VADODARA : હાઉસ કીપરને પાર્ટનર બનાવવાના ઝાંસામાં લઇને લોનની મોટી રકમ સેરવી
VADODARA : વડોદરામાં કંપનીના હાઉસ કીપરને પાર્ટનર બનાવવાના ઝાંસામાં લઇને લાખો રૂપિયાની લોનની છેતરપીંડિ કરવામાં આવી છે. આ મામલે લોન લીધા બાદ કરાર કરવાનું કહેતા કંપની સંચાલકો દ્વારા તેમને ગોળ ગોળ ફેરવવામાં આવતા હતા. આખરે બંનેએ પાલિકામાંથી ખોટું ગુમાસ્તાધારાનું સર્ટીફીકેટ પણ મેળવ્યું હોવાનું ધ્યાને આવ્યું હતું. જે બાદ કંપનીના બે સંચાલકો સામે વડોદરા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે બાદ બંને સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. (COMPANY OWNER BANK LOAN FRAUD IN THE NAME OF HOUSE KEEPER - VADODARA)
નોકરી દરમિયાન ફરિયાદીનું કામ હાઉસ કીપીંગનું હતું
વડોદરા તાલુકા પોલીસ મથકમાં કમલેશભાઇ ઇશ્વરભાઇ મેકવાન એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ મજુરી કરીને ગુજરાન ચલાવે છે. ઓગસ્ટ - 2023 માં તેઓ ભાયલી-વાસણા રોડ પર આવેલી વેલ્થ ટ્રેઇન પ્રાઇવેટ કંપનીમાં નોકરી માટે ગયા હતા. આ કંપની દ્વારા કોલેજમાં ભણતા છોકરાઓને દરેક ફિલ્ડમાં નોકરી કરવા માટે ઓનલાઇન ટ્રેઇનીંગ આપવામાં આવે છે. જેના માલિક હિરલકુમાર સતીષચંદ્ર કંસારા અને સોહમભાઇ ઉપેન્દ્રભાઇ માંકડ (બંને રહે. સિલ્વર નેસ્ટ સોસાયટી, ભાયલી) હતા. નોકરી દરમિયાન ફરિયાદીનું કામ હાઉસ કીપીંગનું હતું.
તમારે આશરે રૂ. 10 - 15 લાખનું રોકાણ કરવું પડશે
નોકરીના બે મહિનામાં સોહમ માંકડે જણાવ્યું કે, હું કંપનીમાં ડિરેક્ટર છું, તમે પણ મારી સાથે પાર્ટનરમાં આવી જાઓ, આપણે ત્રણેય ભેગા થઇને બિઝનેસને ડેવલોપ કરીશું. જેથી ફરિયાદીએ તેમણે જોડાવવા માટે શું કરવાનું રહેશે, તેમ પુછ્યું હતું. સામે જવાબ મળ્યો કે, તમારે આશરે રૂ. 10 - 15 લાખનું રોકાણ કરવું પડશે. જેથી ફરિયાદીએ આટલી મોટી રકમ પોતાની પાસે નહીં હોવાનું જણાવી દીધું હતું.
તમારે નોકરી કરવાની જરૂર નથી
ત્યાર બાદ લોન કરાવી આપીશું, જે લોન પાસ થાય તે રકમ અમને આપી દેજો. અમે તે ધંધામાં રોકાણ કરીશું, બાદમાં જે નફો થાય તેને ત્રણ સરખે ભાગે વહેંચી લઇશું, તેમ જણાવ્યું હતું. બાદમાં ફરિયાદીના વિવિધ ડોક્યૂમેન્ટ્સ લેવામાં આવ્યા હતા. જેમાં કુલ મળીને રૂ. 13.90 લાખની લોન પાસ કરાવવામાં આવી હતી. જેમાંથી બેન્ક ચાર્જના કપાત કરીને એકાઉન્ટમાં રૂ. 11.64 લાખ આવ્યા હતા. જે તેમણે ધીરે ધીરે બંનેના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા. ત્યાર બાદ બંનેએ જણાવ્યું કે, હવેથી તમે ભાગીદાર છો, તમારે નોકરી કરવાની જરૂર નથી. થોડાક સમયમાં પાર્ટનરશીપ કરી લઇશું. બાદમાં પુછતા જણાવ્યું કે, તમે જ્યારથી રોકાણ કર્યું, ત્યારથી ભાગીદાર છો, કરાર કરવાની કોઇ જરૂર નથી. ત્યાર બાદ બંનેએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું.
દિવાળી પછી તમારી લોન ભરી દઇશું
સાથે જ ઓફિસ પરથી કંપનીનું બોર્ડ પણ નીકળી ગયું હતું. તે બાદ ફરિયાદી બંનેનો શોધતા તેમના ઘરે પહોંચ્યા હતા. જ્યાં સોહમ માંકડે ઉશ્કેરાઇને કહ્યું કે, મારા ઘરે આવવું નહીં, તમારી પર કેસ કરીને ફસાવી દઇશું. ત્યાર બાદ બંનેના મિત્રએ ફોન કરીને જણાવ્યું હતું કે, દિવાળી પછી તમારી લોન ભરી દઇશું. બંનેએ પાલિકામાંથી ખોટી રીતે ગુમાસ્તાધારાનું સર્ટીફીકેટ પણ લીધું હોવાનું જાણવા મળ્યું હતું. જો કે, ત્યાર બાદથી આજદિન સુધી ગોળ ગોળ જવાબ આપતા આખરે સતીષચંદ્ર કંસારા અને સોહમભાઇ ઉપેન્દ્રભાઇ માંકડ (બંને રહે. સિલ્વર નેસ્ટ સોસાયટી, ભાયલી) સામે ઠગાઇની ફરિયાદ નોંધવામાં આવી છે.
આ પણ વાંચો --- Weather Report : 6 રાજ્યોમાં ભારે વાવાઝોડા અને વરસાદ, ગુજરાત માટે હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી


