VADODARA : નવા નાણાકીય વર્ષમાં વડોદરાથી દુબઇની ફ્લાઇટ શરૂ થવાના એંધાણ
VADODARA : એપ્રીલ - 2025 થી શરૂ થતા નવા નાણાકીય વર્ષ (FINANCIAL YEAR - 2025) માં વડોદરાથી દુબઇ ઇન્ટરનેશનલ ફ્લાઇટ (VADODARA TO DUBAI, INTERNATIONAL FLIGHT SOON TO START) શરૂ થવાના એંધાણ સામે આવી રહ્યા છે. વડોદરા એરપોર્ટમાં કસ્ટમ અધિકારીઓને નિયુક્તિ કરવામાં આવી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. જેના કારણે આવનાર સમયમાં વડોદરાથી દુબઇની પ્રથમ ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થવાનો રસ્તો ખુલ્લો થયો છે. ફ્લાઇટ શરૂ થવા માટે બોઇંગ વિમાનના આગમનની વાટ જોવાઇ રહી છે.
વડોદરાવાસીઓની જુની ઇચ્છા પૂર્ણ થશે
વડોદરા એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટને દરજ્જો મળ્યા બાદ હજી સુધી એક પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થઇ નથી. વડોદરાથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થવાની વડોદરાવાસીઓ આતુરતા પુર્વક વાટ જોઇ રહ્યા છે. ત્યારે એપ્રીલ - 2025 થી શરૂ થનારા નવા નાણાકીય વર્ષમાં વડોદરાવાસીઓની જુની ઇચ્છા પૂર્ણ થાય તેવું લાગી રહ્યું છે.
ટુંક સમયમાં ગુજરાતને ત્રણ નવા પ્લેન મળનાર છે
પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર દિલ્હી હેડ ક્વાટરથી અમદાવાદના 10 કસ્ટમ અધિકારીને વડોદરા એરપોર્ટમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. જેમને કામ કરવા માટેની વ્યવસ્થા વડોદરા એરપોર્ટ દ્વારા કરવામાં આવશે. ટુંક સમયમાં એરલાઇનને ગુજરાત માટે ત્રણ નવા પ્લેન મળનાર છે. તે પૈકી સુરત-બેંગકોક રૂટ પર એક પ્લેન મુકવામાં આવશે. અને બીજુ પ્લેન વડોદરાને આપવામાં આવશે. આ પ્લેનમાં મુસાફરો વડોદરા-દુબઇની સીધી મુસાફરી કરી શકે તેવું આયોજન કરવામાં આવનાર છે. આ પ્લેનમાં 180 જેટલા મુસાફરો પોતાની આરામદાયક મુસાફરી કરી શકે તેવી વ્યવસ્થા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
સ્વપ્ન જલ્દી પુરૂ થાય તેવું સૌ કોઇ વડોદરાવાસીઓ ઇચ્છી રહ્યા છે
જરૂરી મેન પાવરની નિમણુંક કરવામાં આવ્યા બાદ, ફ્લાઇટ સત્વરે શરૂ કરવાની દિશામાં ઓથોરીટી દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જે નવા નાણાકીય વર્ષમાં શરૂ થાય તેવું હાલ લાગી રહ્યું છે. વડોદરાથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થવાના કારણે વડોદરાવાસીઓએ વર્ષો પહેલા જોયેલું સ્વપ્ન પુરૂ થશે. આ સ્વપ્ન જલ્દી પુરૂ થાય તેવું સૌ કોઇ વડોદરાવાસીઓ ઇચ્છી રહ્યા છે.
આ પણ વાંચો -- VADODARA : વેશ પલટો કરીને મહારાષ્ટ્ર પહોંચેલી પોલીસે લૂંટ-ખુન કેસનો આરોપી દબોચ્યો


