VADODARA : સમિતિની શાળામાંથી જોખમી રીતે દરવાજો કુદીને જતા વિદ્યાર્થીઓ
VADODARA : વડોદરા પાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ (VADODARA NAGAR PRATHMIK SHIKSHAN SAMITI) ની ફતેપુરા વિસ્તારમાં આવેલી વીર ભગતસિંહ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ગેટ ઉપરથી કુદીને અવર-જવર કરી રહ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ (SOCIAL MEDIA VIRAL VIDEO - VADODARA) થવા પામ્યો હતો. આમ કરવા જતા કોઇ વિદ્યાર્થી ગેટ પરથી પટકાય અને તેને ઇજાઓ પહોંચે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. ત્યારે સમિતિના ચેરમેન દ્વારા શાળા તંત્રનો બચાવ કરવામાં આવતો હોય તે રીતનું નિવેદન આપવામાં આવ્યું છે.
તાત્કાલિક દરવાજો રીપેર કરવા માટે જણાવી દેવામાં આવ્યું
વડોદરાના ફતેપુરા વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વીર ભગતસિંહ પ્રાથમિક શાળા આવેલી છે. આ શાળાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં શાળાના વિદ્યાર્થીઓ પ્રવેશવા માટે દ્વારને કુદીને જઇ રહ્યા છે. આવી જોખમી રીતે દરવાજો પાર કરવાની ઘટના સામે આવતા તુરંત કડક આદેશો છુટ્યા છે. અને તાત્કાલિક દરવાજો રીપેર કરવા માટે જણાવી દેવામાં આવ્યું છે.
સુરક્ષાના કારણોસર તેને બંધ રાખ્યો
વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિધ દેસાઇએ મીડિયાને જણાવ્યું કે, શાળાના પ્રિન્સિપાલે જણાવ્યું કે, દરવાજો તુટી ગયો હોવાના કારણે તેને બંધ કરવામાં આવ્યો છે. અહિંયાથી અવર-જવર કરવું સહેલું પડે તે માટે વિદ્યાર્થીઓ દરવાજા ઉપરથી અવર-જવર કરી રહ્યા છે. મેં તાત્કાલિક તેમને શાળાનો દરવાજો ખોલી નાંખવા માટે જણાવ્યું છે. શાળામાં કોઇ પશુ ના પ્રવેશે, તેવા સુરક્ષાના કારણોસર તેને બંધ રાખ્યો હતો. શાળાના બાળકોને જ્યારે છોડવામાં આવે ત્યારે ગેટ પાસે પગી પણ હોય છે. પરંતુ તે સમયે પગી ના હોવાના કારણે બાળકો કુદીને ગયા હતા. શિક્ષકોને સખત વોર્નિંગ આપવામાં આવી છે કે, આ ઘટના ફરીવાર ના થાય તે માટે ગેટનું રીપેરીંગ કરાવે. શનિ-રવીની રજામાં રીપેરીંગ કાર્ય પૂર્ણ કરશે, તેમ સામે જણાવ્યું છે. ત્યાં સુધી દરવાજો ખુલ્લો રાખવા જણાવ્યું છે. જ્યાં સુધી બાળકો શાળામાં હોય ત્યાં સુધી કોઇ તકેદારીના ભાગ રૂપે કોઇ શખ્સને મુકવામાં આવશે.
આ પણ વાંચો -- VADODARA : જેલમાં ઓડિયો લર્નિંગ એક્સપીરીયન્સ સેન્ટરનો પ્રારંભ


