VADODARA : માંજલપુર વિધાનસભાના સ્નેહમિલનમાં સદસ્યતા અભિયાન છવાયું
VADODARA : દિપાવલી પર્વ પૂર્ણ થયા બાદ હવે વડોદરા (VADODARA) શહેરના અલગ અલગ વિધાનસભા વિસ્તારમાં સ્નેહ મિલનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગતમોડી સાંજે વડોદરાના માંજલપુર વિધાનસભાનું સ્નેહ મિલન યોજાયું હતું. આ સ્નેહ મિલનના કાર્યક્રમમાં ધારાસભ્ય યોગેશ પટેલ (BJP MLA YOGESH PATEL - VADODARA) દ્વારા રમુજી અંદાજમાં કટાક્ષ કરવામાં આવ્યો હતો. અને હજી પણ વધુ સભ્યો બનાવવા માટે સમય હોવાનું કાર્યકર્તાઓને જણાવામાં આવ્યું હતું. તેમણે રમુજને આગળ વધારતા કહ્યું કે, વેપારીઓની જેમ મેં પણ સ્કિમ બનાવી છે, જે વોર્ડમાંથી સૌથી વધુ સભ્યો બનાવાશે, તેને બધી ગ્રાન્ટ આપવાની છે.
બહેનોને બેઠકોમાં 50 ટકાની ભાગીદારી જોઇએ છે
દિપાવલી પર્વ પૂર્ણ થયા બાદ ઠેર ઠેર ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સદસ્યતા અભિયાનમાં નબળા પ્રદર્શનનો મુદ્દો છવાયો હોવાનું તમામે લાગી રહ્યું હતું. સદસ્યતા અભિયાન અંગે રમુજ કરીને કટાક્ષ કરતા ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું કે, બહેનોને બેઠકોમાં 50 ટકાની ભાગીદારી જોઇએ છે. પરંતુ માત્ર 10 ટકા જ સભ્યો બનાવવા છે. આ ગણિત મને નથી સમજાતું.
બધી ગ્રાન્ટ આપવાની, છતાં નથી બનાવતા
વધુમાં તેમણે જણાવ્યું કે, મેં ચાર વખત બધાયને બોલાવ્યા છે. અને સભ્યો વધારવા અંગે વાત કરી. પરંતુ કથા પૂરી થાય પછી ખંખેરીને જતા રહે તેવું થયું છે. માંજલપુર વિધાનસભામાં સભ્યો વધે તે માટે વેપારીઓની જેમ મેં સ્કિમ બનાવી છે. જે વોર્ડ સૌથી વધુ સભ્યો બનાવશે, તેને બધી ગ્રાન્ટ આપવાની. છતાં નથી બનાવતા. હજી બે દિવસ છે, બધાય પ્રતિવ્યક્તિ 50 મેમ્બર્સ બનાવો, જુઓ પછી.
ખરેખર થાય છે કે નહીં, તે જોવું રહ્યું
ઉપરોક્ત કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ, પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ તથા અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલના રમુજ સભર શાબ્દિક ચાબખા સાંભળીને તમામ ખળખળાટ હસી પડ્યા હતા. જો કે, સિનિયર ધારાસભ્યએ કરેલી વાતની કોઇ અસર ખરેખર થાય છે કે નહીં તે આવનાર સમયમાં જ ખબર પડશે.
આ પણ વાંચો -- VADODARA : વિદેશી યુવકે ભારે કરી, મેનેજરને માર મારી પૈસા પડાવ્યા, પોલીસ જવાનોની કરી ધૂલાઇ


