VADODARA : હરણી બોટકાંડને વર્ષ પૂર્ણ થશે, આજે પણ ન્યાય ઝંખતા મૃતકના પરિજનો
VADODARA : 18, જાન્યુઆરી - 2024 ના રોજ વડોદરા (VADODARA) ની ન્યુ સનરાઇઝ શાળા (NEW SUNRISE SCHOOL - VADODARA) ના બાળકો અને શિક્ષકો હરણી તળાનમાં બોટીંગ માટે આવ્યા હતા. દરમિયાન બોટ ઉંઘી પડી જવાના કારણે બાળકો અને શિક્ષકો મળીને 14 ના મોત નીપજ્યા (HARNI BOAT ACCIDENT) હતા. આ ઘટનાને આવતી કાલે એક વર્ષ વિતશે, પરંતુ આજે પણ પરિવારો ન્યાયની ઝંખના કરી રહ્યા છે. અને તંત્રની કામગીરીથી નારાજ હોય તેમ લાગી રહ્યું છે. આવતી કાલે મૃતકોના માતા-પિતા શાળાએ, પાલિકાની કચેરીએ તથા ઘટના સ્થળે જવાના હોવાનું હાલ તબક્કે જાણવા મળી રહ્યા છે.
જે સત્તાધીશો પર ભરોસો હતો, તેમણે અમને સાથ આપ્યો નથી
હરણી બોટકાંડમાં મૃતક સંતાનની માતાએ કહ્યું કે, એક વર્ષ પહેલા 18, જાન્યુઆરી - 2024 ના દિવસે મારી દિકરી શાળાએથી પ્રવાસ માટે ગઇ હતી. પણ અમને ખબર ન્હતી, કે પાછી ક્યારે નહીં આવે. અમે શાળા પર ભરોસો રાખીને બાળકોને મોકલ્યા હતા. શાળાની બેદરકારીના કારણે 14 લોકોએ જીવ ગુમાવ્યા છે. અમે કાલે સવારે શાળાએ જઇશું. શાળાને સજા થાય તેવું અમે આશા રાખી રહ્યા છીએ. 12 વાગ્યે અમે પાલિકા જઇશું, અમને જે સત્તાધીશો પર ભરોસો હતો, તેમણે અમને સાથ આપ્યો નથી. અમે તેમને જાગૃત કરીશું. અમારી જીંદગી કાળી થઇ ગઇ છે. જે જીંદગી અમે જીવતા હતા, તે જીવી નહીં શકીએ. આવો દિવસ ફરી કોઇના જીવનમાં ના આવે તે માટે હું કહું છું, સ્કુલ બંધ કરાવી દો. અમે અર્ધમરેલા થઇને જીવી રહ્યા છે. અમે બીજાની બેદરકારીને લઇને ગુમાવ્યું છે. જેની બેદરકારી છે, છતાં તેને કશું નથી, તે શર્મજનક વાત છે.
વડોદરાની જનતા જાગૃત થાય તો જ આ લોકોને કંઇ ફેર પડે
મૃતકના અલ્તાફ મન્સુરી પિતાએ જણાવ્યું કે, એક વર્ષ પહેલા મારી દિકરી સવારે નિકળી હતી. ખુશી ખુશી પીકનીક જવા નીકળી હતી. તે પાછી આવવાની ન્હતી, તે વાતની અમને ખબર જ ન્હતી. આવતી કાલે આ ઘટનાને એક વર્ષ પૂર્ણ થશે. અમે શાળાએ શ્રદ્ધાંજલિ આપવા ભેગા મળીશું. શહેરવાસીઓને અમારી સાથે જોડાવવા માટે અપીલ છે. એક વર્ષથી અમે પ્રયાસો જ કરી રહ્યા છીએ કે, અમારા સંતાનોનો ન્યાય અપાવવા માટે. વડોદરાની જનતા જાગૃત થાય તો જ આ લોકોને કંઇ ફેર પડે તેમ લાગે છે. લોકોએ જાગૃત થવાની જરૂર છે. અમારા સંતાનો ગુમાવ્યા બાદ અમે જે રીતે દિવસો વિતાવ્યા છીએ. અમે રોજ રાતે રડીને ઉંઘીએ છીએ. તેવું બીજા કોઇની સાથે ના થાય.
આ પણ વાંચો -- VADODARA : વોર્ડ નં - 1 માં દુષિત પાણીને પગલે રોગચાળો વકર્યો