VADODARA : જંત્રીમાં વધારો થતા રિ-ડેવલપમેન્ટનો પ્રોજેક્ટ ઘોંચમાં પડ્યો
VADODARA : રાજ્ય સરકાર (GUJARAT GOVERNMENT) દ્વારા જમીનની જંત્રી દરમાં સુચિત આશરે 2 હજાર જેટલા ટકાના વધારા (LAND JANTRI PRICE HIKE - GUJARAT) નો ઠેર ઠેર વિરોધ થઇ રહ્યો છે. આ વચ્ચે હવે જંત્રીના ઉંચા સુચિત ભાવના કારણે રિ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ (REDEVELOPMENT PROJECT) ઘોંચમાં પડ્યો હોવાનું સપાટી પર આવવા પામ્યું છે. શહેરના પ્રતાગનગર ખાતે આવેલા જુના બિલ્ડીંગને રિ ડેવલપમેન્ટ માટેનું કામ હાથમાં લેવાની તૈયારી હતી. પરંતુ હવે નવી જંત્રી બાદ બિલ્ડર પ્રોજેક્ટમાંથી પીછેહટ કરી રહ્યા હોય તેવું સ્થાનિક સુત્રોનું જણાવવું છે. રાજ્ય સરકાર અને ક્રેડાઇ વચ્ચે જંત્રી મામલે વાટાઘાટોનો દોર ચાલી રહ્યો છે, તેમાં મામલાનો કોઇ સુખદ અંત આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.
કામ નક્કી થતા પાર્ટીનું આયોજન પણ બિલ્ડર તરફથી કરવામાં આવ્યું હતું
સરકાર દ્વારા સુચિત જંત્રીનો ભાવવધારો હવે રિ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પર ભારે પડી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. વડોદરાના પ્રતાપનગર સર્કલ, હજીરા સામે આવેલા 40 વર્ષ જુના લકી એપાર્ટમેન્ટનું રિ ડેવલપમેન્ટ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. રિ ડેવલપમેન્ટ માટેના નિર્ણય સુધી પહોંચતા રહીશો અને બિલ્ડરને ત્રણ વર્ષ લાગ્યા હતા. આ કામ નક્કી થતા પાર્ટીનું આયોજન પણ બિલ્ડર તરફથી કરવામાં આવ્યું હતું. જો કે, સુચિત જંત્રી બાદ આ કામમાંથી બિલ્ડરે પીછેહટ કરી છે. જેને કારણે જર્જરિત બિલ્ડીંગના બ્લોકમાં રહેતા રહીશો ચિંતામાં મુકાયા છે.
ખર્ચ ચાર ઘણો જેટલો વધી ગયો
લકી એપાર્ટમેન્ટમાં 58 મકાન અને 22 દુકાનો આવેલી છે. આ જર્જરિત બિલ્ડીંગને અગાઉ નિર્ભયતાની નોટીસ મળી ચુકી છે. આ જ એપાર્ટમેન્ટમાં એક ચિલ્ડ્રન હોસ્પિટલ પણ આવેલી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, સુચિત જંત્રીથી રિ ડેવલપમેન્ટનો ખર્ચ ચાર ઘણો જેટલો વધી ગયો છે. જેથી બિલ્ડર હવે આ કામને આગળ વધારવા નથી માંગતા.
મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ વિશેષ કમિટીની રચના થવી જોઇએ
સ્થાનિકોનું કહેવું છે કે, રિ ડેવલપમેન્ટનું કાર્ય સરળતાથી પાર પડે તે માટે મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ વિશેષ કમિટીની રચના થવી જોઇએ. સાથે જ કોઇ પણ જુની બિલ્ડીંગની રી ડેવલપમેન્ટ માટેના જંત્રી રેટ ઓછા રાખવા જોઇએ. જેથી રી ડેવલપમેન્ટ કાર્ય સરળતાથી કરી શકાય. હવે જંત્રી મામલે રાજ્ય સરકાર આખરી નિર્ણય શું લે છે, તેના પર સૌ કોઇની નજર છે.
આ પણ વાંચો -- VADODARA : મહીસાગર નદીના પટમાં ચાલતા ગેરકાયદે રેતી ખનન પર રેડ, ફ્લાઇંગ સ્કવોર્ડનો સપાટો


