VADODARA : વિજ થાંભલાની આગ પ્રસરતા અટકાવાઈ, મોટું નુકશાન ટળ્યું
VADODARA : વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આજે સવારે વિજ થાંભલા પાસે આગ લાગવાની ઘટના સામે આવી છે. જોત જોતામાં આગનું સ્વરૂપ મોટું થતા ધૂમાડા નીકળ્યા હતા. જેને દુરથી જોઇ શકાતા હતા. દરમિયાન ભાયલી ફાયર સ્ટેશનના સબ ઓફિસર પસાર થતા હોવાથી તેમનું ધ્યાન ગયું હતું. અને બાદમાં તેઓ તુરંત ત્યાં પહોંચ્યા હતા. તેમણે આગ નજીકની ખુરશીઓ અને લારીઓ દુર કરી દીધી હતી. જેથી આગને પ્રસરતા અટકાવી શકાઇ હતી. બીજી તરફ નજીકના ઘરમાંથી પાણીનો પાઇપ મેળવીને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો તેમણે કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
પાલિકાના સબ ફાયર ઓફિસર નજીકમાંથી પસાર થઇ રહ્યા હતા
વડોદરાના કારેલીબાગમાં વિજ થાંભલાની આસપાસ કુડો-કચરો નાંખવાનું નુકશાન આજે સામે આવ્યું છે. આજે સવારે તેમાં આગ લાગી હતી, જેણે જોતજોતામાં મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. જો કે, આ દરમિયાન પાલિકાના સબ ફાયર ઓફિસર નજીકમાંથી પસાર થઇ રહ્યા હતા. ઘટના તેમના ધ્યાને આવતા તેઓ તાત્કાલિક દોડીને આવ્યા હતા. અને આગને વધુ ફેલાતી અટકાવવાની સાથે તેના પર કાબુ મેળવવાના પ્રયત્નો તેજ કરી દીધા હતા.
કામગીરી કરી, એટલે ઘટનાનું મોટું સ્વરૂપ ટાળી શકાયું
સબ ફાયર ઓફિસર નંદકિશોરભાઇ સોલંકી મીડિયાને જણાવ્યું કે, આ કારેલીબાગ વિસ્તારમાં આવેલી વિજ કંપનીની ઓફિસ છે. અહિંયા થાંભલા પર જાડા કેબલના વાયરો હતા. ત્યાં કચરો અને થેલા પડ્યા હતા. અહિંયા ધુમ્રપાન અથવા તો તાપણું કરવાના કારણે આગ લાગી ગઇ હોવાનું અનુમાન છે. આગ બરાબર લાગી ગઇ હતી. મેં દુરથી ધૂમાડા જોયા હતા. છેક ચાર રસ્તા સુધી ધૂમાડા દેખાતા હતા. જેથી હું દોડીને આવી ગયો હતો. આગ બરાબર જામી રહી હતી. નજીકમાં એક ભાઇ પાણી છાંટી રહ્યા હતા. તેમની પાસેથી તે લઇને આગ બુઝાવવાની કામગીરી કરી હતી. સાથે જ લારીઓ-ખુરશીઓ દુર કરી હતી. અમે આગ ઓલવી દીધી છે. રાહદારીનું કહેવું છે કે, પ્રાથમિક આગ ઓલવવાની કામગીરી કરી, એટલે ઘટનાનું મોટું સ્વરૂપ ટાળી શકાયું હતું.
આ પણ વાંચો --- VADODARA : માથાભારેનો આતંક, શ્રમિકોને મારી કંપનીમાં વાહન-મટીરીયલ ફૂંકી માર્યા


