VADODARA : દોડકા ગામના રહીશની હ્રદયની બે સર્જરીનો ખર્ચ શૂન્ય થયો
VADODARA : વડોદરા જિલ્લાના નાનકડા ગામ દોડકામાં રહેતા પઢિયાર પરિવારની આ એક પ્રેરણાદાયી કહાણી છે, જે સરકારની આયુષ્માન ભારત યોજનાના અમૂલ્ય લાભને ઉજાગર કરે છે. આ ગામના 58 વર્ષીય વૃદ્ધ પૂનમ બુધાભાઈ પઢિયારના જીવનમાં આ યોજના એક આશીર્વાદ બનીને આવી. સપ્ટેમ્બર 2024માં તેમના હૃદયની ગંભીર શસ્ત્રક્રિયા થઈ, અને તેના ચાર મહિના પૂર્વે પણ તેમણે એક અન્ય હૃદયની સર્જરીનો સામનો કર્યો હતો. આ બંને શસ્ત્રક્રિયાઓનો ખર્ચ લગભગ ત્રણ લાખ રૂપિયા જેટલો થયો, જે નાની-મોટી મજૂરી કરીને ગુજરાન ચલાવતા આ પરિવાર માટે અસહ્ય બોજ સમાન હતો. પરંતુ આયુષ્માન કાર્ડની મદદથી આ બધો ખર્ચ સરકારે ઉપાડ્યો, અને પૂનમભાઈને નવું જીવનદાન મળ્યું. આ સહાય માટે તેમણે સરકાર પ્રત્યે ઊંડી કૃતજ્ઞતા વ્યક્ત કરી. (DODKA VILLAGE FAMILY MEMBER TWO HEART SURGERY COST ZERO DUE TO GOVT SCHEME - VADODARA)
પૂનમભાઈનો પુત્ર છૂટક કમાણી કરે છે
આ સમગ્ર ઘટનામાં તેમના પરિવારની મહિલાઓનો ફાળો પણ નોંધપાત્ર રહ્યો. પૂનમભાઈની પત્ની અને પુત્રવધૂ લક્ષ્મીબેન પઢિયારે આ મુશ્કેલ સમયમાં અદ્ભુત હિંમત અને સમર્પણ દર્શાવ્યું. કારણકે પૂનમભાઈનો પુત્ર છૂટક કમાણી કરે છે અને આ છ લોકોનો પરિવાર છે. જેમાં બે બાળકો પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી રહ્યા છે. ઘણીં વખત તો બે સમય જમવાનું પણ પૂરું નથી પડતું. ખુબ કપરી પરિસ્થિતિમાં આ પરિવાર ગુજરાન ચલાવી રહ્યું છે.
યોજનાએ અમારું બધું દેવું માફ કરી દીધું
લક્ષ્મીબેને યાદ કરતાં જણાવ્યું, “એક સાંજે છ વાગ્યે અચાનક મારા સસરાની તબિયત લથડી. અમે તેમને તાત્કાલિક નજીકના દવાખાને લઈ ગયાં. ત્યાંના ડૉક્ટરે કહ્યું કે હૃદયની સારવાર માટે મોટા હૉસ્પિટલમાં જવું પડશે. રાતના બે વાગ્યા સુધી હું અને મારી સાસુ રત્નબેન એકથી બીજી જગ્યાએ ફર્યાં, તપાસ કરી, માહિતી એકઠી કરી. અંતે આયુષ્માન કાર્ડની મદદથી સસરાને દાખલ કરવામાં આવ્યા. ત્રણ લાખનો ખર્ચ થયો, પણ આ યોજનાએ અમારું બધું દેવું માફ કરી દીધું.”
પરિવારને સહાય મળી, અને દુઃખનો અંત આવ્યો
આ ઘટના એક જીવંત પુરાવો છે કે સરકારની આવી કલ્યાણકારી યોજનાઓ જરૂરિયાતમંદોના જીવનમાં કેવી રીતે પ્રકાશ લાવી શકે છે. અડધી રાતે પણ આ પરિવારને સહાય મળી, અને તેમના દુઃખનો અંત આવ્યો. આયુષ્માન ભારત યોજના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે આશાનું કિરણ બની રહી છે, અને ડોડકાના પઢિયાર પરિવારની આ કહાની તેનું ઉત્તમ ઉદાહરણ છે. સરકારના આ પ્રયાસો દ્વારા અનેક જીવનો બચ્યાં છે, અને લોકોના ચહેરા પર સ્મિત ફરી ખીલ્યું છે.
આ પણ વાંચો --- VADODARA : 'રક્ષક બનો, રક્ષિત નહીં', સડક સુરક્ષા માટે અનોખી ઝૂંબેશ શરૂ


