VADODARA : રાજ્યમાં સૌ પ્રથમ વખત ટેક્નોલોજીના ઉપયોગથી શિક્ષકોની બદલી
VADODARA : જિલ્લા પ્રાથમિક શિક્ષણ તંત્ર (VADODARA DISTRICT PRIMARY SCHOOL) દ્વારા યોજાયેલા શિક્ષકોની બદલી કેમ્પને કારણે પ્રાથમિક શિક્ષકોએ રાહતનો શ્વાસ લીધો છે. શિક્ષકોની બદલી બાબતે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમોને પગલે યોજાયેલા આ કેમ્પમાં બહારના જિલ્લાના શિક્ષકોને બોલાવીને શાળા પસંદ કરનારને સ્થળ ઉપર જ ઓર્ડર આપવામાં આવ્યા હતા. રાજ્યમાં સૌ પ્રથમ વખત વડોદરામાં બદલીના (FIRST TIME IN GUJARAT, USING TECHNOLOGY IN TEACHER TRANSFER CAMP) કેમ્પમાં ઇન્ફર્મેશન ટેક્નોલોજીના સામંજસ્ય સાધી શિક્ષકો માટે ઇન્ટરેક્ટિવ મોબાઇલ ડિસ્પ્લે ગોઠવવામાં આવી હતી.
બદલીના નિયમો અનુસાર કેમ્પ યોજવામાં આવ્યો
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મહેશ પાંડેએ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા બદલીના નિયમો અનુસાર કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં ઇન્ફર્મેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ક્યુઆર કોડ જનરેટ કરવામાં આવ્યા
આઇટીનો કેવી રીતે ઉપયોગ થયો ? એ બાબતની માહિતી આપતા પાંડેએ જણાવ્યું કે, શિક્ષકોની બદલી માટેના કેમ્પમાં મહત્વની ત્રણ બાબતો જેવી કે, અગ્રતા યાદી ઉપરાંત સિનિયોરિટી લિસ્ટ અને ખાલી પડેલી પડેલી જગ્યાની યાદીને ઓનલાઇન મૂકી તેના ક્યુઆર કોડ જનરેટ કરવામાં આવ્યા હતા. આ ક્યુઆર કોડ સાથેનો પરિપત્ર તમામ જિલ્લામાં મૂકવામાં આવ્યો હતો. જેમાં બદલી કેમ્પના સ્થળના લોકેશનના પણ ક્યુઆર મૂકવામાં આવ્યા હતા.
વરિષ્ઠતા ક્રમ અને ખાલી સ્થળની વિગતો પણ આ ક્યુઆર કોડથી જોઇ શકાય
આ ક્યુઆર કોડ થકી સંબંધિત વિગતોને સરળતાથી જોઇ શકાય એવી વ્યવસ્થા કરવામાં આવી હતી. અગ્રતા યાદીમાં સરકારી સેવામાં હોય એવા દંપતિ, વિધવા અને દિવ્યાંગ શ્રેણીમાં આવતા હોય એવા શિક્ષકોની યાદી હોય છે. જેમને નિયમોનુસાર બદલીમાં અગ્રતા આપવામાં આવે છે. આ ઉપરાંત વરિષ્ઠતા ક્રમ અને ખાલી સ્થળની વિગતો પણ આ ક્યુઆર કોડથી જોઇ શકાય છે.
૧૪૩ શિક્ષકો હાજર રહ્યા
જિલ્લા ફેરના એક તરફી બદલી માટેની માંગણીમાં ૨૦૦૯થી ડિસેમ્બર-૨૦૨૨ સુધીની પ્રાથમિક વિભાગની યાદી વાળા ૧૧૭૮ શિક્ષકોને રાજ્યભરમાં બોલાવવામાં આવ્યા હતા. તેમાંથી ૧૪૩ શિક્ષકો હાજર રહ્યા હતા. આ શિક્ષકોને પીળા અને તેના પરિવારજનને વાદળી કોડ આપી જિલ્લા શિક્ષણાધિકારીને કચેરીએ બોલાવવામાં આવ્યા હતા. તેમાંથી ૧૨૫ શિક્ષકોએ સ્થળ પસંદ કરતા તેને સ્થળ ઉપર જ ઓર્ડર આપી દેવામાં આવ્યા હતા.
જગ્યા ભરાઇ જાય એટલે એ સ્થળ લાલ રંગનું થઇ જાય
પ્રક્રીયા એવી હોય છે કે, બહારના શિક્ષક કેમ્પમાં આવે તે બાદ રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. નિયમોનુસાર શાળા પસંદ કરવાની હોય છે. ખાલી જગ્યાની માહિતી ક્યુઆર કોડથી આપવામાં આવી હતી. જગ્યા ભરાઇ જાય એટલે એ સ્થળ લાલ રંગનું થઇ જાય એવી વ્યવસ્થા કરાઇ હતી. બાદમાં સમિતિ સમક્ષ સહમતી આપવાની હોય છે. આ સમિતિમાં જિલ્લા શિક્ષણાધિકારી, પ્રાથમિક શિક્ષણાધિકારી, નાયબ શિક્ષણાધિકારી ઉપરાંત શિક્ષક સંઘના પ્રતિનિધિઓ હોય છે. સહમતી આપ્યા બાદ તુરંત જ તેમને ઓર્ડર આપી દેવામાં આવ્યા હતા.
વડોદરા આવવા માંગતા હોય એવા ૧૫ શિક્ષકોને બોલાવવામાં આવ્યા
એ જ રીતે ઉચ્ચ પ્રાથમિકમાં ભાષામાં ૧૯૬ શિક્ષકોને બોલાવવામાં આવ્યા હતા. તેની સામે ૩૨ શિક્ષકો હાજર રહેતા તેને ઓર્ડર આપવામાં આવ્યા હતા. મહત્વની વાત છે કે, વડોદરામાંથી છોટાઉદેપુર જિલ્લાનું વિભાજન થયું એ બાદ ત્યાંથી વડોદરા આવવા માંગતા હોય એવા ૧૫ શિક્ષકોને બોલાવવામાં આવ્યા હતા. તેમાંથી ૭ શિક્ષકોના ઓર્ડર કરવામાં આવ્યા હતા. આ સાત શિક્ષકોને બાદ કરવામાં આવે તો અન્ય જિલ્લામાંથી કુલ ૧૫૭ શિક્ષકો વડોદરામાં આવ્યા છે.
આ પણ વાંચો -- VADODARA : વડોદરા સાયબર ક્રાઇમને પ્રતિષ્ઠિત SKOCH એવોર્ડ એનાયત


