VADODARA : સેફ્ટી હેલ્મેટની આડમાં દારૂ ઘૂસાડવાનો કિમીયો નાકામ
VADODARA : વડોદરા (VADODARA) માં દિવાળી ટાણે દારૂ ઘૂસાડવા માટે બુટલેગરો અવનવા કિમીયા અજમાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ પોલીસ પણ તેમની ચાલાકી નાકામ કરવા તત્પર છે. વડોદરામાં સેફ્ટી હેલ્મેટની આડમાં લવાતો રૂ. 4.20 લાખની કિંમતનો દારૂ માંજલપુર પોલીસ મથકના સ્ટાફ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે ત્રણ આરોપીને દબોચી લીધા છે. જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
બાતમીથી મળતા વાહનો દેખાતા તેને રોકવામાં આવ્યા હતા
સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, માંજલપુર પોલીસ સ્ટેશન (MANJALPUR POLICE STATION - VADODARA) વિસ્તારમાં સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન એએસઆઇ અને હેડ કોન્સ્ટેબલને બાતમી મળી કે, એક બોલેરો પીકઅપ, બ્લુ કલરનું પ્લાસ્ટીક લગાડીને તેમાં સેફ્ટી હેલ્મેટની આડમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો લઇને આવી રહી છે. તેની આગળના ભાગે ટુ વ્હીલર અને પાછળ બાઇક પર પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. બાદમાં બાતમી વાળી જગ્યાએ વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન બાતમીથી મળતા વાહનો દેખાતા તેને રોકવામાં આવ્યા હતા. અને તેમાં તપાસ કરતા ખાખી બોક્સ મળી આવ્યા હતા. આ બોક્સમાં આગળની બાજુએ સેફ્ટી હેલમેટ હતા. અને પાછળ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.
ત્રણની અટકાયત, એક વોન્ટેડ જાહેર
ઉપરોક્ત કાર્યવાહીમાં પોલીસે નરેશ ઉદારામ ચૌધરી (રહે. રામપુરા, ચીતલવાના, સાંચોર), પરેશ જીતેન્દ્ર પટેલ (રહે. હિમ્મત નગર સોસાયટી, તરસાલી) અને મુકેશભાઇ નારાયણદાસ મખીજા (રહે. મંગલા માળવેડ, સોસા. તરસાલી, વડોદરા) ની ધરપકડ કરી છે. જ્યારે વિજય મયંકસિંહ રાણાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત કાર્યવાહીમાં માં રૂ. 4.20 લાખના દારૂ સહિત કુલ મળીને રૂ. 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ પણ વાંચો -- VADODARA : કંપનીના સ્ટાફ ક્વાટર્સમાં દારૂની મહેફીલની જાણ સંચાલકને કર્યા બાદ બબાલ


