Gujarat Local Elections : કરજણ પાલિકામાં સરેરાશ 24 ટકા મતદાન
Gujarat Local Elections : વડોદરા પાસેના કરજણ નગર પાલિકા માટે આજે મતદાન (KARJAN PALIKA - ELECTION 2024) યોજાઇ રહ્યું છે. કરજણ નગરપાલિકાના ૭ વોર્ડની કુલ ૨૮ બેઠકો સહિત વિવિધ પંચાયતોની કુલ મળી ૩૫ બેઠકો ઉપર નોંધાયેલા ૭૦૯૩૩ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરનાર છે. દરમિયાન કરજણમાં 11 વાગ્યા સુધીમાં સરેરાશ 24 ટકા જેટલું મતદાન થયું હોવાનું મદદનીશ ચૂંટણી અધિકારી મીડિયાને જણાવી રહ્યા છે. આ સાથે જ ટેક્નિકલ ખામી જણાતા બે ઇવીએમ મશીનને બદલવા પડ્યા હોવાનું તેમણે મીડિયાને જણાવ્યું છે. હાલ સમગ્ર વિસ્તારમાં શાંતિપૂર્વક રીતે મતદાન ચાલી રહ્યું છે.
અત્યાર સુધીમાં મતદારોએ શાંતિપૂર્ણ રીતે ભાગ લીધો
કરજણ નગર પાલિકાના મદદનીશ ચૂંટણી અધિકારીએ મીડિયાને જણાવ્યું કે, કરજણ નગર પાલિકાની ચૂંટણી માટે આજે મતદાન ચાલી રહ્યું છે. 11 વાગ્યા સુધીમાં સરેરાશ 24 ટકા જેટલું મતદાન થઇ ચુક્યું છે. અત્યાર સુધીમાં મતદારોએ શાંતિપૂર્ણ રીતે ભાગ લીધો છે. આજે લોકો વધુમાં વધુ મતદાન કરીને આ કાર્યક્રમને ઉજળો બનાવે તેવી લોકોને અપીલ છે. હજી સુધી કોઇ ફરિયાદ મળી નથી. અમારૂ તંત્ર વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું છે.
મશીનમાંથી બીપ નો અવાજ આવતો ન્હતો
વધુમાં તેમણે જણાવ્યું કે, આચાર સંહિતાની કોઇ પણ ફરિયાદ હશે, તો તેને ત્વરિત નિકાલ આવશે. મોક પોલ દરમિયાન એક ઈવીએમ બદલવું પડ્યું છે. અન્ય એક ઇવીએમ ને ચાલુ પ્રક્રિયા દરમિયાન બદલવું પડ્યું છે. જેમાં ટેક્નિકલ ખામી એવી હતી કે, તે મશીનમાંથી બીપ નો અવાજ આવતો ન્હતો. બે મશીન હાલ સુધીમાં બદલવા પડ્યા છે.
આ પણ વાંચો --- VADODARA : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 70,933 મતદારો મતદાન કરશે


