VADODARA : ફરજ બજાવતા ટ્રાફિક PSI નો કોલર પકડીને યુવકે ફેંટ મારી દીધી
VADODARA : વડોદરા (VADODARA) ના માંજલપુર પોલીસ મથક (MANJALPUR POLICE STATION) વિસ્તારમાં ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ જવાને સિગ્નલ તોડીને જતા યુવકનો રોક્યો હતો. અને તેની પાસે જરૂરી કાગળિયા માંગ્યા હતા. જે બાદ યુવક ઉશ્કેરાયો હતો. અને તેણે પોલીસ જવાનના યુનિફોર્મનો કોલર પકડીને ફેંટ મારી દીધી હતી. આખરે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
બળપ્રયોગ કરીને રોકવામાં આવ્યો
માંજલપુુર પોલીસ મથકમાં પીએસઆઇ કે. એમ. માલીવાડએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ ટ્રાફિક શાખાની સ્પેશિયલ ટીમમાં ફરજ બજાવે છે. 8, ડિસે. ના રોજ તેઓ જ્યુપીટર ચાર રસ્તા પાસે ટીમ સાથે તૈનાત હતા. દરમિયાન સવારે એક બાઇક ચાલક સુશેન સર્કલથી વડસર બ્રિજ તરફ જતો હતો. તે સમયે ટ્રાફિક સિગ્નલ બંધ હોવા છતાં તે ટ્રાફિક સિગ્નલનું ઉલ્લંઘન કરીને આવતો હોવાથી તેને બળપ્રયોગ કરીને રોકવામાં આવ્યો હતો.
ડોક્યૂમેન્ટ્સ માંગવામાં આવતા તે ઉશ્કેરાઇ ગયો
બાદમાં તેનું નામ-સરનામું પુછવામાં આવ્યું હતું. તેણે પોતાનું નામ જૈનન જશવંતભાઇ રાણા (રહે. આશિષ સોસાયટી, હરણી વારસિયા રીંગ રોડ) જણાવ્યું હતું. જે બાદ તેની પાસેના ડોક્યૂમેન્ટ્સ માંગવામાં આવતા તે ઉશ્કેરાઇ ગયો હતો. અને તેણે પોલીસ જવાન સાથે ઝપાઝપી કરી હતી. બાદમાં ઉશ્કેરાટ વધતા તેણે યુનિફોર્મનો કોલર પકડીને ફેંટ મારી દીધી હતી.
આરોપી સામે કડક હાથે કાર્યવાહી કરવાની લોકમાંગ
આખરે ટ્રાફિક પોલીસ જવાનની ફરજમાં રૂકાવટ ઉભી કરતા જૈનન જશવંતભાઇ રાણા (રહે. આશિષ સોસાયટી, હરણી વારસિયા રીંગ રોડ) સામે માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટના સામે આવ્યા બાદ આરોપી સામે કડક હાથે કાર્યવાહી કરવાની લોકમાંગ ઉઠવા પામી છે. આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ક્યારે કોઇ ના કરે તે પ્રકારે આરોપી જોડે પોલીસે વર્તવું જોઇએ તેવું લોકોનું માનવું છે.
આ પણ વાંચો -- VADODARA : ઝઘડો થાળે પાડવા જતા પોલીસ કોન્સ્ટેબલ જોડે ગેરવર્તણૂંક કરી શર્ટ ફાડ્યું


