VADODARA : કોટડા ગામ પાસે મહી નદીમાંથી રેતી ઉલેચતી ત્રણ બોટ જપ્ત
VADODARA : વડોદરા જિલ્લા (VADODARA DISTRICT) ના ખનીજ માફિયા સામે કડક કાર્યવાહી કરવા માટે કલેક્ટર બિજલ શાહે (VADODARA COLLECTOR) સૂચના આપી છે. તેના અનુસંધાને વડોદરા ગ્રામ્યમાં આવેલા કોટડા ગામ પાસેથી પસાર થતી મહી નદીમાં કેટલાક લોકો ગેરકાયદે રેતી કાઢતા હોવાની માહિતી મળતા વડોદરા ગ્રામ્ય પ્રાંત અધિકારી રાજેશ ચૌહાણ ઉપરાંત મામલતદાર અને પોલીસની ટીમ ત્યાં દરોડા પાડ્યા હતા.
એક સો ટન જેટલી રેતીનો જથ્થો મળી આવ્યો
આ કાર્યવાહી દરમિયાન કોઇ પાસ પરમિટ વીના મહી નદીમાંથી રેતી કાઢતી ત્રણ બોટ ઝડપાઇ જતા તેને જપ્ત કરીને પોલીસને સોંપવામાં આવી હતી. તેની સાથે એક ડમ્પર અને એક સો ટન જેટલી રેતીનો જથ્થો પણ મળી આવ્યો હતો. જેને ખાણ ખનીજ વિભાગને સોંપવામાં આવ્યો છે. આ તમામની કિંમત અંદાજે રૂ. પાંચેક લાખની થવા જાય છે.
ફ્લાઇંગ સ્કવોર્ડ દ્વારા અત્યાર સુધી અનેક વખત કાર્યવાહી કરવામાં આવી
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા જિલ્લામાં કુદરતી ખજાનો વિપુર પ્રમાણમાં આવેલો છે. જેને ઉલેચીને રોકડી કરવા માટે માથાભારે તત્વો હરહંમેશ તૈયાર રહે છે. વડોદરાના સાંસદ તથા જિલ્લાના ધારાસભ્યો દ્વારા ગેરકાયદેસર ખનન મામલે અવાર નવાર કલેક્ટર સમક્ષ અવાજ ઉઠાવવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ ફ્લાઇંગ સ્કવોર્ડ દ્વારા અત્યાર સુધી અનેક વખત કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે જિલ્લા કલેક્ટર તથા તંત્રની કામગીરીથી લોકોમાં વિશ્વાસ પેદા થયો છે. અને ખનીજ માફિયાઓમાં ડર વ્યાપ્યો છે, તેવો ગણગણાટ પંથકમાં સાંભળવા મળી રહ્યો છે.
આ પણ વાંચો -- VADODARA : બુકાની ધારણ કરી જ્વેલરી શોપને ટાર્ગેટ કરતી ગેંગ ઝબ્બે


