VADODARA : અતિગંભીર હાલતમાં મળેલા દિપડાએ દમ તોડ્યો
VADODARA : વડોદરા ગ્રામ્યમાં આવતા પોર (VADODARA RURAL POR) નજીકના કરાલી ગામ પાસેથી પસાર થતી રેલવે લાઇન નજીકથી ઇજાગ્રસ્ત હાલતમાં દીપડો (INJURED LEOPARD RESCUE - VADODARA, POR) મળી આવ્યો હતો. આ દીપડાને રેસ્ક્યૂ કરીને સારવાર અર્થે વડોદરાના સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેણે દમ તોડ્યો હતો. આ દીપડો ટ્રેનની અડફેટે ઇજાગ્રસ્ત થયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.
ટ્રેનની અડફેટે ઇજાગ્રસ્ત થયો હોવાનું અનુમાન
તાજેતરમાં વડોદરા ગ્રામ્યમાં આવતા પોર પાસેના કરાલી ગામની રેલવે લાઇન નજીક દીપડો ઇજાગ્રસ્ત હાલતમાં હોવાની જાણ વડોદરાના ફોરેસ્ટ ઓફિસરને થતા તેઓ તુરંત સ્થળ પર પહોંચ્યા હતા. અને દીપડાને શોધી કાઢીને તેને વડોદરા લાવવામાં આવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ જોતા દીપડો ટ્રેનની અડફેટે આવીને ઇજાગ્રસ્ત થયો હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું હતું. ઇજાગ્રસ્ત દીપડાને શરીરની ડાબી તરફ ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેવો વડોદરા કમાટીબાગ સ્થિત રેસ્ક્યૂ સેન્ટરમાં સારવાર અર્થએ ખસેડવામાં આવ્યો હતો.
દીપડાની ઉંમર 9 વર્ષ હોવાનો અંદાજ
ત્યાર બાદ તુરંત તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. સારવારના અનેક પ્રયત્નો છતાં દીપડાનું વહેતું લોહી બંધ થયું ન્હતું. આખરે રાત્રે 11 - 30 કલાકના આરસામાં દીપડાએ દમ તોડી દીધો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ દીપડાની ઉંમર 9 વર્ષ હોવાનો અંદાજ છે. સામાન્ય રીતે ઝૂમાં રહોતા દીપડાનું આયુષ્ય 24 વર્ષ અને જંગલમાં રહેતા દીપડાનું આયુષ્ય 18 વર્ષ હોય છે.
હાઇપો વોલ્મીક શોકના કારણે મોત નીપજ્યું
દીપડાના મૃત્યુ બાદ તેનું ભૂતડીઝાંપા સ્થિત પશુ દવાખાનામાં તબિબોની પેનલ દ્વારા પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું. જેમાં સામે આવેલા પ્રાથમિક તારણો અનુસાર, દીપડાનું લોહી વધુ વહી જવાથી હાઇપો વોલ્મીક શોકના કારણે તેનું મોત નીપજ્યું હતું. દીપડાના શરીરના સેમ્પલને વધુ તપાસ અર્થે સુરતની એફએસએલ અને આણંદની વેટરનરી કોલેજમાં મોકલવામાં આવ્યા છે. હવે આ ઘટનામાં પોસ્ટ મોર્ટમ રીપોર્ટની આતુરતા પૂર્વક રાહ જોવાઇ રહી છે.
આ પણ વાંચો --- VADODARA : ગાય જોડે ભટકાતા પત્નીએ પતિ સામે નોંધાવી ફરિયાદ


