VADODARA : રસ્તામાં કાર રોકીને તોડફોડ મચાવનાર ઝબ્બે
VADODARA : આજે સવારે વડોદરાના ગોત્રી વિસ્તારમાં બંસલ મોલ પાસે કાર રોકીને તેમાં જાહેરમાં તોડફોડ મચાવવામાં આવી (ATTACK ON CAR PUBLICLY - VADODARA) હતી. જેને પગલે વિસ્તારમાં ભય પ્રસર્યો હતો. ઘટનામાં આશરે ત્રણ જેટલી કારને નાનુ-મોટું નુકશાન માથાભારેએ પહોંચાડ્યું છે. આખરે આ મામલે ગોત્રી પોલીસ (GOTRI POLICE STATION) ને જાણ થતા કાફલો તુરંત દોડી આવ્યો હતો. હાલ આ ઘટનાના આરોપીને દબોચી લેવામાં આવ્યો છે. આ ઘટનાનો આરોપી અગાઉના ગુનામાં હાલ પેરોલ પર બહાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
તે પાણીગેટ પોલીસ મથકમાં IPC 302 ના ગુનામાં આરોપી છે
સમગ્ર ઘટના અંગે પ્રેસવાર્તામાં ACP રાઠવાએ મીડિયાને જણાવ્યું કે, ગોત્રી પોલીસ સ્ટેશન નજીક બંસલ મોલ આવેલો છે. અહિંયા સવારે રાહદારીઓ પોલીસ કંટ્રોલ રૂમમાં વર્ધિ લખાવી હતી કે, મારામારી અને ઝપાઝપી થઇ રહી છે. તે અનુસંધાને પીસીઆર વાન તાત્કાલિક પહોંચી ગઇ હતી. અને આરોપી તથા ફરિયાદીઓને પોલીસ મથક લવાયા હતા. ઘટના અનુસાર, આરોપી ધીરજ દિકપભાઇ કનોજીયા (ઉં. 27) (રહે. શિવનગર, ગાજરાવાડી, વડોદરા) પાણીગેટ પોલીસ મથકમાં IPC 302 ના ગુનામાં આરોપી છે. તે ઇન્ટરીમ બેલ પર છે. તેણે કેટલાક રાહદારીઓના કાચ તોડ્યા છે. અને તેમને માર માર્યો છે. તેની સામે ગોત્રી પોલીસ મથકમાં ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તે પાણીગેટ પોલીસ મથકનો આરોપી હોવાથી તેની બેલ રદ્દ થાય તજવીજ હાથ ધરી છે.
તોડફોડમાં વપરાયેલ બોટલ તેણે એમ્બ્યુલન્સમાંથી કોઇક રીતે લઈ લીધા
વધુમાં જણાવ્યું કે, રાહદારીઓ દ્વારા તેને માર મારવામાં આવ્યો હોવાથી તેની ફરિયાદ લેવાની તજવીજ પણ ચાલી રહી છે. આરોપીના મેડિકલ ટેસ્ટ અને સીટી સ્કેન કરાવવામાં આવ્યું છે. તેને કોઇ ગંભીર ઇજા જણાતી નથી. તેના સાયકોલોજીકલ ટેસ્ટ માટે રીફર કરીને તેમનો અભિપ્રાય મેળવીશું. તોડફોડમાં વપરાયેલ બોટલ તેણે એમ્બ્યુલન્સમાંથી કોઇક રીતે લઈ લીધા હતા. તેણે બે-ત્રણ કારના કાચ તોડ્યા છે. બોટલથી તેણે તોડ્યા હતા. ક્યાંથી બોટલ લાવ્યો, કેમ ગુનો કર્યો તે સહિતની વાતોના જવાબ મેળવાશે. તેણે કોઇની પાસેથી કંઇ લૂંટ્યું હોય તેવું ધ્યાને આવ્યું નથી. તેણે લોકો પાસેથી મોબાઇલ માંગ્યા હતા, પરંતુ તે બાદ કોઇ વાત થાય તે પહેલા જ તેણે કાચ તોડી નાંખ્યા હતા.
5 મીનીટમાં જ પીસીઆર વાન પહોંચી ગઇ
આખરમાં જણાવ્યું કે, આ બનાવ 06 - 55 કલાકે બન્યો હોવાની અમને કંટ્રોલરૂમની વર્ધિ મળી હતી. 5 મીનીટમાં જ અમારી પીસીઆર વાન પહોંચી ગઇ હતી. ઘણી વખત એવું બનતું હોય છે કે, કોઇ શુ ગુનાહિત માનસીકતા ધરાવે છે, તે પોલીસના અંદાજામાં નથી હોતું. આવી ઘટના બન્યા બાદ જ ધ્યાને આવતું હોય છે. આરોપીએ પ્રાથમિક દ્રષ્ટિએ કોઇ નશો કર્યો હોવાનું જણાઇ આવતું નથી.
આ પણ વાંચો --- VADODARA : લક્ઝરી બસની બારીમાંથી નીચે પટકાતા આધેડનું મોત


