તિરુવનંતપુરમમાં 26 થી 29 માર્ચ દરમ્યાન યોજાયેલી રાષ્ટ્રીય બધિર તરણ ચેમ્પિયનશિપમાં પોતાની પ્રથમ જ રાષ્ટ્રીય ઉપસ્થિતિમાં ઉલ્લેખનીય સફળતા મેળવી છે. DLSS (ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ) ના ખેલાડી આરુષે 50 મીટર અને 100 મીટર બટરફ્લાય સ્ટ્રોકમાં ગોલ્ડ મેડલ જીતીને સ્વિમિંગ જગતમાં પોતાનું નામ રોશન કર્યું, જ્યારે 200 મીટર ઈન્ડિવિજયુઅલ મેડલી (IM) અને 200 મીટર ફ્રીસ્ટાઇલ સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવતાં પોતાની સર્વાંગી પ્રતિભા પણ સાબિત કરી. (DLSS player Arush Lanjewar shines at the National Deaf Swimming Championship)
તાલીમ, પોષણ અને ટુર્નામેન્ટ એક્સપોઝર સાથે સારા શિક્ષણની સુવિધા
આરુષની આ સિદ્ધિના પાયામાં ‘સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ’ ખાતે મળતી આધુનિક તાલીમ તથા તેનાં કોચ વિવેક સિંહ બોરલિયા, ક્રિષ્ણા પંડ્યા, બિપિન કુમાર અને સુબોધ કુમારના માર્ગદર્શનની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે. DLSS દ્વારા રાજ્યભરના કાબિલ યુવા ખેલાડીઓને વૈજ્ઞાનિક તાલીમ, પોષણ અને ટુર્નામેન્ટ એક્સપોઝર સાથે સારા શિક્ષણની સુવિધા આપવામાં આવે છે.
અનુશાસન અને પ્રતિબદ્ધતાથી સર્જાયેલી સફળતા
જન્મથી બધિર અને છતાં રમતના ક્ષેત્રે ઉન્નતિ કરવાની દૃઢ ઈચ્છાશક્તિ ધરાવતા આરુષે ખૂબ જ નાની વયમાં તરવાનું શરૂ કર્યું હતું. હૈદરાબાદમાં તાલીમ લીધા બાદ, છેલ્લા ચાર વર્ષથી વડોદરામાં તે વ્યાવસાયિક તાલીમ લઈ રહ્યા છે. 2023માં DLSSમાં પ્રવેશ મેળવ્યા બાદથી તેની રમતગમતની યાત્રાએ ઝડપ પકડેલી છે. તે જ વર્ષે તેણે બેંગ્લોર ખાતે બ્રાઝિલ માટે પસંદગી ટ્રાયલમાં ભાગ લીધો હતો અને ભોપાલમાં આયોજિત CBSE ઝોનલ સ્પર્ધામાં 4x100 IM રિલેમાં સિલ્વર મેડલ પણ મેળવ્યો હતો.
સફળતાનો ઇતિહાસ
2024 દરમિયાન, દિલ્હી ખાતે ઈરાન માટે પસંદગી ટ્રાયલમાં ભાગ લઈ, ઇન્દોર CBSE ઝોનલમાં 800 મીટર ફ્રીસ્ટાઇલ અને 200 મીટર IM માટે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. ત્યારબાદ રાજકોટ ખાતે આયોજિત SFI સ્પર્ધામાં 50 મીટર ફ્રીસ્ટાઇલ અને 200 મીટર IM માટે પણ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.
સંઘર્ષ અને પ્રતિબદ્ધતાનું જીવંત ઉદાહરણ
આરુષના માતા કાદમ્બિનીના જણાવ્યા મુજબ, “આરુષે નાની ઉંમરથી જ પાણીમાં રસ દર્શાવ્યો હતો. DLSSમાં પ્રવેશ મળ્યા બાદ તે રમત પ્રત્યે વધુ ગંભીર બન્યો છે. તેના કોચ વિવેક સિંહના માર્ગદર્શન હેઠળ તે ઝડપથી ઊભરી રહ્યો છે. તેની પ્રથમ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં બે ગોલ્ડ અને બે સિલ્વર મેડલ જીતવાથી તે સંઘર્ષ અને પ્રતિબદ્ધતાનું જીવંત ઉદાહરણ બની ગયો છે.”
100 મીટર બટરફ્લાય પર ધ્યાન કેન્દ્રિત
કોચ વિવેક સિંહ કહે છે, “આરુષ સ્વિમિંગ માટે ઉત્સાહી છે અને હું તેની ઉર્જાને યોગ્ય દિશામાં વાળી રહ્યો છું. DLSS જેવી યોજના તેના જેવા ટેલેન્ટને ખીલવવામાં સહાયક બની છે. તે હાલમાં 50 અને 100 મીટર બટરફ્લાય ઉપરાંત 200 મીટર IM અને ફ્રીસ્ટાઇલમાં પણ નિપુણતા ધરાવે છે. હું ખાસ કરીને 100 મીટર બટરફ્લાય પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું જેથી તે વર્ષના અંતમાં યોજાનાર ડેફ ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાય કરી શકે.”
પ્રેરણાસ્ત્રોત બનેલ આરુષ
આરુષ લાંજેવરની સફળતા એ તમામ યુવા ખેલાડીઓ માટે પ્રેરણાસ્ત્રોત છે, જે બતાવે છે કે નિષ્ઠા, મહેનત અને યોગ્ય માર્ગદર્શન સાથે કોઈપણ પ્રતિબંધ વિજયનો માર્ગ અટકાવી શકતો નથી. સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સમગ્ર DLSS ટીમ તરફથી આરુષને તેની સિદ્ધિ માટે અભિનંદન અને ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
આ પણ વાંચો --- VADODARA : વિશ્વામિત્રી પ્રોજેક્ટ પર નજર રાખવા 4 એન્જિનિયરોની વિશેષ નિમણૂંક


