VADODARA : રિફાયનરીમાં લાગેલી આગ મામલે મેજેસ્ટ્રીયલ તપાસના આદેશ
VADODARA : વડોદરા (VADODARA) માં કોયલી ખાતે આવેલી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની રિફાઇનરીમાં લાગેલી આગ (IOCL PLANT MASSIVE FIRE - KOYLI, VADODARA) ની ઘટનાની મેજેસ્ટ્રીયલ તપાસ કરવાના આદેશ કરવામાં આવ્યા છે. કલેકટર બીજલ શાહ દ્વારા આ તપાસ ગ્રામ્ય પ્રાંત અધિકારી રાજેશ ચૌહાણને સોંપવામાં આવી છે.
11, નવે.ના રોજ બ્લાસ્ટની ઘટના સામે આવી હતી
વડોદરા ગ્રામ્ય પ્રાંત કચેરી દ્વારા એક જાહેર સૂચના પ્રસિદ્ધ કરવામાં આવી છે. તેમાં જણાવાયું છે કે, ઇ.ઓ.સી.એલ (ગુજરાત રિફાઇનરી) ના પ્લાન્ટમાં તા.૧૧/૧૧/૨૦૨૪ ના રોજ આગ લાગવાની તથા બ્લાસ્ટ થવાની ઘટના બનવા પામી હતી. આ દુર્ઘટનાની તપાસ પેટ્રોલીયમ અધિનિયમ-૧૯૩૪ની કલમ- ૨૮ મુજબ તથા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૯૬ હેઠળ કરવાનું નકકી કરવામાં આવ્યું છે.
તપાસ માટેનું સ્થળ સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ,વડોદરા ગ્રામ્યની કચેરી કોઠી કચેરી
આ અંગેની તપાસ સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ,વડોદરા ગ્રામ્ય દવારા તા.૨૬/૧૧/૨૦૨૪ના રોજ તેમની કચેરીમાં સવારના ૧૧ઃ૦૦ કલાક થી બપોરના ૦૧:૦૦ કલાક દરમિયાન હાથ ધરવામાં આવનાર છે. તપાસ માટેનું સ્થળ સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ,વડોદરા ગ્રામ્યની કચેરી કોઠી કચેરી,રાવપુરા વડોદરા ખાતે રાખવામાં આવ્યું છે.
તપાસમાં વિગતો આપવા કે હકીકતો રજુ કરવા જણાવવામાં આવ્યું છે
જેથી જ કોઈ હિત સંબંધ ધરાવતા લોકો આઇ.ઓ.સી.એલ(ગુજરાત રીફાઇનરી) માં થયેલ આગની દુર્ઘટના અંગે કોઈ પણ વિગત જાણતા હોય અથવા તો બનાવ સંબંધી હકીકત રજુ કરવા ઈચ્છતા હોય તો આ તપાસમાં વિગતો આપવા કે હકીકતો રજુ કરવા જણાવવામાં આવ્યું છે.
વૈજ્ઞાનિક ઢબે તપાસ કરવા માટે ટેંકમાંથી પાંચ પાંચ નમુના મેળવ્યા
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરાના કોયલી ખાતે આવેલી રીફાઇનરીમાં લાગેલી ભીષણ આગની ઘટનામાં અનેક એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં એફએસએલ દ્વારા આગ દુર્ઘટનાની વૈજ્ઞાનિક ઢબે તપાસ કરવા માટે ટેંકમાંથી પાંચ પાંચ નમુના મેળવ્યા હોવાનું સપાટી પર આવવા પામ્યું છે. જેનો રિપોર્ટ સીલ બંધ કવરમાં પોલીસ વિભાગનો સોંપવામાં આવનાર છે.
આ પણ વાંચો -- VADODARA : રિફાઇનરીમાં ભીષણ આગ મામલે FSLએ ટેંકમાંથી નમુના મેળવ્યા