VADODARA : હત્યા બાદ પોલીસ મથક બહાર નેતાઓનો જમાવડો, બે ફરિયાદ નોંધાશે
VADODARA : વડોદરા (VADODARA) ની એસએસજી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ઇજાગ્રસ્તોની મદદ માટે ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશભાઇ રાજા નો પુત્ર તપન ત્યાં પહોંચ્યો હતો. દરમિયાન બાબર પઠાણ નામના માથાભારે શખ્સે તેના પર હોસ્પિટલમાં ચાકુ વડે હુમલો કરી દેતા તે ત્યાં જ ઢળી પડ્યો હતો. સારવાર દરમિયાન તબિબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના બાદ ભાજપના નેતાઓ મેયર, શહેર ભાજપ પ્રમુખ, વાડીના ધારાસભ્ય, સ્થાનિક કોર્પોરેટર સહિતના સ્થાનિકો મોટી સંખ્યામાં પોલીસ મથક પહોંચ્યા છે. અને પોલીસની હાજરીમાં બનેલી ઘટના સામે પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. આ મામલે શહેરના કારેલીબાગ અને રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા જઇ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. સાથે જ પોલીસ સ્ટેશનમાં લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
મારો દિકરો ત્યાં જ ઢળી પડ્યો હતો
મૃતકની માતાએ મીડિયાને જણાવ્યું કે, હુમલો થયો અને વાગ્યું એટલે મારા ઘરેથી છોકરો આવ્યો હતો. મેં તેને ઘરે બોલાવ્યો હતો. તે બાદ તેણે મને કહ્યું મમ્મી બે-ત્રણ જણાને વાગ્યું છે, તેની સારવાર માટે હું જાઉં છું. ત્યાર બાદ તે ગયો હતો. બાદમાં ઇજાગ્રસ્તોની ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવી હતી. તેવામાં પોલીસવાળા ની જોડે તે (આરોપી) આવ્યો હતો. પોલીસવાળા તેનો હાથ પકડીને તેને લઇ જાય છે. તેમાં આરોપી (બાબર ખાન) ની પત્ની તથા અન્ય મહિલાઓ બુરખો પહેરીને આવી હતી. તેણે તેના (આરોપી) હાથમાં ચાકુ લાવીને આપ્યું હતું. બાદમાં આરોપીએ મારા છોકરાને બે-ત્રણ જગ્યાએ ચાકુ મારી દીધું હતું. મારો દિકરો ત્યાં જ ઢળી પડ્યો હતો. પોલીસ વાળા આવી કેવી રીતે મારવા દે, આ કેવું કૃત્ય કહેવાય. મારી માંગ છે કે, આરોપીને ફાંસી આપો. મારો દિકરો જ મારો સહારો અને આધાર હતો. તેને લઇને જ હું જીવતી હતી. આજે મારો એકનો એક છોકરો ગયો છે, આ કૃત્યમાં બેજવાબદારી દાખવતા પોલીસ જવાનોને પણ કડકમાં કડક સજા કરવી જોઇએ. પોલીસની હાજરીમાં મારા પુત્રને માર્યો, તો તે કેમ જોયા કર્યો હતો. મારો એકનો એક છોકરો હતો. તેના લગ્ન કરવાના હતા, હવે હું તેને કેવી રીતે પાછો લાવીશ.
બે ફરિયાદ દાખલ કરવામાં આવશે
સમગ્ર મામલે ડીસીપી પન્ના મોમાયાએ મીડિયાને જણાવ્યું કે, જે બનાવ બન્યો છે, કારેલીબાગ વિસ્તારમાં તે અનુસંધાને તે સ્થળ પર હાલમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોઇ અનિચ્છનીય ઘટના ના બને તે માટે બે અલગ જુથની વસ્તી વચ્ચે પોલીસની ટીમો સતત પેટ્રોલીંગ કરી રહી છે. બનાવ સંદર્ભે એક ઘટનામાં કારેલીબાગ પોલીસ મથકમાં અને હત્યાની ઘટના મામલે રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ લેવામાં આવનાર છે. બે ફરિયાદ દાખલ કરવામાં આવશે. ફરિયાદમાં ઉલ્લેખ છે તે તમામની અટકાયત કરવાની કાર્યવાહી હાલ ચાલી રહી છે. નામજોગ આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી છે. ફૂટેજીસના આધારે આરોપીઓની ઓળખ કરવાનું કામ ચાલી રહ્યું છે. પ્રથમ બનાવ કારેલીબાગ વિસ્તારમાં મહેતા વાડીમાં બન્યો હતો. તેમાં ઇજાગ્રસ્ત બંને જુથના લોકો હોસ્પિટલમાં દાખલ થયા હતા. ત્યાંથી હોસ્પિટલની વર્ધિના આધારે પોલીસ તપાસ કરવા ત્યાં પહોંચી હતી. ત્યાં આરોપીએ તપનને છરી મારી દીધી હતી. જ્યાં તેનું મૃત્યું થયું છે. હાલમાં ફરિયાદ લેવાની અને સંયોગિત પુરાવાઓ એકત્ર કરવાની કાર્યવાહી ચાલુ છે. એક-બે આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો -- VADODARA : પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા, માથાકુટનો કરૂણ અંત


