VADODARA : શહેરમાંથી સૌ પ્રથમ વખત હાઇબ્રીડ ગાંજાનું વેચાણ કરતો પેડ્લર ઝડપાયો
VADODARA : વડોદરા શહેરમાં સૌપ્રથમ વખત હાઇપ્રોફાઇલ વર્તુળોમાં જાણીતો હાઇબ્રીડ ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો છે. જેની કિંમત રૂ. 22 લાખ આંકવામાં આવી રહી છે. વડોદરા એસઓજી પોલીસ દ્વારા બાતમીના આધારે કરેલી કાર્યવાહીમાં મોટી સફળતા મળવા પામી છે. વડોદરાના તાંદલજા વિસ્તારમાં પિતા-પુત્રની જોડીએ ઘરેથી જ હાઇબ્રીડ ગાંજાનું વેચાણ શરૂ કર્યું હતું. આ મામલે પુત્રનો દબોચી લેવામાં આવ્યો છે, જ્યારે પિતાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
એસઓજીના હેડ કોન્સ્ટેબલને સંયુક્ત રીતે બાતમી મળી
વડોદરા એસઓજી પોલીસ દ્વારા શહેરમાં નશાનો કારોબાર કરનારા તત્વોને ડામવા માટે સતત ટીમો કાર્યરત રહે છે. દરમિયાન એસઓજીના હેડ કોન્સ્ટેબલને સંયુક્ત રીતે બાતમી મળી કે, શકીલા પાર્કમાં રહેતો આદીબ અબ્દુલ પટેલ પોતાના મકાનમાં હાઇબ્રીડ ગાંજો રાખીને તેનું છુટ્ટકમાં વેચાણ કરી રહ્યો છે. જેના આધારે એસઓજી પોલીસ દ્વારા સ્થળ પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં આદીબ અબ્લુદ પટેલને ગાંજાના મોટા જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યો હતો. બાદમાં તેના વિરૂદ્ધમાં જેપી રોડ પોલીસ મથકમાં એનડીપીએસ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
પિતા સામે ત્રણ ગુનાઓ નોંધાઇ ચુક્યા છે
ઉપરોક્ત કાર્યવાહીમાં આદીબ સાથે તેના પિતા અબ્દુલ પટેલ પણ સંડોવાયેલા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે પુત્રને દબોચી લઇને પિતાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સાથે જ રૂ. 22 લાખના ગાંજાના જથ્થા સાથે ડીજીટલ વજનકાંટો, મોહાઇસ તથા અન્ય મળીને કુલ રૂ. 22.43 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપી આદીબના પિતા અબ્દુલ પટેલ સામે શહેરના જેપી રોડ પોલીસ મથક અને ગોત્રી પોલીસ મથકમાં પ્રોહીબીશન તથા એનડીપીએસના ત્રણ ગુનાઓ નોંધાઇ ચુક્યા છે.
આ પણ વાંચો --VADODARA : ડિસ્ટ્રીબ્યુટરને ત્યાંથી શંકાસ્પદ પનીર-ચીઝનો જથ્થો જપ્ત


