VADODARA : ફર્નિચરનો આખો શો રૂમ આગમાં સ્વાહા થતા સંચાલક પરિવાર રડી પડ્યો
VADODARA : વડોદરા (VADODARA) ના આજવા રોડ સરદાર એસ્ટેટ વિસ્તારમાં આવેલા મોટા ફર્નિચરના શો રૂમમાં ભયંકર આગ લાગવાની ઘટના તાજેતરમાં સામે આવી હતી. આ ઘટનામાં જોત જોતામાં આખો શો રૂમ આગની લપટોમાં આવી ગયો હતો. ઘટના સમયે સંચાલક પરિવાર લગ્ન પ્રસંગમાં હતો, તેમને આ અંગે જાણ થતા તેઓ તુરંત પ્રસંગ છોડીને શો રૂમ પર દોડીને આવી પહોંચ્યા હતા. ઘટનામાં રૂ. 25 લાખ જેટલું નુકશાન પહોંચ્યું હોવાનો સંચાલક પરિવારનો દાવો છે. પોતાની મહેનતથી ઉભો કરેલો શોરૂમ આખો આગમાં સ્વાહા થઇ જતા સંચાલક પરિવાર પોતાના આંસુ રોકી શક્યો ન્હતો.
તાજેતરમાં સંચાલકો દ્વારા ભાડાની જગ્યાએ માલ-સામાન શિફ્ટ કર્યો
વડોદરામાં દિવસેને દિવસે આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. તે જોતા શહેરની કંપનીઓ, મકાનો, તથા દુકાનોમાં ફાયર સેફ્ટી અંગે વધુ તૈયારીઓ, જાગૃતિ અને સતર્કતાની જરૂર જણાય છે. તેવામાં ગતસાંજે શહેરના સરદાર એસ્ટેટ વિસ્તારમાં આવેલી મારૂતિ ફર્નિચરના શો રૂમમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં જોત જોતામાં આગ આખા શો રૂમમાં પ્રસરી ગઇ હતી. તાજેતરમાં સંચાલકો દ્વારા ભાડાની જગ્યાએ માલ-સામાન શિફ્ટ કર્યો હોવાનું તેમણે જણાવ્યું હતુ. ઘટનામાં રૂ. 25 લાખથી વધુનું નુકશાન પહોંચ્યું હોવાનો પ્રાથમિક અંદાજો લગાડવામાં આવી રહ્યો છે.
ગમે તેટલું નુકશાન ગણો તેટલું ઓછું પડે
શો રૂમમાં ભીષણ આગના દ્રશ્યો જોઇને પરિવારની મહિલાઓ પોતાના આંસુ રોકી શકી ન્હતી. પરિજને મીડિયાને જણાવ્યું કે, અમારી ફર્નિચરની દુકાન આવેલી છે. અમે લગ્નમાં હતા. અમારા શો રૂમમાં આગ લાગી હોવાનું જાણતા જ અમે દોડીને અહીંયા આવ્યા છીએ. આ ઘટનામાં કોઇને ઇજા નથી થઇ. ગમે તેટલું નુકશાન ગણો તેટલું ઓછું પડે. આખો શો રૂમ અલગ અલગ પ્રકારના સાધનોથી ભરેલું હતું. હમણાં જ અમે દુકાન શિફ્ટ કરાવી છે. અને આજે આવું થયું છે.
આ પણ વાંચો -- VADODARA : રિફાયનરીમાં લાગેલી આગ મામલે મેજેસ્ટ્રીયલ તપાસના આદેશ


