VADODARA : રક્તપિત્તનો પ્રિવેલેન્સ રેશિયો 0.67 ટકા, ડિસે.માં 229 દર્દીઓ મળ્યા
VADODARA : વડોદરા શહેર અને જિલ્લા (VADODARA CITY AND DISTRICT) માં આગામી તા. ૧૩ સુધી ચાલનારા રક્તપિત જાગૃતિ અભિયાન (LEPROSY AWARENESS CAMPAIGN - VADODARA) નો આરંભ થયો છે. તે પૂર્વે જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરાએ આરોગ્ય વિભાગના સંબંધિત અધિકારીઓ સાથે એક બેઠક યોજી જરૂરી સૂચનો કર્યા હતા અને મહત્તમ લોકોનું હેલ્થ સ્ક્રિનિંગ થાય એ બાબત ઉપર ભાર મૂક્યો હતો.
૧૩ ફેબ્રુઆરી સુધી જન જાગૃતિ અભિયાન ચાલશે
૩૦ જાન્યુઆરી ‘ગાંધી નિર્વાણ દિવસ’-‘એન્ટી લેપ્રસી ડે’ નિમિત્તે તા. ૩૦ જાન્યુઆરી થી ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન ‘સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઇન - જન જાગૃતિ અભિયાન ચાલશે. આ વર્ષે “ચાલો સૌ સાથે મળીને જાગૃતિ લાવીએ, ગેરસમજ દૂર કરીએ અને રક્તપિત્ત-ગ્રસ્ત વ્યક્તિ વણ શોધાયેલ ન રહે તે સુનિશ્ચિત કરીએ.” નું સુત્ર આપવામાં આવ્યું છે.
શહેર અને જિલ્લામાં અંદાજે ૩૯ લાખ નાગરિકોનું સ્ક્રિનિંગ કરાયું
આ પખવાડિયા દરમિયાન રકતપિત્ત વિશે નાગરીકોમાં વધુ જનજાગૃતિ લાવવા માટે કામગીરી હાથ ધરાશે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા વર્ષોથી રક્તપિત્તને નાથવા માટે અનેકવિધ પગલા હાથ ધરવામાં આવી રહ્યાં છે. વડોદરામાં રક્તપિત્તનું પ્રમાણદર એક ટકા કરતા ઓછું લાવવામાં પણ સફળતા મળી છે. રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત આ વર્ષ ૨૦૨૪માં વડોદરા શહેર અને જિલ્લામાં અંદાજે ૩૯ લાખ નાગરિકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રવાસી શ્રમિકોનો પણ સમાવેશ થાય છે.
૧૭ રીકન્સ્ટ્રીવ સર્જરી કરવામાં આવી
વર્ષ ૨૦૧૯થી ૨૦૨૪ સુધીમાં વડોદરા શહેર અને જિલ્લામાં મળી આવેલા રક્તપિતના દર્દીઓની સંખ્યા અનુક્રમે જોઇએ તો ૩૧૪, ૨૯૦, ૨૦૦, ૨૯૮, ૩૪૯ અને ૨૨૯ છે. હજાર વ્યક્તિની સંખ્યાની સાપેક્ષે ગણવામાં આવતા પ્રિવેલેન્સ રેશિયો ૦.૬૭ ટકા છે. આરોગ્ય વિભાગ દ્વારા ૨૦૧૯થી ડિસેમ્બર-૨૦૨૪ સુધીમાં જરૂરિયાતમંદ રકતપિત્તના દર્દીઓને વિનામૂલ્યે ૪૬૯૭ માઇક્રો સેલ્યુલર રબર શુઝ (એમ.સી.આર.), ૧૭ રીકન્સ્ટ્રીવ સર્જરી કરવામાં આવી છે.
દર માસે ત્રીજા શુક્રવારે સર્વે જેવી ખાસ ઝુંબેશ
આ ઉપરાંત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રકતપિત્તના વણશોધાયેલ દર્દીઓ શોધવા લેપ્રસી કેસ ડીટેકસન કેમ્પેઇન, એકટીવ કેસ ડીટેકશન એન્ડ રેગ્યુલર સર્વે, સ્પર્શ લેપ્રસી અવેરનેશ કેમ્પેઇન, હાર્ડ ટુ રીચ એરીયા કેમ્પેઇન, દર માસે ત્રીજા શુક્રવારે સર્વે જેવી ખાસ ઝુંબેશ હાથ ધરીને સધન કામગીરી કરવામાં આવે છે. જેમાં જનરલ હેલ્થ સ્ટાફ અને આશાની ટીમો દ્વારા ઘરે-ઘરે તપાસ કરી રકતપિત્ત નવા દર્દી શોધીને ત્વરીત બહુ ઔષધિય સારવાર હેઠળ મુકી તેઓને રોગ મુકત કરવામા આવે છે, આવી વિગતો આ બેઠકમાં પ્રસ્તુત કરવામાં આવી હતી. આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિનાક્ષી ચૌહાણ, અધિક જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. શૈલેષ સુતરિયા, જિલ્લા રક્તપિત અધિકારી ડો. અનિલ ધાકડ સહિત તાલુકા આરોગ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો --- VADODARA : તિવ્ર ઘોંઘાટ કરતા દોઢ ડઝન બુલેટ જપ્ત કરતી પોલીસ


